Home ગુજરાત રાજ્યમાં મેઘો વિફર્યો, ઠેર ઠેર તારાજી, જનજીવન ખોરવાયું

રાજ્યમાં મેઘો વિફર્યો, ઠેર ઠેર તારાજી, જનજીવન ખોરવાયું

641
0

રાજકોટ-અમદાવાદ સહિત 10 સ્ટેટ હાઈવે બંધ, મોરબી,રાજકોટ અને સુરેન્દ્રનગરમાંથી હજારો લોકોને સ્થળાંતરિત કરાયા
એનડીઆરએફ દ્વારા 214ને રેસ્ક્યુ કરાયાં, સૌરાષ્ટ્રના 30 ડેમ છલકાયા, આજી ઓવરફ્લો, અમદાવાદના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, મુખ્યમંત્રી રૂપાણીએ કંટ્રોલ રૂમમાં જઈ સ્થિતિની સમીક્ષા કરી

ગાંધીનગર
ગુજરાતમાં અનારાધાર વરસાદની બેટિંગ ચાલુ રહી છે. શનિવારે વહેલી સવારથી અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ શરૂ થયો છે. જેને પગલે રોડ, રસ્તા, જમીન પર ભારે પાણી ભરાયા છે. જેને પગલે ગુજરાતના 10 સ્ટેટ હાઈવે બંધ કરાયા છે. અમદાવાદમાં ઠેકઠેકાણે પાણી ભરાયા છે. અમદાવાદનો સમગ્ર પૂર્વ અને પશ્રિમ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. અમરેલી બાજુ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં રેલવે વ્યવહાર ખોરવાયો છે.
અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે અમદાવાદ રાજકોટ હાઈવે પર પાણી ભરાયા છે, જેને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. બગોદરા વિસ્તારમાં સતત અને ભારે વરસાદ ચાલુ છે, તેમજ ગઈકાલ રાતે પડેલા વરસાદથી જળ-સ્થળના ભેદ ભુલાયા હોય તેવા દશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટમાં ગઈકાલથી વરસાદ થયો છે. રાજકોટ જિલ્લામાં વહીવટ તંત્રએ 700 લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર કરાવ્યું છે. પાટણના સાંતલપુરમાં 4 ઈંચ અને રાધનપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે.
અમદાવાદ શહેરમાં આ સીઝનમાં બીજી વખત આ રીતે વરસાદે તોફાની બેટિંગ કરી છે. ચાલુ સપ્તાહના ગુરુવારે અને આજે શનિવારે ભારે વરસાદથી અમદાવાદ શહેર જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેમ ટ્રાફિક જામ જોવાયો હતો. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન અને શહેરના ટ્રાફિક વિભાગની કામગીરી નિષ્ફળ રહી છે. જે વિસ્તારોમાં કદી પાણી નથી ભરાયા તે વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી કોર્પોરેશન દ્વારા પ્રિ મોનસુનની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્ટેટ કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી, અને વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ચોટીલામાં 10 ઈંચ વરસાદ થયો છે. ગીરસોમનાથ, રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. વડોદરામાં પણ વરસાદ થયો છે. આગામી 48 કલાક હજી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના તમામ તંત્ર એલર્ટ છે. NDRFની ટીમો કાર્યરત છે. રાજ્યમાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. અને 214 લોકોને રેસ્કૂય કરીને બચાવ્યા છે. હેલીકોપ્ટર દ્વારા મોરબી પર જે લોકો છત પર છે, તેમને લીફ્ટ કરાઈ રહ્યા છે. તમામ અધિકારીઓ સંતર્ક છે. બચાવકાર્ય પુરજોશમાં છે. મોરબીની હોનારત પછી પહેલી વાર આવો વરસાદ આવ્યો છે. મચ્છુ ડેમના દરવાજા ખોલીને પાણી છોડાયા છે. તમામ સ્થિતી અંડરકન્ટ્રોલ છે. સુરેન્દ્રનગર, રાજકોટ, સોમનાથ સહિત 10 હાઈવે બંધ કરાયા છે. તમામ રસ્તા કાર્યરત થાય તે દિશામાં પગલા લેવાઈ રહ્યા છે. વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યમાં સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરી હતી. અને હવામાન વિભાગના ડાયરેક્ટર ગાંધીનગર પહોંચી ગયા છે.
મોરબી મચ્છુ 2 ડેમ માંથી છોડાઈ રહેલા પાણીના કારણે મચ્છુ નદીમાં ઘોડાપુર આવ્યું છે. લાંબા સમય બાદ મચ્છુ નદીમાં આટલું પાણી વહી રહ્યું છે. ત્યારે મોરબી માળીયા બાયપાસ રોડ ઉપર આરટીઓ પાસે આવેલો મચ્છુ નદીનો પુલ સલામતીના ભાગ રૂપે વાહનોની અવર જવર માટે હાલ બંધ કરવાના કલેકટરએ આદેશ આપ્યા છે. જેના કારણે મોરબી અને કચ્છ વચ્ચેનો વાહન વ્યવહાર હાલ ખોરવાઈ ગયો છે. જોકે પાણીનું સ્તર ધીરે ધીરે ઘટી રહ્યું છે. અને નદીમાં પાણી ઘટતાં ફરીથી પુલ શરૂ કરવામાં આવશે. આ સાથે તંત્રએ લોકોને ખોટી અફવા પર ધ્યાન ન આપવા અને કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરી છે.
કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર હવાનું હળવુ દબાણ છે, દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી મોન્સુન ટર્ફ છવાયેલું છે અને મધ્યપ્રદેશની સિસ્ટમ્સ દક્ષિણ તરફ ગતિ કરી રહી છે, જેના પગલે આજથી ત્રણ દિવસ ગુજરાતમાં સૌરાષ્ટ્ર, અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહીના પગલે તંત્ર દ્વારા રેડએલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. રેડ એલર્ટના પગલે લોકોને સાવચેતી રાખવા સુચનાઓ આપવામાં આવી છે.
અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેસરની સાથે ડીપ સર્ક્યુલેશન લો પ્રેસરને પગલે ગુજરાતમાં વિશેષ કરીને સૌરાષ્ટ્ર – કચ્છ પર વધુ એકથી ત્રણ સિસ્ટમ એકસાથે એક્ટિવ થતાં રવિવાર સુધી વધુ એક વાર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના કહેવા મુજબ આવતા 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટા ભાગમાં વેલસેટ મોન્સુન હોવાને લીધે તોફાની પવન સાથે અતિભારે વરસાદ પડે તેવી શકયતા છે.
આ આગાહીને લઈને વધુ એક વખત માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરી દેવામાં આવી છે. તો ગુજરાતના એક પણ દરીયાકાંઠે પ્રવાસીઓને જવાની પણ મનાઈ કરવામાં આવી છે. ગુજરાતના હવામાન વિભાગની આ આગાહી સાથે ગુજરાત સરકારે તમામ અધિકારીઓની રજાઓ કેન્સલ કરી નાખી છે તો સાથોસાથ શકય હોય ત્યાં સુધી હાઈવેનો પ્રવાસ ન કરવાની પણ લોકોને વિનંતી કરી છે.
————–
રાજ્યમાં અનાધાર વરસાદની સાથે સાથે…..
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેને જોડતા શેત્રુંજી પુલ પર ગાબડુ પડયું
મચ્છુ ડેમ 1 ડેમ 5 ફૂટ ઓવરફ્લો
મચ્છુ ડેમ-2 ના 28 દરવાજા ખોલવામાં આવ્યા
કાળી-2 ડેમ ઓવરફ્લો
સુરેન્દ્રનગરના લીંબડી પાસે ઉગલ ગામનો બ્રિજ તૂટ્યો, ઉગલ ગામ આસપાસના છ ગામો સંપર્ક વિહોણા
અમરેલીમાં રેલવે વ્યવહાર ખોરવાયો
અમદાવાદ-પોરબંદર હાઈવે, સાવરકુંડલા-ભાવનગર હાઈવે બંધ કરાયો
ચોટીલા અને થાન પંથકમાં ભારે વરસાદ
મચ્છુ ડેમ-3ના 28 દરવાજા ખોલાયા
મચ્છુ ડેમમાંથી પાણી છોડાતં અમદાવાદ મંડળની માળિયા રેલવે કોલોનીમાં ભારે માત્રામાં પાણી ઘુસી ગયા છે. તંત્ર દ્વારા પગલા નહી ભરાય તો જાનમાનને નુકશાન થવાની વકી છે.
માળીયા મીંયાણાના હરિપર પાસે રેલવે ટ્રેક ધોવાઈ ગયાં, ટ્રેન વ્યવહાર ખોરવાયો
મોરબી નજીક આરટીઓ પાસેનો બાયપાસ પરનો પુલ વાહનોની અવરજવર માટે બંધ કરાયો

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેઘરાજાએ અમદાવાદને ઘમરોળ્યું, સમગ્ર શહેરને પાણીમાં તરબોળ
Next articleબનાસકાઠા જીલ્લો હંમેશા સહુકોઈની લાગણી ઢંઢોળી જાય છે