(જી.એન.એસ) તા. 19
મુંબઈ,
મુંબઈના વિલે પાર્લેના કાંબલીવાડીમાં સ્થિત વર્ષો જૂના પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર ને બુધવારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ પછી દેશભરમાં જૈન સમુદાય ગુસ્સે છે. જૈન મંદિર પર બુલડોઝર ફેરવતા જૈન સમુદાય અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મ્યુનિસિપલ કાર્યાલય સુધી મૌન રેલી કાઢવામાં આવી. જૈન સમાજના અગ્રણીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પગલાને વખોડતા ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો.
બીએમસી દ્વારા કોર્ટના આદેશનો અનાદર કરી 16 એપ્રિલ, 2025ના રોજ જૈન મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. આ જૈન મંદિર નેમિનાથ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, કંબલીવાડીમાં સ્થિત હતું. મંદિરના ટ્રસ્ટી અનિલ શાહે કહ્યું કે આ મંદિર 1960માં બનાવ્યું હતું અને BMCની મંજૂરી બાદ મંદિરનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું. BMC દ્વારા મંદિર તોડવાની કાર્યવાહી કરાતા ધાર્મિક પુસ્તકો અને મંદિરમાં રહેલા પવિત્ર સામાનને નુકસાન પંહોચ્યું છે. શાહે આ કાર્યવાહી પાછળ સ્થાનિક હોટેલિયરના હિતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
મંદિરના ટ્રસ્ટી અનિલ શાહે કહ્યું કે BMC એ કોર્ટના નિર્ણયની રાહ જોઈ નથી. મંદિરના ટ્રસ્ટીએ કહ્યું કે BMC જાણતી હતી કે અમે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે, તેમ છતા BMC વહીવટીતંત્રે મંદિર તોડી પાડ્યું. મંદિરના ટ્રસ્ટીએ કહ્યું કે અમે અધિકારીઓને કોર્ટના નિર્ણય સુધી રાહ જોવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે અમારી વાત સાંભળી નહીં. અનિલ શાહે કહ્યું કે જૈન ભાઈઓ આજે મંદિર તોડી પાડવા સામે અહિંસક વિરોધ કરશે. તમને જણાવી દઈએ કે આ વિરોધ પહેલા જૈન ભાઈઓએ તે મંદિરમાં આરતી કરી હતી જ્યાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત જૈન બંધુઓએ એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે આ મંદિર કોના આદેશથી તોડી પાડવામાં આવ્યું હતું.

