Home ગુજરાત ‘વિકસિત ભારત@૨૦૪૭: યુવાનો અવાજ’ રાજભવન ખાતે વિકસિત ભારત@૨૦૪૭ અંતર્ગત ‘સશક્ત ભારતીય’ અને...

‘વિકસિત ભારત@૨૦૪૭: યુવાનો અવાજ’ રાજભવન ખાતે વિકસિત ભારત@૨૦૪૭ અંતર્ગત ‘સશક્ત ભારતીય’ અને ‘સુશાસન અને સુરક્ષા’ વિષયે વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ અને અધ્યાપકોનો પરિસંવાદ

45
0

……………………….  

વિદ્યાર્થી ક્યારેય સાધારણ નથી હોતા, એકવાર સંકલ્પ કરી લે તો વિકસિત ભારત બનાવીને રહેશે

……………………….  

ભારતની જન સંખ્યા,  ભારતની જનશક્તિ બને તે દિશામાં કામ કરવું પડશે

……………………….  

(જી.એન.એસ),તા.૧૧

રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આયોજિત રાજ્યકક્ષાના વિકસિત ભારત@૨૦૪૭ – વૉઈસ ઑફ યુથ વિષયક વર્કશોપ અંતર્ગત ‘સશક્ત ભારતીય’ અને ‘સુશાસન અને સુરક્ષા’ વિષયે વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ અને અધ્યાપકો વચ્ચે પરિસંવાદ યોજાયો હતો. જેમાં વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ તેમજ શિક્ષણવિદોએ ૨૦૪૭માં ભારતને ‘વિકસિત ભારત’ કેવી રીતે બનાવી શકાય તેના પર ચર્ચા કરી હતી.

આ પરિસંવાદના પ્રથમ ભાગમાં મહિલા સશક્તિકરણ વિષય પર ડો. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. શ્રી અમી ઉપાધ્યાયે પોતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું કે,  દીકરીઓના સશક્તિકરણ અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે બેટી બચાવો બેટી પઢાવો, ઉજ્જવલા યોજના, જનધન યોજના, મુદ્રા યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના જેવી અનેક મહિલાલક્ષી યોજનાઓ વડાપ્રધાનશ્રીએ  અમલી બનાવી છે. જેના પરિણામે આજે ભારતની મહિલાઓ સ્વાભિમાનથી, આત્મવિશ્વાસથી ન માત્ર પોતાના પરિવારનું પણ સમાજ, રાજ્ય અને દેશનું નેતૃત્વ કરી રહી છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના સામાજિક કાર્ય વિભાગના ડીન પ્રોફેસર ભાવના મહેતાએ જણાવ્યું કે, મહિલાઓને માત્ર તેમના હકો જ આપવા પૂરતા નથી પરંતુ તેમને સ્વતંત્રતા આપવી અને આત્મનિર્ભર બનાવવી પણ જરૂરી છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસીત ભારત માટે મહિલાઓને એવું વાતાવરણ પૂરું પાડવાનું છે, જ્યાં મહિલાઓ શારીરિક ક્ષમતા સાથે માન-સન્માન, રક્ષણ, શિક્ષણ તેમજ ઉત્તમ આરોગ્ય સાથે પોતાની શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરી શકે.

સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર મજબૂત બનવા પાછળનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ છે. ભારતે માર્ગ પરિવહન, રેલવે, જલ વ્યવસ્થાપન, શિક્ષણ, આરોગ્ય, ટેકનોલોજી, કૃષિ, સ્પેસ, સ્ટાર્ટ અપ, બેન્કિંગ વગેરે ક્ષેત્રે હરણફાળ ભરી અર્થવ્યવસ્થાને આગવું સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. વિકાસની આ તીવ્ર ગતિ આવનારા વર્ષોમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના કોમર્સ વિભાગના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાયએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના સક્ષમ નેતૃત્વને પરિણામે આજે દેશ તેનો સુવર્ણ કાળ અનુભવી રહ્યો છે. દેશમાં રાજકીય સ્થિરતા અને જી-૨૦ જેવા આંતરાષ્ટ્રીય કાર્યક્રમોની સફળ યજમાનીના પરિણામે વિશ્વના રોકાણકારો માટે ભારત પ્રથમ પસંદગી બન્યું છે. આજે ભારતમાં એફડીઆઇનું રોકાણ એક ક્ષેત્ર પૂરતું સિમિત ન રહેતાં  તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યું છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ  કહ્યું કે, ભારતના ભવિષ્યનો આધાર શિક્ષણ પણ રહેલો છે. ભારતમાં ટેક્નોલોજી ઇન્ટીગ્રેટેડ શિક્ષણને પરિણામે ગુણવત્તાસભર શિક્ષણ છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પરિણામે ભારત શિક્ષણ ક્ષેત્રે ફરીથી વિશ્વગુરુ બનશે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ વિભાગના ડીન પ્રોફેસર ઉમા ઐયરે જણાવ્યું કે, શિક્ષણ પ્રણાલીને કૌશલ્ય કેન્દ્રીત બનાવવાની આવશ્યકતા છે. અભ્યાસક્રમમાં કૌશલ્ય વિકાસના વિષયો હોવા જોઈએ. એકેડમી અને ઈન્ડસ્ટ્રી વચ્ચે રહેલું અંતર દૂર કરવું જોઈએ, જે સ્કીલ ઇન્ડિયા મિશન થકી દૂર થઈ રહ્યું છે.

‘સશક્ત ભારતીય’ વિષય ઉપર થયેલી પરિચર્ચાનું સંચાલન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.  વિજય કુમાર શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતને વિકસિત ભારત બનાવવામાં સૌથી મહત્વનું યોગદાન યુવાનોનું છે. આ યુવાનોને સાચી દિશા અને માર્ગદર્શન આપવાની જવાબદારી એક શિક્ષકની છે. શિક્ષકો એવા યુવા તૈયાર કરે જે ઈનોવેશન, ક્રિએટિવિટી, અને ક્રિટીકલ થીંકિંગ થકી દેશને નવી ઊંચાઈએ લઈ જાય.

આ પરિસંવાદના બીજા ભાગમાં ‘સુશાસન અને સુરક્ષા’ વિષય પર બોલતાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું કે, ભારતના ઇતિહાસમાં વર્ષો બાદ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થી- યુવાઓ કેન્દ્ર સ્થાને આવ્યા છે. ‘વિકસિત ભારત’ સંકલ્પને સાકાર કરવા 15 થી 64 વર્ષના નાગરિકો મહત્વની ભૂમિકા ભજવશે. આ સિવાય ખાનગી સંસ્થાઓ અને સમાજના તમામ વર્ગોના નાગરિકો સરકારની નીતિઓ, પ્રક્રિયા, સેવાઓમાં સહભાગી થશે તો જ સર્વસમાવેશિક સરકાર સાકાર થશે.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડૉ. એસ.ઓ.જુનારેએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સાયબર સુરક્ષા ક્ષેત્રે પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું કે, આજની યુવા પેઢીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  અને સાઈબર સુરક્ષાના કાયદા તેમજ જોખમોથી વાકેફ કરવી પડશે. રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રે દેશની એજન્સીઓ કામ કરે છે પણ આંતરિક સુરક્ષા ક્ષેત્રે આપણે પણ સજાગ રહેવું પડશે. આજે ભારતભરમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો, તબીબો, સૈનિકો, ઉદ્યોગપતિઓ સહિત તમામ નાગરિકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતા થયા છે ત્યારે સારી બાબતોની સાથે જે જોખમો છે તેની સામે લડવા/ઉકેલ માટે નવીન સંશોધન પણ કરવા પડશે.

ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી પી.એન.ગજ્જરે સુશાસન અંગે પોતાનું મંતવ્ય આપતાં જણાવ્યું કે, ‘વિકસિત ભારત@૨૦૪૭’ સંકલ્પમાં પ્રત્યેક વ્યક્તિની ભાગીદારી ખૂબ જરૂરી છે. આ માટે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌ પ્રાધ્યાપકો-શિક્ષકોએ સૌ યુવા વિધાર્થીઓને વિકસિત ભારત મિશન અંગે માહિતગાર કરી તેના માટે માર્ગદર્શન પૂરું પાડવા ઉપરાંત તેમના વિચારો અને સહભાગિતા મેળવવી જરૂરી છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સુશાસન અને સર્વ સમાવેશકતા ખૂબ અગત્યનું પરિબળ છે, જે આજે ભારત દેશમાં દરેક ક્ષેત્રોમાં જોઈ શકાય છે. ગુડ ગવર્નન્સ ઈન્ડેક્ષમાં સમાવિષ્ટ ૧૦ વિવિધ ક્ષેત્રો પૈકી પાંચ ક્ષેત્રોમાં ગુજરાત રાજ્ય ટોચના સ્થાને છે જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. એટલું જ નહિ, ભારત દેશ વર્તમાન સમયમાં જ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઇકોનોમી ક્ષેત્રોમાં વિકસિત દેશના સ્ટેજ પર પહોંચી ગયો છે. ‘સૌના સાથ અને સૌના પ્રયાસ’ થકી વિકસિત ભારત સંકલ્પની સિદ્ધિ દૂર નથી.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ડીન શ્રી તૃપ્તિ અલ્મૌલાએ કહ્યું કે, ‘વિકસિત ભારત સંકલ્પ’ને સાકાર કરવામાં સૌની ભાગીદારી મહત્વપૂર્ણ સાબિત થશે, જેમાં યુવાનોનો ફાળો સવિશેષ રહેશે. એટલે જ ‘શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા’ ઉકિતમાં થોડો ઉમેરો કરી તેમણે કહ્યું કે, ‘વિદ્યાર્થી ક્યારેય સાધારણ નથી હોતા, એકવાર સંકલ્પ કરી લે તો વિકસિત ભારત બનાવીને રહેશે.’ દેશમાં ‘મીનીમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ સિદ્ધાંતને પરિણામે પારદર્શિતા સાથે સુશાસન થઈ રહ્યું છે. સરકારના વિશેષ પ્રયત્નો તેમજ નાગરિકોની સવિશેષ સહભાગીદારી થકી વિકસિત ભારત મિશન હાંસલ કરવામાં વધુ સરળતા રહેશે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ દેશમાં જે રીતે વિઝન અને મિશનથી દૂરંદેશીતા સાથે મક્કમ પગલા લેવાઈ રહ્યા છે તે જોતાં એવું ચોક્કસપણે કહી શકીએ કે ‘વિકસિત ભારત@૨૦૪૭’ની દિશામાં આપણે સાચી રાહ પર જઈ રહ્યા છીએ.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સાયબર સુરક્ષા વિભાગના પ્રોફેસર શ્રી દીપક ઉપાધ્યાયે પેનલ ચર્ચામાં સહભાગી થઈ ઉમેર્યું કે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજથી જ પ્રત્યેક પળ ખૂબ જ કિંમતી છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દેશમાંથી એક પણ રૂપિયો બહાર ન જાય તેનો સંકલ્પ લેવો અતિ આવશ્યક છે. સરકાર કે નાગરિક કોઈનો પણ રૂપિયો બહાર ન જાય તેના માટે આત્મનિર્ભર ભારત સંકલ્પ ઉપરાંત સાયબર ફ્રોડ થકી જતા રૂપિયા બચાવવા જરૂરી છે. તેના માટે આપણે સ્વયં સુરક્ષિત રહેવું જરૂરી છે. પ્રત્યેક નાગરિક તેના માટે સાયબર અવેરનેસ કેળવે તે એટલું જ જરૂરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીલાંબરી દવેએ પરિચર્ચામાં ભાગ લેતાં કહ્યું કે, ભારતીય બંધારણના પ્રારંભમાં જ ‘અમે ભારતના લોકો’ વાક્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમામના સહયોગથી જ ‘વિકસિત ભારત’ની સંકલ્પના સાકાર કરી શકાશે. ભારતની જન સંખ્યા કેવી રીતે ભારતની શક્તિ બને તે દિશામાં કામ કરવું પડશે. મહિલાઓને પણ ભારતના વિકાસમાં જોડવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૩૩ ટકા અનામત આપવામાં આવી છે. વડાપ્રધાન શ્રી મોદીજીના માર્ગદર્શનમાં ભારતે ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ મોટી હરણફાળ ભરી છે. જન ધન ખાતા, આધાર કાર્ડ અને મોબાઈલ ફોનના માધ્યમથી આજે સરકારી લાભો, વિવિધ સબસિડી સીધી જ લાભાર્થીઓને ખાતામાં DBTના માધ્યમથી જમા કરાવવામાં આવે છે.UPIના માધ્યમથી આજે ભારતના કરોડો નાગરિકો ભીમ પે, ગૂગલ પે જેવા માધ્યમથી નાણાકીય વ્યવહારો કરી રહ્યા છે. ભારતની રૂપે UPI વ્યવસ્થા આજે વિશ્વના દેશો પણ અપનાવતા થયા છે તે આપણા માટે ગૌરવની વાત છે.

આ પેનલ ડિસ્કશનના અધ્યક્ષ તરીકે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉ. રાજુલ ગજ્જરે સકારાત્મક દ્રષ્ટિકોણ, સશક્ત નેતૃત્વ, સુશાસન અને સુરક્ષાથી ભારતનો વિકાસ સંભવ છે એમ કહ્યું હતું. આ પરિચર્ચામાં રાજ્યની વિવિધ કોલેજો, યુનિવર્સિટીઓના અધ્યાપકો સહભાગી થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે  સિંગાપોર રિપબ્લિકના ભારતસ્થિત હાઈકમિશ્નર શ્રીયુત સિમોન વોંગ
Next articleઅફઘાનિસ્તાનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા