હવે ઓટીટી ફોર્મેટને ધ્યાને રાખીને સ્ક્રિપ્ટમાં ધરમૂળથી અનેક ફેરફારો
(જી.એન.એસ) તા. 12
મુંબઈ,
બોલીવુડના કયાતનાં નિર્માતા કરણ જોહરે ફિલ્મ ‘દોસ્તાના ટૂ’ પ્રોજેક્ટ ફરી રિવાઈવ કર્યો છે પરંતુ તે આ ફિલ્મ થિયેટર નહિ પરંતુ સીધી ઓટીટી પર રીલિઝ કરવાનો છે.
કરણે ફિલ્મમાં કાર્તિકવાળી ભૂમિકા વિક્રાંત મૈસીેને આપી છે. વિક્રાંત બહુ સારો એક્ટર છે પરંતુ તે બોક્સ ઓફિસ પર સેલેબલ સ્ટાર નથી ગણાતો. તેની સાથે મહત્વની ભૂમિકામાં લક્ષ્ય લાલવાની છે. તેના નામ પર પણ બોક્સ ઓફિસ પર વકરો થાય તેમ નથી. બીજી તરફ જાહ્નવી કપૂરને પણ રિપ્લેસ કરવામાં આવી રહી છે. તેના સ્થાને જો કોઈ નવી અભિનેત્રીને લેવામાં આવશે તો તેના નામે પણ થિયેટરમાં પ્રેક્ષકો મળવાના નથી. આથી, કરણે એક ઓટીટી કંપનીને આ ફિલ્મ રીલિઝ કરવા મનાવી લીધી છે.
થોડા સમય પહેલા અભિનેતા કાર્તિક અને જાહ્નવી સાથે શરુ થયેલી ફિલ્મ ૨૦ દિવસનાં શૂટિંગ બાદ પડતી મૂકાઈ હતી. હવે નવેસરથી હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં ઓટીટીને ધ્યાને રાખીને અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન પણ અદ્વૈત ચંદનને સોંપાયું છે.

