Home ગુજરાત મોદીના “ચોકીદાર” રૂપાણીના રાજમાં પ્રજાની તીજોરી લુંટાય તે ખરેખર શરમજનક બાબત છે

મોદીના “ચોકીદાર” રૂપાણીના રાજમાં પ્રજાની તીજોરી લુંટાય તે ખરેખર શરમજનક બાબત છે

541
0

(જી.એન.એસ., પ્રશાંત દયાળ) તા.10
આદરણીય વિજય રૂપાણી તમારી હાલત એક સાંધો ત્યાં બાર તુટે તેવી છે. રોજ સવાર પડે અખબારમાં તમારી સરકારમાં થયેલા કૌંભાડના સમાચાર હોય છે. આ સમગ્ર ઘટના માટે મુખ્યમંત્રી તરીકે તમે દોષીત છો તેવુ કહી શકાય નહીં. આમ છતાં જેની વ્યાપક ચર્ચા અને ફરિયાદ થઈ તેવુ મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ અને હવે ખાતર કૌભાંડ બહાર આવ્યુ છે. આ સિવાયના તલવાડી કૌભાંડ, જીએસટી કૌભાંડની તો આપણે અહિયા ચર્ચા કરતા નથી, જે કંઈ રાજયમાં થઈ રહ્યુ છે તે અંગે તમે જ જવાબદાર છો તેવુ નથી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હું ચોકીદાર છુ તેવુ કહે અને તેના પગલે ભાજપના તમામ નેતાઓ પોતે ચોકીદાર હોવાનો દાવો કરે ત્યારે તમારી વિશેષ જવાબદારી થઈ જાય છે. તમારા જેવા ચોકીદાર હોય છતાં રાજ્યની પ્રજાની તીજોરી લુંટવા ચોરો કોઈ કસર છોડે નહીં તે ખરેખર શરમજનક બાબત છે.
અમારે ભાજપ અને કોંગ્રેસ સાથે કોઈ નીસ્બત નથી. અમે તો પ્રજા છીએ અને તમે રાજયના શાસક છો અમે તમારા ભરોસે છીએ, રાજયનો દરેક નાગરિક શાંતિથી જીવે, રોજી કમાય અને તેને કોઈ પરેશાન કરે નહીં તે નજર રાખવાનું તમારૂ કામ છે અને પ્રજાની તમારી પાસે આટલી જ અપેક્ષા છે. તમે પોતે પણ જાણો છો રાજયની નવાણુ ટકા પ્રજાએ કયારેય ગુજરાત વિધાનસભા અને સચિવાયલ જોયુ નથી કારણ તેમની પાસે સચિવાલયમાં કામ માટે આવવુ પડે તેવા કોઈ કામ હોતા નથી. એક સામાન્ય માણસ પોતાના ગામમાં કે પોતાના શહેરમાં સારી રીતે જીવે અને તેના પ્રશ્નનો સ્થાનિક કક્ષાએ નિકાલ થઈ જાય એટલી જ અપેક્ષા હોય છે પણ વિજયભાઈ તેવુ થઈ રહ્યુ નથી. તમારી પ્રજા ચારે તરફથી ઘેરાઈ ગઈ છે, તંત્ર તેમનું સાંભળતુ નથી અને પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે.
એક તરફ બે ટંકનો રોટલો રળવો કપરો થઈ રહ્યો છે બીજી તરફ સાંજ માટે બચાવી રાખેલો રોટલો પણ ચોરો ચોરી જાય છે. તમે પ્રામાણિક હોવ એટલું પુરતુ નથી પણ ચોરોને પણ તમારો ડર લાગે એટલુ જ જરૂરી છે, પણ જે રીતે એક પછી એક ઘટનાઓ બહાર આવી રહી છે તે જોતા ચોરો બીન્દાસ બની ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. ચોર કયાં પક્ષનો છે તે મહત્વનું નથી પણ હેલ્મટ નહીં પહેરનાર સામાન્ય માણસને પોલીસનો જેટલો ડર લાગે છે તેવો જ ડર ચોરોને પણ લાગવો જોઈએ પણ કમનસીબી છે કે એકસોની ચોરી કરનાર દંડાઈ રહ્યો છે અને કરોડોની ચોરી કરનારનો વાળ વાંકો થતો નથી. રોજ અખબાર વાંચી તમારી ચ્હા ખરાબ થતી હશે પણ હવે તમારી અને અમારી સવાર પણ સારી થાય તેવી વ્યવસ્થા ગોઠવો, તમને પણ ખબર કોઈ શાસક કાયમી હોતો નથી, પણ ઈતિહાસ સારા શાસકોનું નામ અને કામ ભુસવા દેતો નથી અને નક્કામા શાસકને વર્તમાન પણ યાદ કરતો નથી.
વિજયભાઈ તમારે નક્કી કરવાનું છે તમારે કયાં શાસકની યાદીમાં તમારૂ નામ મુકવાનું છે. સમય તમને કહે કે મોડુ થઈ ગયુ તે પહેલા તમે રાજય દ્વારા તમને સોંપવામાં આવેલી સુકાન ઉપર તમારી પક્કડ મજબુત કરો કારણ શાસન તો તોફાની ઘોડા જેવુ હોય છે તેનું ઉપર કાબુ મેળવી શકે તેવા અશ્વારને તે સવારી કરવાનો અધિકાર આપે છે. તમે જ નક્કી કરો હવે તમારા રાજયનો એક પણ કર્મચારી ભષ્ટાચાર કરે નહીં તેવી વ્યવસ્થા તમે ઉભી કરશો, અમે શાંતિથી સુઈ શકીએ અને તમે રાત દિવસ જાગતા રહો તો એક નવી સવાર ગુજરાતમાં ઉગશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article6 નવી કોલેજો સાથે રાજસ્થાનનું ઉદયપુર બન્યું નવું મેડિકલ એજ્યુકેશનનું હબ
Next articleમોદીજી ‘ડિવાઇડર ઇન ચીફ’….!?, આ ન ચાલે ‘ટાઇમે’ માફી માંગવી જ પડશે..!?