(જી.એન.એસ) તા. 22
નાગરકુર્નૂલ,
તેલંગાણાના નાગરકુર્નૂલમાં એક મોટી દુર્ઘટના થઈ હતી જેમાં, શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ની ટનલની છતનો એક ભાગ ધરાશાયી થયો હતો, આ અકસ્માતમાં આશરે 6 થી 8 શ્રમિકો ફસાયા હોવાની આશંકા છે. નિર્માણ કંપનીની એક ટીમ મૂલ્યાંકન ની કામગીરી માટે સુરંગની અંદર ગઈ છે અને પુષ્ટિ કરી છે કે, શ્રમિકો અંદર ફસાયા છે. શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રમિકો કામ અર્થે અંદર ગયા હતા, ત્યારે જ સુરંગના 12-13 કિલોમીટર અંદર છત ધરાશાયી થવાની ઘટના બની હતી.
આ અકસ્માતની ઘટના બાદ, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં સંખ્યા જણાવ્યા વિના કેટલાક લોકો ઘાયલ થયા હોવાનો સંકેત આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓને રાહત કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો.
તેમજ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીએ ઘટનાના કારણો વિશે માહિતી માંગી અને અધિકારીઓને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા જણાવ્યું છે. તેમણે અધિકારીઓને ઘાયલોને સારવાર અપાવવા પણ કહ્યું છે.

