(જી.એન.એસ) તા. 19
સુકમાં,
છત્તીસગઢના સુકમામાં એક નક્સલ દંપતી સહિત 22 નક્સલવાદીઓએ સુરક્ષાબળો સામે આત્મ સમર્પણ કરી લીધું હતું. આ નક્સલવાદીઓએ આત્મસમર્પણ નીતિથી પ્રભાવિત થઈને સરેન્ડર કર્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. નક્સલવાદીઓએ એસપી કિરણ ચવ્હાણ, સીઆરપીએફ ડિઆઈજી આનંદસિંહ રાજપૂરોહિત સામે આત્મ સમર્પણ કર્યું હતું.
આત્મ સમર્પણ કરનારા નક્સલીઓમાં 9 મહિલા નક્સલીઓ પણ સામેલ છે. આ તમામ નક્સલીઓ માડ ડિવિઝન અને નુઆપાડા ડિવિઝનમાં સક્રિય હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નક્સલીઓએ છત્તીસગઢ નક્સલવાદી આત્મસમર્પણ પુનર્વાસ નીતિથી પ્રભાવિત થઈને આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓને આ નીતિ હેઠળ 50 હજાર રૂપિયા આપવામાં આવશે. તે ઉપરાંત અન્ય સુવિધાઓ પણ પ્રદાન કરાશે.
આ બાબતે એક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુકમા જિલ્લામાં આઠ આઠ લાખ રૂપિયાના ઈનામી નક્સલી મુચાકી જોગા અને તેની પત્ની મુચાકી જોગીએ આત્મ સમર્પણ કર્યું હતું. નક્સલી જોગા નક્સલવાદીઓની પીએલજીએ કંપની નંબર એકમાં ડેપ્યુટી કમાંડર તથા તેની પત્ની સભ્ય છે. આત્મ સમર્પણ કરનારા 22 નક્સલીઓમાં 5 લાખ રૂપિયાના ઈનામી કિકિડ દેવે અને મનોજ ઉર્ફે દૂધી બુધરા સામેલ છે. તે ઉપરાંત માડવી ભીમા, માડવી સોમડી, સંગીતા, માડવી કોસી, વંજામ સન્ની, માડવી મંગલી અને તાતી બંડી પર સરકારે બે બે લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. તેમની સાથે પુનેમ જોગા પર 50 હજાર રૂપિયાનું ઈનામ છે.

