Home ગુજરાત ‘વિકાસથી વ્યક્તિ સુધી પહોંચવાની અને વિશ્વ સ્તરે વિકાસ થકી અવ્વલ બનવાની આ...

‘વિકાસથી વ્યક્તિ સુધી પહોંચવાની અને વિશ્વ સ્તરે વિકાસ થકી અવ્વલ બનવાની આ યાત્રા છે.’- આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ

12
0

———-

આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીશ્રી  ઋષિકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માણસા તાલુકાના શોભાષણ ગામના લોકોને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી  મળ્યો  વિવિધ યોજનાઓનો લાભ

————-

જરૂરતમંદો  અને વંચિતોનું યોજનાઓ થકી સન્માન કરતી ગેરેંટીની ગાડી માણસાના શોભાષણ ગામે પહોંચતા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ  પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરાયું

————–

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરદર્શિતા થકી આજે છેવાડાના માનવીને પોતાના ઘર આંગણે દરેક યોજનાઓનો લાભ મળી રહ્યો છે -મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ

————-

(જી.એન.એસ),તા.૧૧

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લના માણસા તાલુકાના શોભાષણ ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.જ્યાં  મંત્રીશ્રીની વીશેષ ઉપસ્થિતિમાં ગામ લોકોએ રથના આગમનના અવસરને  ઉમળકાભેર વધાવ્યો હતો.

આ તકે મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલે પ્રાસંગી ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, દૂરંદેશી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવીની નાની-નાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને વિવિધ યોજનાઓ કાર્યરત કરી લોકોને ઘર આંગણે લાભ આપ્યા છે.એક સમય એવો હતો જ્યારે  યોજનાઓ માત્ર કાગળ પર રહેતી. આવી પરિસ્થિતિને દૂરદર્શીતા સાથે નિવારવા સરકારી યોજનાઓને જન જન સુધી પહોંચાડી ભારતને સુવિકસિત બનાવવા આજે સરકાર કટીબધ્ધ છે . તેમણે વધુમાં ઉમેર્યું હતું કે  વિકાસ થી વ્યક્તિ સુધી પહોંચવાની આ યાત્રા છે. વિશ્વ સ્તરે વિકાસ થકી અવ્વલ બનવાની આ યાત્રા છે. સુવિધા માટે રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ બધું થઈ ગયું હોય પણ, કાચું ઝુંપડું કે લાઈટ વગરનું ઘર હોય, શૌચાલય વગર નું ઘર હોય તો તે વિકાસ નથી .માટે વ્યક્તિને સુવિધા સાથેના ઘરથી લઇ રોજગારી સુધી સરકારી યોજના થકી ગેરંટી આપતી આ યાત્રા છે. આરોગ્યની સાથે સામાન્ય જીવન જરૂરતો એટલે કે અનાજથી લઈ આરોગ્ય સુધી તમામ સરકારી યોજનાઓ થકી મળી રહે તેની ગેરેંટી એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે. આમ જણાવતા તેમણે કૃષિ યોજનાઓની માહિતી આપતા આ અંગે તેમણે ઉમેર્યું હતું કે, વિજ્ઞાન કહે છે આ જ રીતે જો રાસાયણિક ખેતી થતી રહેશે અને રાસાયણિક  દવાઓનો ઉપયોગ થતો રહેશે તો ૨૦૫૦ સુધીમાં જમીન તદ્દન બિન ફળદ્રુપ થઈ જશે. માટે આ પરિસ્થિતિથી બચવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉપાય છે. જેનાથી આવનારી પેઢીનું ભવિષ્ય આપણે સુરક્ષિત કરી શકીએ છીએ. આ તકે તેમણે વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે,  આરોગ્ય, શિક્ષણ ,સ્વચ્છતા, જીવન જરૂરિયાતની ચીજો દરેક ક્ષેત્રે માણસાનો ખુબજ વિકાસ થયો છે. પરંતુ જ્યાં સુધી આ યોજનાઓમાં ગામે ગામના દરેક લોકો જોડાશે નહીં ત્યાં સુધી સો ટકા સફળતા નહીં મળે. એટલે તમામના સહયોગ થકી વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે. જેમાં મુખ્યત્વે કુપોષણ મુક્તિ પર તેમણે વધુ ભાર મૂકી ભવિષ્યના ભારતને સ્વસ્થ બનાવવાની હાંકલ કરી હતી.    

ગાંધીનગર જિલ્લાના વિકાસની વાત કરવામાં આવે તો ૨૦,૦૦૦ કરોડ રૂપિયા માત્ર ગાંધીનગર જિલ્લાના વિકાસ માટે પહોંચ્યા છે તેમ જણાવતા તેમણે કહ્યું હતુ કે કુપોષણના જંગ થી લઈ જીવન જરૂરિયાતની તમામ યોજનાઓમાં આ ખર્ચ થયો છે.

વિકાસયાત્રામાં નોંધાયેલી આ ૧૭ યોજનાઓના વિવિધ લાભો ઉપરાંત અન્ય યોજનાઓ પણ ટુંક સમયમાં આ વિકાસ યાત્રામાં જોડવાની માહિતી પણ મંત્રીશ્રીએ આપી હતી.ઘર આંગણે આવેલ યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ છૂટે નહીં તેવો અનુરોધ પણ આરોગ્ય મંત્રીશ્રીએ ઉપસ્થિતોને કર્યો હતો.

કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને  યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા  વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આરોગ્ય કેમ્પ યોજાયો હતો, જેમાં ટી.બી તથા સીકલ સેલ એનીમિયાના સ્ક્રિનિંગ સાથે ગ્રામજનોના આરોગ્યની નિ:શુલ્ક તપાસ કરવામાં આવી હતી.   આ તકે  ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવનાર લાભાર્થી પટેલ ચીમનભાઈ તથા પી. એમ કિસાન યોજનાના લાભાર્થી ઠાકોર નરેશજીએ લાભાર્થી તરીકેના પોતાના અનુભવો રજૂ કરી અન્યને લાભ લેવા પ્રેરિત કર્યા હતા.ઉપરાંત શોભાષણ ગામના  ખેડૂત ઠાકોર નટવરજીએ પ્રાકૃતિક ખેતી કરી મેળવેલ ફાયદાઓ વર્ણવી અન્ય ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપી હતી.    

મહત્વનું છે કે, આ ગામમાં હર ઘર જલ અંતર્ગત ૧૦૦ ટકા કામગીરી ઉપરાંત સ્વચ્છતા અંગે ઉમદા કામગીરી બદલ  મંત્રીશ્રીના હસ્તે અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.ઉપરાંત સ્થાનિક રમત ગમતની વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા શોભાષણ ખાતે કાર્યક્રમમાં માણસાના ધારાસભ્યશ્રી જે. એસ પટેલ  ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભી ગૌતમ ,  જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ભગવાનભાઈ પ્રજાપતિ તેમજ અગ્રણીશ્રીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા યુવાઓની ભૂમિકા મહત્વની છે ત્યારે યુવાઓના નિર્માણમાં શિક્ષકો શિલ્પકારની ભૂમિકા ભજવી રહ્યા છે:- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
Next articleરાજકોટ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોની સુવિધામાં વધારો