Home ગુજરાત રાયગઢના અગ્નિહોત્ર આશ્રમમાં છેલ્લા 90 વર્ષથી નિરંતર અગ્નિહોત્ર ઉપાસના ચાલે છે જેના...

રાયગઢના અગ્નિહોત્ર આશ્રમમાં છેલ્લા 90 વર્ષથી નિરંતર અગ્નિહોત્ર ઉપાસના ચાલે છે જેના 91 મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે યજ્ઞ યોજાયો

17
0

(જી. એન.એસ) તા. 21

હિંમતનગર,

અગ્નિહોત્ર ઉપાસના એ સંયમની સાધના છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

હિંમતનગરના રાયગઢ ખાતે અગ્નિષ્ટોમ મહાસોમયાગમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ ખાતે યોજાયેલા અગ્નિષ્ટોમ મહાસોમયાગના ત્રીજા દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા. અગ્નિહોત્ર આશ્રમ ખાતે 90 વર્ષથી નિત્ય નિરંતર ચાલતા અગ્નિષ્ટોમના 91 મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, રાયગઢ ખાતે  દાદા શ્રી ચુનીલાલજી અગ્નિહોત્રી દ્વારા પ્રારંભાયેલ અગ્નિષ્ટોમની પરંપરા ને શ્રી ઋષિરાજ અગ્નિહોત્રી, શ્રી યોગેન્દ્ર અગ્નિહોત્રી અને પુત્ર અગ્નેય અગ્નિહોત્રીએ એક મહાયજ્ઞને જીવંત રાખ્યો છે. આ યજ્ઞ આ યુગમાં અશ્વમેધ યજ્ઞ સમાન પવિત્ર છે.

અગ્નિહોત્રની ઉપાસના સંયમ અને સાધનાની છે તેઓ પોતે નિત્ય અગ્નિસ્તોત્રનો પાઠ કરે છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતીય સંસ્કૃતિની પરંપરા યાદ કરતાં જણાવ્યું કે, ઋષિ યાજ્ઞવલ્કે સભા બોલાવી પ્રશ્ન કર્યો હતો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ કયું છે? જેના જવાબમાં ઋષિઓએ જણાવ્યું હતું કે, દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ જો કોઈ હોય તો યજ્ઞ કર્મ છે. વૈદિક સંસ્કૃતિમાં યજ્ઞના ત્રણ સિદ્ધાંત બતાવવામાં આવ્યા છે જેમાં દેવપૂજા, સંગીકરણ એટલે કે સંગઠન અને દાન.

આપણા ઋષિઓ દ્વારા કરોડો વર્ષો પહેલાં એક પૂજા પદ્ધતિને પ્રતિપાદિત કરવામાં આવી હતી. જે યજ્ઞ પદ્ધતિ હતી. બાકીની પદ્ધતિઓ મહાભારત કાળ બાદની છે. રામાયણ કાળમાં યજ્ઞોને બચાવવા માટે વિશ્વામિત્ર ઋષિએ રાજા દશરથ પાસેથી ભગવાન રામ અને લક્ષ્મણને પોતાની મદદ માટે માગ્યા હતા.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, પ્રાચીન સંસ્કૃતિમાં અનેક મત મતાંતર હોવા છતાં બે વિચારધારાઓને માન્યતા આપવામાં આવી હતી,  આર્ય અને દ્રશ્યુ. આપણે મનુષ્યજીવન ધારણ કર્યું છે ત્યારે અગ્નિસ્તોત્રમાં આધ્યાત્મિક અને ભૌતિક જીવન વિશે જણાવવામાં આવ્યું છે. અગ્નિ પ્રતિક છે, જે લોકો દરરોજ અગ્નિ સ્તોત્રનો પાઠ કરે છે તેમને આધ્યાત્મિક શક્તિ મળે છે.

તેમણે જણાવ્યું કે, તેઓ ૧૨ ઓગસ્ટ, ૨૦૧૫માં હિમાચલ પ્રદેશના ગવર્નર બન્યા ત્યારે  રાજભવન પહોંચ્યા ત્યાં અંગ્રેજોના સમયનો રાજભવન હોવાથી પાર્ટી માટેનું સ્થળ હતું. જ્યાં અગાઉ અંગ્રેજો માંસ-મદીરાનું સેવન કરતા હતા. આ સ્થળને તેમણે તોડાવી નાખી યજ્ઞશાળા બનાવી છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું કે, તેમણે ગુજરાતમાં આવીને શપથ ગ્રહણ કરતાં પહેલાં અગ્નિસ્તોત્રનું પઠન કર્યું હતું. દેવપૂજાના બે પ્રકાર છે જળ દેવતા અને ચેતન દેવતા. દેવતા એટલે આપનાર સૂર્ય, વાયુ, અગ્નિ, જળ, ચંદ્ર અને પૃથ્વી. આ દેવતાઓની નિત્ય પૂજા કરવાથી તેઓ આપણને શક્તિ આપે છે. પૂજાનો અર્થ આરતી નહીં સન્માન કરવું થાય છે. પરમાત્માએ બનાવેલા આ સંસારમાં જડ તત્વ ના હોય તો જીવન શક્ય નથી. આ જડ તત્વ આપણાથી નારાજ થયું છે. જેના કારણે આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પેદા થઈ છે. ઓઝોન વાયુનું પડ ખતમ થયું છે . બરફના ગ્લેસીયરો પીગળવા માંડ્યા છે અને સમુદ્રના પાણીનું લેવલ ઊંચું આવી રહ્યું છે. જેથી આવનારા સમયમાં સમુદ્ર કિનારાના દેશો પાણીમાં ડૂબી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. કૃષ્ણની દ્વારિકા પાણીમાં ડૂબી ગઈ તેમ આવનાર સમયમાં અનેક દેશો પાણીમાં ઘરકાવ થશે. વાયુ પ્રદુષણના કારણે અનેક રોગો  ફેલાઈ રહ્યા છે. આ તમામ સમસ્યાઓનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતીમાં છે. હરિત ક્રાંતિ પહેલા કોઈ બીમારીઓ ન હતી. આપણે જ આપણી ધરતી માતાને દૂષિત કરી છે. જેથી આપણું જીવન દુઃખી થઈ રહ્યું છે.

તેમણે પોતાના કુરુક્ષેત્રમાં આવેલા ગુરુકુળમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી જમીનને ઉપજાઉ બનાવી છે, પાણીના સ્ત્રોત વધ્યા છે તે વિશે જણાવ્યું હતું. વધુમાં એક રિસર્ચ બાબતે તેમણે જણાવ્યું કે, ભારત દેશમાં ઘઉં, ચોખા, શાકભાજીમાંથી ૪૫ ટકાથી વધુ પોષક તત્વો ખતમ થઈ રહ્યા હોવાનું તારણ સામે આવ્યું છે. હાઇબ્રીડ બિયારણ અને રાસાયણિક ખેતીના કારણે પોષણની કમી આવી રહી છે. મેદસ્વિતા હોવા છતાં પણ કુપોષણની સમસ્યા વિકટ બની રહી છે.

ચેતન દેવતા એટલે માતા-પિતા, વડીલ, ગુરુજન; જેમણે આપણને જીવન આપ્યું છે, તેમનું સન્માન કરવું, તેમને સંતુષ્ટ કરવા ખૂબ જરૂરી છે. ઋષિઓના આશ્રમો જંગલોમાં હતા, જેનાથી આહાર, વાયુ, જળ શુદ્ધ મળવાથી સાત્વિક જીવન મળતું હતું. આ યુગમાં સંગઠનની શક્તિ શ્રેષ્ઠ શક્તિ હોવાનું જણાવી સંગતિકર્ણ એટલે સહયોગથી સંપન્ન થવું તે ઉપદેશ યજ્ઞ આપે છે.

અગ્નિ દેવતાને અર્પણ કરેલ અનેકગણું થઈ આપણી પાસે પાછું આવે છે, જેનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે, જો કોઈ એક વ્યક્તિ મરચું ખાય તો તે એક જ વ્યક્તિને તીખું લાગે છે પરંતુ એ જ મરચુ અગ્નિને આપવામાં આવે તો તેની આસપાસ રહેલા હજારો લોકોને અસર કરે છે. આમ પરમાણુ વિજ્ઞાન પ્રમાણે અગ્નિને આપેલું અનેક ઘણું થઈ આપણી પાસે આવે છે. અગ્નિષ્ટોમની વિશેષતા છે કે, તે પદાર્થને નષ્ટ નથી કરતું હવામાં મળી સૂર્ય, ચંદ્ર, વાયુ, જળ વગેરેને શુદ્ધ કરે છે, સંવર્ધનનું કામ કરે છે.

યજ્ઞનો ત્રીજો સિદ્ધાંત એટલે કે દાન. જે અભાવમાં છે તેમને તમારી પાસે છે તે અર્પણ કરવું. આ યજ્ઞ કર્મ મનુષ્યને મોક્ષ તરફ લઈ જાય છે. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે અગ્નિસ્તોત્રની વિશેષતા અંગે ઉપસ્થિતોને વિગતવાર માહિતગાર કર્યા હતા. તેમજ આ પ્રસંગે અગ્નિહોત્રી પરિવારને અગ્નિષ્ટોમ મહાસોમયાગના પાવન પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે હાલોલ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના પ્રોફેસર ડો. કાળુભાઈ ડાંગરે પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર જાણકારી આપી હતી. આ પ્રસંગે યજ્ઞના યજમાન શ્રી યોગેન્દ્ર અગ્નિહોત્રી દ્વારા યજ્ઞ પરંપરાના મહત્વ અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ પ્રસંગે કલેકટર શ્રી નૈમેષ  દવે, ડીડીઓ શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ, ડો. પાર્થિવ મહેતા પલ્મોનોલોજિસ્ટ, ડો. ભરત દવે સ્પાઇન સ્પેશિયાલિસ્ટ, ડો. ભાસ્કર ભટ્ટ, હોમિયોપેથિક રિસર્ચ, ડો. વાસુદેવ પાઠક તેમજ અગ્નિહોત્રી પરિવારના સભ્યો, યજ્ઞમાં સંમિલિત ઉપાસકો  તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટોક્યોની દક્ષિણે પેસિફિક મહાસાગરમાં જાપાની નૌકાદળના બે હેલિકોપ્ટર ક્રેશ
Next articleકેસરિયા યૂથ ફેડરેશન દ્વારા મણિનગરના ઇસનપુર માં નિ:શુલ્ક છાસ વિતરણ સેવાકીય કેમ્પ નો યોજવામાં આવ્યો