Home ગુજરાત ગાંધીનગર શૂન્યથી ત્રણ બિલિયન ડોલર હબ સુધીનું ગુજરાતનું ઓટોમોટિવ ઇવોલ્યુશન

શૂન્યથી ત્રણ બિલિયન ડોલર હબ સુધીનું ગુજરાતનું ઓટોમોટિવ ઇવોલ્યુશન

22
0

(G.N.S) Dt. 23

ગાંધીનગર,

ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રનું મૂલ્ય આજે 3 બિલિયન યુએસ ડોલર છે. છેલ્લા બે દાયકામાં આવેલું આ અભૂતપૂર્વ પરિવર્તન રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને નવીનતા પ્રત્યેના સમર્પણનો પુરાવો છે.

આઠ લાખથી વધુ વાહનોની વાર્ષિક નિકાસ સાથે, ગુજરાત ભારતના ઓટોમોટિવ લેન્ડસ્કેપમાં મહત્વપૂર્ણ યોગદાન આપતું રાજ્ય સાબિત થયું છે. ઓટોમોટિવ હબ બનવા તરફ રાજ્યની સફર 2009માં સાણંદમાં ટાટા મોટર્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના સાથે શરૂ થઈ, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રોકાણકારોને આકર્ષે છે.

ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રની ઉત્ક્રાંતિ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) સાથે ગાઢ રીતે જોડાયેલી છે, જે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ સમિટ રાજ્યના સામાજિક-આર્થિક માળખાને પુનઃઆકાર આપવામાં નિમિત્ત બની છે, જે રાજ્યને રોકાણ અને ઈનોવેશન માટે પસંદગીનું સ્થળ બનાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાન્યુઆરી 2024માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ રોકાણ અને ઈનોવેશનના અજોડ હબ તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત કરશે.

ગુજરાતના ઓટોમોબાઈલ ઉદ્યોગની સફળતાની ગાથાઓમાં વર્ષ 2011માં ફોર્ડ મોટર્સ દ્વારા તેમના સાણંદ ખાતેના પ્લાન્ટમાં ₹5,000 કરોડના રોકાણનો સમાવેશ થાય છે, જેના કારણે ગુજરાતમાં 3000 નોકરીઓનું સર્જન થયું, તેમજ વર્ષ 2014માં સુઝુકી મોટર્સના ₹14,784 કરોડના મેગા યુનિટનો સમાવેશ થાય છે, જેણે ગુજરાતમાં 9100 નોકરીઓનું સર્જન કર્યું. વર્ષ 2022માં ટાટા મોટર્સે સાણંદમાં સ્થિત ફોર્ડ મોટર્સનો પ્લાન્ટ હસ્તગત કર્યો. વધુમાં, JETRO સાથે ગુજરાતના સહયોગથી ભારતનો પ્રથમ પ્લગ-એન્ડ-પ્લે પાર્ક એટલે કે જાપાનીઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બન્યો છે. 2017 માં, MG મોટર્સે ₹2000 કરોડના પ્રારંભિક રોકાણ અને વાર્ષિક 80,000 યુનિટ્સની ઉત્પાદન ક્ષમતા સાથે GM ઇન્ડિયાનો હાલોલ પ્લાન્ટ હસ્તગત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતમાં આ MGની એકમાત્ર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે.

ત્રણ બિલિયન ડોલરના રોકાણો સાથે, માંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (MBSIR) એ ઓટોમોબાઇલના ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને અહીંયા મારુતિ સુઝુકી અને હોન્ડા જેવી જાણીતી કંપનીઓ સ્થાપિત થયેલી છે. તે વાર્ષિક 1 મિલિયનથી વધુ વાહનોની સંયુક્ત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ (iACE) એ ગુજરાત સરકાર અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ વચ્ચેના સહયોગની સાક્ષી પૂરે છે. આ નવીન સંયુક્ત સાહસ ઓટોમોટિવ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. ગુજરાતમાં સ્થિત iACE એ ઓટોમોબાઈલ સેક્ટરમાં સંશોધન, વિકાસ અને નવીનીકરણ માટેની અદ્યતન સુવિધા છે. તે અત્યાધુનિક ટેકનોલોજીના હબ તરીકે કામ કરે છે, તેમજ ઓટોમોટિવ એડવાન્સમેન્ટ્સ માટે અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપે છે. હંમેશાં શ્રેષ્ઠ જ આપવાની પ્રતિબદ્ધતા સાથે iACE નો ઉદ્દેશ્ય ઉદ્યોગને આગળ ધપાવવાનો તેમજ નવીનીકરણ, ટકાઉપણું અને કૌશલ્ય વિકાસને આગળ વધારવાનો છે અને તેના દ્વારા વૈશ્વિક મંચ પર ભારતીય ઓટોમોટિવ ક્ષેત્રના વિકાસ અને સ્પર્ધાત્મકતામાં યોગદાન આપવાનો છે.

વધુમાં, 2020-21ના નાણાકીય વર્ષમાં 8 લાખ વાહનોની નિકાસ સાથે ગુજરાત ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનેન્ટ્સનું એક નોંધપાત્ર નિકાસકાર બન્યું છે. ઇલેક્ટ્રિક મોબિલિટી તરફના વૈશ્વિક પરિવર્તનને ધ્યાનમાં રાખીને, ગુજરાત ઇલેક્ટ્રીક વાહન (EV)ના ઉત્પાદનને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે. રાજ્ય સરકારે EV બેટરી પ્લાન્ટ સ્થાપવા માટે ટાટા ગ્રુપ સાથે ₹13,000 કરોડના મહત્વપૂર્ણ એમઓયુ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ સસ્ટેનેબલ મોબિલિટી માટે ભારતની પ્રતિબદ્ધતા સાથે એકીકૃત રીતે સુસંગત થાય છે અને ગુજરાતને EV ઉત્પાદન માટે અગ્રણી હબ તરીકે પ્રસ્થાપિત કરે છે.

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં શૂન્યમાંથી 3 બિલિયન યુએસ ડોલરના ઓટોમોટિવ પાવરહાઉસ બનવા સુધીની ગુજરાતની સફર દૂરંદેશી નેતૃત્વ, ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ અને વ્યૂહાત્મક સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે. જેમ જેમ ગુજરાત 2024માં 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટેની તૈયારી તરફ આગળ વધી રહ્યું છે, એક વાત સ્પષ્ટ છે કે ઓટોમોટિવ સેક્ટરમાં રાજ્યની વૃદ્ધિ અને નવીનતાનો માર્ગ સતત આગળ વધતો રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરના અડાલજ ખાતે સાત જિલ્લાનો પંચાયત વિકાસ સૂચકાંક વર્કશોપ યોજાયો
Next articleઆનંદ, ઉત્સાહ અને ભક્તિભર્યા માહોલમાં કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો વિધિવત પ્રારંભ