ISRO નું EOS – 09 મિશન અધુરૂ રહ્યું, પરંતુ દેશવાસીઓને વિશ્વાસ છે કે બહુ જલદી દેશના વૈજ્ઞાનિકો તેને સફળ બનાવશે
(જી.એન.એસ) તા. ૧૮
શ્રીહરિકોટા,
દેશની પ્રતિષ્ઠિત ઇન્ડિન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા રવિવારે શ્રીહરિકોટાથી તેનું 101 મું મિશન EOS – 09 લોન્ચ કરવામાં આવ્યું હતું. લૉન્ચ બાદ ત્રીજા તબક્કા દરમિયાન ટેક્નિકલ ખામી જોવા મળી, જેના કારણે મિશન અધુરૂ રહી ગયું. આ વાતની જાણકારી ખુદ ISRO પ્રમુખ વી. નારાયણને આપી છે.
આ બાબતે વી. નારાયણને જણાવ્યું કે, સેટેલાઇટના લૉન્ચનો પહેલો અને બીજો તબક્કો સામાન્ય રહ્યો પરંતુ, ત્રીજો તબક્કો પૂરો ન થઈ શક્યો અને ખામીના કારણે આ મિશન સફળ ન થઈ શક્યું. ત્રીજા તબક્કામાં સંચાલન દરમિયાન અમે અવરોધ જોયો અને મિશન પૂરું ન થઈ શક્યું. હવે અમે આ ડેટાનું વિશ્લેષણ કરીશું અને ફરી મિશન પર પરત ફરીશું.’
આ મિશન હેઠળ EOS-09 (Earth Observation Satellite-9)ને પૃથ્વીની સૂર્ય સમકાલિક કક્ષા (SSPO)માં સ્થાપિત કરવાનું હતું. આ સેટેલાઇટ EOS-04નું રિપીટ સંસ્કરણ હતું અને તેનો હેતુ રિમોટ સેંસિંગ ડેટા પૂરો પાડવાનું હતું, જેથી વિવિધ ક્ષેત્રમાં કાર્યરત યુઝર્સને સટીક અને નિયમિત આંકડા મળી શકે.
EOS-09 સેટેલાઇટને એક હેતુથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું જેથી દેશની રિમોટ સેંસિંગ ક્ષમતાઓને વધુ મજબૂત કરી શકાય. EOS-09ને ખાસ કરીને એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન, ઘુસણખોરી અને શંકાસ્પદ ગતિવિધિઓ વિશે જાણકારી મેળવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

