Home ગુજરાત સરકારના અંગ પરનું છેલ્લું કપડું પણ સરી ગયું અને વાલીઓનો ભ્રમ ભાંગી...

સરકારના અંગ પરનું છેલ્લું કપડું પણ સરી ગયું અને વાલીઓનો ભ્રમ ભાંગી ગયો

767
0

(જી.એન.એસ., ધીમંત પુરોહિત)
શાળાઓની ફી નિયમનનાં મામલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં છેલ્લા નિવેદને સરકારના અંગ પરનું છેલ્લું કપડું પણ સરી ગયું છે અને સરકારનું આ દિગંબરરૂપ જોઇને ગુજરાતી વાલીઓનો રહ્યો સહ્યો છેલ્લો ભ્રમ પણ ભાંગી ગયો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર્સિંહે બધી લાજ શરમ છોડીને, પ્રજાના પ્રતિનિધિને બદલે શિક્ષણ માફિયાઓના પ્રતિનિધિ હોય એ રીતે વાલીઓને કહી દીધું છે, કે શાળાઓ જેટલી ફી કહે એટલી ભરી દો.
જો આમ જ વાત હતી તો તમારી કે તમારી સરકારની કે તમારા ફી નિયમન કાયદાનાં તાયાફાની જરૂર શી હતી? શાળાઓ કહે એટલી ફી તો વાલીઓ મજબૂરીથી ભરતા જ આવ્યા છે વરસોથી. ગયા વરસે ચૂંટણી પહેલા તમે મહત્તમ રૂપિયા ૧૫૦૦૦, ૨૦૦૦૦ અને ૨૭૦૦૦ની ફી મર્યાદાનો કાયદો લાવ્યા. પ્રજાના પૈસે જ એની મોટી મોટી જાહેરાતો કરીને જશ ખાટવાનો પ્રયત્ન કર્યો. પછી સલુકાઈથી વાલીઓ અને શાળા સંચાલકોને સામા સામે મૂકી દીધા. એમાં ભરાવા જેવું લાગતા, એમના મળતીયાઓ કેસ કોર્ટમાં લઇ ગયા. ચુંટણી તો પૂરી થઇ ગઈ. બે આંકડામાયે સરકાર તો ફરી ભાજપની જ બની. પાંચ વરસ સુધી હવે કોઈ વાંધો નથી. એટલે સરકારે બેશરમીથી એના જૂના દાવામાંથી પલટી મારી. ૧૫૦૦૦. ૨૦૦૦૦, ૨૭૦૦૦ મહત્તમ કે લઘુત્તમ મર્યાદા નથી, માત્ર કટ ઓફ પોઈન્ટ છે.એનીયે પાછી પ્રજાને જ પૈસે લાખોની જાહેરાતો કરી. આટલું ઓછું હોય એમ હવે કહે છે કે સંચાલકો કહે એટલી ફી ભરી દો.
સામે પક્ષે સંચાલકોએ એમને કેટલી ફી પોસાશે એ દરખાસ્ત સરકારને કરવાની હતી. શહેરની મોટી સ્કૂલોના મોટા ભાગના સંચાલકોએ દરખાસ્ત સુધ્ધા કરી નથી. સરકારની હિંમત નથી કે એમને ખોંખારીને કઈ કહી શકે. વળી ગામડાઓની ઘણી શાળાઓ એવી છે, જેમની ફી ૧૫૦૦૦ કરતાયે ઓછી હતી. એમણે હવે ફી ૧૫૦૦૦ સુધી વધારી દીધી છે.
આ બધાની પાછળ સરકારની મંશા શું હોઈ શકે? એક બાજુ, ફી ઘટાડવાને નામે ચૂંટણીમાં લોકોને મૂરખ બનાવી એમના મત અંકે કરી લેવા અને બીજી બાજુ, ફી નહિ ઘટાડીએની છાની ખાતરીઓ આપી, સંચાલકોને ખંખેરી લેવા. બીજેપીની ચાલ તો સમજાય એવી છે, પણ કોંગ્રેસ કેમ ચૂપ છે? વિધાનસભા ચાલુ છે ત્યાં અને બહાર પણ કોંગ્રેસમાં કેમ કોઈ સળવળાટ નથી.ખેલ ભાગીદારીનો છે કે શું?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆવો છે ભાજપની સરકારનો વહિવટ…!! રૂપાણી સરકાર આપનું “વાગત” કરે છે….
Next articleરાષ્ટ્રપતિના નિર્ણયને પણ હાઈકોર્ટ રદ્દ કરી શકે તો વિધાનસભા અધ્યક્ષનો નિર્ણય સર્વોપરિ કેવીરીતે….?