Home જનક પુરોહિત હવે ડર લાગે છે આપણા નરેન્દ્રભાઈના આ નારા થી ‘ કરેંગે ઔર...

હવે ડર લાગે છે આપણા નરેન્દ્રભાઈના આ નારા થી ‘ કરેંગે ઔર કરકે રહેંગે ’

534
0

ખાનપુર ભાજપ કાર્યાલયના ખૂણા ઉપર ગરમ ગાંઠિયા – મરચાના નાસ્તા સાથે કાર્યકરો બેઠકમાં જતાં પહેલાં ગુપ્ત એજન્ડા ની વાત કરી રહ્યા હતા . એક કાર્યકરે પૂછ્યું “ આજની બેઠકનો એજન્ડા શું છે ? ” આ પ્રશ્નથી ત્રણ કાર્યકરો મલકાયા અને એક કાર્યકરે જવાબ આપ્યો “ અલ્યા , તને ભાજપમાં કેટલા વરસ થયાં ? જેટલા વરસ થયાં હોય એટલા , પણ બધા જ પાણીમાં ગયા છે એ નક્કી . ભાજપમાં ક્યારેય તને બેઠકનો પરિપત્ર મળ્યો છે ખરો ? હા પ્રદેશ કારોબારી કે શહેર ની ૧૦ દિવસ પહેલાં નક્કી થતી બેઠકો અંગે ક્યારેક પરિપત્ર નીકળે છે . અને તેમાં બે ત્રણ મુદ્દા નો એજન્ડા હોય છે અને છેલ્લો મુદ્દો હોય છે કે પ્રમુખ સ્થાનેથી રજુ થાય તે . બાકી આપણને સવારે ફોન કે મેસેજ આવે છે અને બેઠકમાં અચૂક ઉપસ્થિત રહેવા સુચન આપવામાં આવે છે .”
ફરી કાર્યકરે કાકારીચાળો કરતા કહ્યું “ આ તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ નવું સુત્ર આપ્યું છે ને કે ‘ કરેંગે ઔર કરકે રહેંગે ’ એટલે આપણે શું કરતુ રેહવાનું છે તેની જાણ કરવા કદાચ બેઠક બોલાવી હોય .”
એક બોલકા કાર્યકરે કહ્યું “ સાચું કહું તો હવે આપણા નરેન્દ્રભાઈના આ નવા નારા કરેંગે ઔર કરકે રહેંગે થી ડર લાગે છે . આ નોટબંધી કર્યા પછી હજુ લોકો વચ્ચે જતાં ડર લાગે છે . રાજ્યસભાની ચુંટણીમાં જે કર્યું તેનો જવાબ લોકોને આપી શકતાં નથી . હજુ સાહેબ કહે છે કે કરકે રહેંગે ! આવું કર્યા કરીશું તો સહેબો તો સમજ્યા પણ આપણે કોઈ પણ સુરક્ષા કવચ વિના લોકો વચ્ચે રહેવાનું હોય છે . એટલે ડર લાગે છે .”
અન્ય કાર્યકરે કહ્યું “ અલ્યા , આ વિપક્ષ વાળા , મિડિયા વાળા એવો આક્ષેપ કરે છે કે સાહેબે જે વચનો આપ્યાં હતા તે એક પણ પાળ્યા નથી એટલે કે ‘કરતે હે’ જેવું તો કશું નથી પછી કરકે રહેંગે થી ડરવા જેવું શું છે ? ચિંતા ના કર , ચાલ બેઠકમાં દરવખતની માફક આજ પણ સારી સારી વાતો સાંભળી ને ઘરે જઈએ .” અને કાર્યકરો બેઠકમાં ગયા .
G.S.T માટે રોજ જાહેરાતનો ખર્ચ પણ આપણા જ પૈસે ને !
પ્રગતિનગર ગાર્ડન માં બાકડા પરિષદ માં G.S.T નો મુદ્દો ફરી ચર્ચાયો . ધીરુભાઈ શેઠે મોંઘા થયેલા પેટ્રોલની વાત છેડી . તો સંઘના ભટ્ટજી એ કહ્યું “ હું પરિવાર સાથે હોટેલમાં જમવા ગયો હતો . પાંચસો રૂપિયાના બીલમાં પંચ્યાસી રુપીયાતો G.S.T ના લઇ લીધા .
પંડ્યા સાહેબે કહ્યું “ આ તો એવી વાત ને કે તમે કમાઈ ને હોટેલમાં ખાવા જાવ તો સરકાર તમને દંડ ફટકારે . ઘરે જ ખાવાનું રાખો એવું અરુણ જેટલીનું કહેવું છે .”
ધીરુભાઈ એ ફરી વાત શરુ કરી “ આ G.S.T એ અમને વેપારીઓને તો ગાંડા કરી દીધાં છે . પહેલું ત્રિમાસિક રીટર્ન ફાઈલ કરવાનું છે . રોજ અમારા સી.એ નવી નવી વિગતો માંગે છે . હમજણ જ નથી પડતી કે સરકાર આટલી બધી અને ફાલતું માહિતી મેળવીને શું કરવા માંગે છે !”
દોઢ ડાહ્યાએ કહ્યું “ તમને સમજણ પડે એટલે તો રોજ અખબારોમાં પાના ભરીને સરકાર જાહેરાત આપે છે . સવાલ પણ સરકારના અને જવાબ પણ સરકારના હોય છે .”
પંડ્યા સાહેબે મો બગાડી ને કહ્યું “ જો આ જાહેરાતોનો ખર્ચ ન કરે ને તો દરેકમાંથી પાંચ ટકા ટેક્ષ ઘટાડી શકાય . પરંતુ આ કરોડો રૂપિયાની જાહેરાતો કરવા માટે પણ ટેક્ષ ના દર વધુ રાખી સરકાર આપણા ખિસ્સા હળવા કરી નાખે છે .”
ભીખાભાઈ એ તક જોઇને પ્રહાર કર્યો “ આપણા વડાપ્રધાન ના વિદેશ પ્રવાસો માંટે G.S.T લાવ્યા હોવાનું કહેવાય છે . કોઈને હમજણ પડે જ નહિ અને સરકારની તિજોરી છલકાઈ જાય .”
પંડ્યા સાહેબે કહ્યું “ ભીખાભાઈ તમને નરેન્દ્રભાઈ જ બધે દેખાય છે . ચાલો વાત બદલો નહિ તો ભીખાભાઈ ઘણુબધું ઠાલવી દેશે . અમારે હજુ સરકારમાં ઘણા કામ કરવાના છે .”
અને વાત તહેવારો ની ચર્ચામાં વળી ગઈ .
૨૦ ઓગસ્ટના દિલ્હી માં કોંગ્રેસ અને વસંત વગડે બાપુ રણનીતિ ઘડશે
ભારે કશ્મકશ બાદ કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર એહમદભાઈ પટેલનો વિજય થતાં કોંગ્રેસના કાર્યકરોમાં જોમ અને જુસ્સો આવી ગયા છે . ભરતસિંહ સોલંકી નો ખાસ કોઈ રોલ નહિ હોવા છતાં સતત મલકાતા નજરે પડે છે . કદાચ તેમના મનમાં લડ્ડુ ફૂટતા હશે કે બસ હવે સત્તા મળી સમજો અને મુખ્યમંત્રી પદ પણ બાપુના જવાથી નિશ્ચિત થઇ ગયું છે . જો ભરતસિંહ આવું વિચારતા હોય તો કોંગ્રેસની પડતી નિશ્ચિત છે .
તા. ૨૦ ઓગસ્ટ ના રોજ દિલ્હી ખાતે ગુજરાતના ૪૩ ધારાસભ્યો અને પ્રદેશ ના નેતાઓ રાષ્ટ્રીય પ્રમુખ સોનિયાજી ને મળવા જવાના છે . આ બેઠકને કોંગ્રેસના આગેવાનો બહુ મહત્વની હોવાનું કહે છે . પરંતુ દોઢ ડાહ્યાના અનુભવો કહે છે કે આ બેઠકમાં સોનિયાજી માત્ર આશિર્વાદ આપશે ‘ વિજયી ભવ ’ અને સહુને રવાના કરી દેશે .
કોંગ્રેસ પક્ષ માટે છેલ્લા ૨૫ વર્ષમાં ક્યારેય રણનીતિ જેવું જોવા જ મળ્યું નથી . એટલે કે કોંગ્રેસમાં રણ છે , પણ નીતિ નથી . પરપ્રકાશિત પાર્ટી બની ગઈ છે . પાટીદાર આંદોલને પંચાયતોમાં સફળતા અપાવી . એહમદ પટેલની કુનેહથી તેઓ રાજ્યસભા જીત્યા અને પરોક્ષ રીતે અમિત શાહને પરાજિત કર્યા , જેથી તેને કોંગ્રેસ લહેરમાં ખપાવીને વિધાનસભા જીતવાની વાત ચાલે છે .
ગુજરાતના લોકનેતા શંકરસિંહજી વાઘેલા પાસે રણ નથી , છતાં નીતિ છે . તેમને રાજકારણની ચોપાટ કેમ રમવી તે આવડે છે . ક્યારે ફૂલ ઉપર બેસી જવું , ક્યારે કુકરીને ગાંડી કરવી એ તેઓ બરાબર સમજે છે . તા. ૨૦ ઓગસ્ટ ના બાપુ પણ કોંગ્રેસના રણ મેદાન સામે પોતાની નીતિ નક્કી કરવા આગેવાનો સાથે ચર્ચા કરશે . જોકે તેમાં ચર્ચા હોતી નથી . બાપુએ નક્કી કરી રાખેલા ગેમ પ્લાનને અમલમાં મુકવાની વાત હોય છે .
હવે આગામી તહેવારોમાં થીગડા વાળા ગુજરાતથી ચલાવી લેજો
સામાન્ય રીતે તહેવારોમાં લોકો નવા કપડાં પહેરતા હોય છે . ભાજપ સરકાર તહેવારોમાં આપણા ટેક્સના રૂપિયાથી બિલ્ડીંગો અને બ્રીજ પર રોશની કરે છે . પરંતુ આ ચોમાસામાં સમગ્ર ગુજરાતના માર્ગો માત્ર ધોવાયા જ નથી પણ મોટા ખાડા પડી ગયા છે . ભાજપના સત્તાધીશો એ લોકલાગણી ને ધ્યાનમાં રાખી તપાસની નૌટંકી કરી છે . પણ પાપમાં ભાગીદારો કશું કરી શકે તેમ ન હોવાથી હવે કોન્ટ્રાકટરોના ખર્ચે રોડ રીપેર કરવાનું બીજું નાટક ભજવશે , અને તેમાં કોન્ટ્રાકટરો એક રોડનો કચરો બીજા રોડ ના ખાડા માં પૂરીને થીગડા મારવાનું કામ કરશે . જેથી આગામી નવરાત્રી અને દિવાળીમાં આપણા માર્ગોને નવા કપડાં નહિ પણ થીગડા ઓ મારીને ચલાવવું પડશે .

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યસભાની ચુંટણીએ ભાજપ – કોંગ્રેસ અને બાપુને બ્રહ્મજ્ઞાન કરાવ્યું .
Next articleભાજપનું ગાડું ઘરડાવાળે એવી નોબત આવી લાગે છે