(જી.એન.એસ) તા. 17
અમદાવાદ,
શહેરના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા નજીક શરણમ-5માં જીન્સ બનાવવાના શેડમાં આગની ઘટના સામે આવી છે. શરણ-5માં ચોથા માળે સી-401 નંબરમાં જીન્સ બનાવવાનું કારખાનું આવેલું છે. જેમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ચોથા માળે ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડો થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તુરંત જ ફાયર વિભાગની પાંચ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. નોંધનીય છે કે, હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી.
આગની ઘટનાને 2 કલાક જેટલો સમય વિતી ચૂક્યો હોવા છતાં આગ પર કાબૂ મેળવી શકાયો નથી. અત્યાર સુધીમાં આશરે 15 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. 2 લાખ લીટર જેટલો પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે છતાં પણ ફાયર વિભાગની ટીમ દ્વારા કલાકોની ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જીન્સના કાપડનો મોટા પ્રમાણમાં સ્ટોક હોવાથી આગ ભીષણ બની છે. શરણમ-5માં ધાબા ઉપર ગેરકાયદે શેડ બનાવવામાં આવ્યાનું પણ સામે આવ્યું છે. જેને લઇને તંત્ર સામે સવાલો ઉભા થયા છે.
આ ઘટના મામલે ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાના જણાવ્યા અનુસાર, અમને માહિતી મળતા તુરંત જ આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આગ આસપાસના કોમર્શિયલ વિસ્તારમાં ફેલાતી અટકાવવા માટે તુરંત ફાયરની ટીમ ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. ફાયર કર્મચારીઓએ સમયસર બિલ્ડિંગ ખાલી કરાવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. જોકે, આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
થોડીક જ મિનિટોમાં આગે વિશાળ સ્વરૂપ લઈ લેતા એપાર્ટમેન્ટ તેમજ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. હાલ, ફાયરની ટીમ પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસની ટીમ તેમજ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જેથી કોઈ આપતકાલીન સ્થિતિમાં તુરંત મદદ મળી રહે. નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.


