Home ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોમાં વસતા લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોમાં વસતા લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરતા વિવિધ વિકાસ કામો માટે ૧૦૩૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા

20
0

તમામ ૧૫૭ નગરપાલિકાઓમાં રસ્તાની સુવિધામાં વધારો કરતા કામો માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્‍વયે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા

 •            “અ” વર્ગની ૨૨ નગરપાલિકા પ્રત્યેકને રૂ. ૧ કરોડ

•             “બ” વર્ગની ૩૦ નગરપાલિકા પ્રત્યેકને રૂ. ૮૦ લાખ

•             “ક” વર્ગની ૬૦ નગરપાલિકા પ્રત્યેકને રૂ. ૬૦ લાખ

•             “ડ” વર્ગની ૪૫ નગરપાલિકા પ્રત્યેકને રૂ. ૪૦ લાખ

સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અન્‍વયે કુલ ૧,૪૧૬ કરોડ રૂપિયાના કામોને મુખ્યમંત્રીશ્રીની મંજૂરી

 ૪ મહાનગરપાલિકાઓ:-

•             ગાંધીનગર મહાનગરપાલિકા – રૂ.૧૦૧ કરોડ

•             અમદાવાદ મહાનગરપાલિકા – રૂ.૧૮૦.૬૪ કરોડ

•             જામનગર મહાનગરપાલિકા – રૂ.૧૭૭.૯૭ કરોડ

•             સુરત મહાનગરપાલિકા – રૂ. ૧૨ કરોડ

૩ શહેરી વિકાસ સત્તામંડળો:-

•             ઔડા – રૂ. ૪૫૧.૨૬ કરોડ

•             રૂડા – રૂ. ૧૧.૬૧ કરોડ

•             સુડા – રૂ. ૨૦.૪૩ કરોડ

૯ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ના કામો માટે ૨૮૩.૨૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા

(જી.એન.એસ),તા.૧૫

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરમાં વસવાટ કરતા લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરતા વિવિધ વિકાસ કામો માટે ૧,૪૧૬ કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૨૦૧૦માં રાજ્યની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષ અવસરે આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે શરૂ કરેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના(SJMMSVY) અન્વયે આ ૧,૪૧૬ કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર, અમદાવાદ, જામનગર અને સુરત એમ ૪ મહાનગરપાલિકાઓને ૪૭૧.૬૧ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાને આંતરમાળખાકીય અને આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રૂ. ૮૩.૫૦ કરોડ ફાળવવામાં આવ્યાાં છે. આ કામોમાં બાસણ, ધોળાકુવા, પેથાપુર, રાંધેજા, કોલવડા, વાવોલ તથા વાસણા હડમતિયા ગામતળ અને વિવિધ ટીપી વિસ્તારમાં સ્ટોર્મ નેટવર્ક ડેવલપમેન્ટ તેમજ  રાયસણમાં ૮૦ મીટર રોડ બાંધકામ અને ટીપી-૦૯માં ડ્રેનેજ લિફ્ટીંગ સ્ટેશન જેવા આંતરમાળખાકીય વિકાસ કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તારના પીડીપીયુ ક્રોસ રોડથી ગિફ્ટ સિટી સુધી ૮૦ મીટર રોડના બાંધકામ સહિતના વિકાસ કાર્યો માટે રૂ. ૧૭.૫ કરોડ ફાળવવામાં આવ્યાં છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે સી.સી. રોડ, સ્ટોર્મ વૉટર ડ્રેનેજ અને પેવર બ્લૉક માટેના કુલ ૭૮૯ વિકાસ કામો માટે રૂ. ૧૮૦.૬૪ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકામાં વિવિધ વિકાકાર્યો માટે કુલ રૂ. ૧૭૭.૯૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ રકમ અંતર્ગત જામનગર શહેરમાં ઠેબા સર્કલ અને સમર્પણ સર્કલ પર બે ફ્લાયઓવરના નિર્માણ માટે રૂ. ૧૧૫ કરોડ ફાળવાયા છે, જ્યારે જામનગર મહાપાલિકાને સીએનજી બસ સંચાલન માટે રૂ. ૧.૯૭ કરોડ અને ઓડિટોરીયમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં સ્માર્ટ લાઈબ્રેરી અને શહેરમાં સુવિધાસભર લાઈબ્રેરી માટે રૂ. ૬૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાને ઢોર નિયંત્રણ માટે ફેઝ-૨ અંતર્ગત આદર્શ મ્યુનિસિપલ ઢોર ડબ્બાના નિર્માણ માટે રૂ. ૧૨ કરોડ ફાળવવામાં આવ્યાં છે.

મુખ્યમંત્રીશ્રીએ ચાર મહાનગરપાલિકાઓ ઉપરાંત ઔડા, સુડા અને રૂડા એમ ૩ શહેરી વિકાસ સત્તામંડળોને પણ આ યોજના અન્વયે જુદા જુદા વિકાસ કામો હાથ ધરવા માટે કુલ રૂ. ૪૮૩.૩૦ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ(ઔડા)ના મહેમદાવાદ, દહેગામ અને સાણંદ નગરપાલિકાના વિસ્તારમાં સીવરેજ નેટવર્ક અને સીવરેજ પ્લાન્ટ તથા સાણંદ ટાઉનમાં પાણી પુરવઠા સુવિધા જેવા આંતરમાળખાકીય વિકાસના કામો માટે રૂ. ૪૫૧.૨૬ કરોડની ફાળવણી કરી છે.

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી(રૂડા) વિસ્તારના વિવિધ વિકાસકામો માટે કુલ રૂ. ૧૧.૬૧ કરોડની ફાળવણી કરી છે. જેમાં અર્બન ફોરેસ્ટ રામવનને રિંગ રોડ-૨ સાથે  જોડતા તેમજ નેશનલ હાઈવે-૨૭ને રિંગ રોડ-૨ ને જોડતા કનેક્ટીંગ રોડ પરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે ૪૫ મીટર રસ્તાની કામગીરી માટે રૂ. ૮.૫૦ કરોડ ફાળવવામાં આવ્યાં છે. તેમજ ગોંડલ હાઈવેથી જેટકો ટાવર સુધી અને કાંગશીયાળી આઉટગ્રોથ વિસ્તારની ઘણી સોસાયટીઓને કનેક્ટિવિટી આપવા માટે રૂ. ૩.૧૧ કરોડની મંજૂરી આપવામાં આવી છે.

સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના ઓલપાડ તાલુકાના બલકસમાં તળાવ અને પલસાણા તાલુકાના અંતરોલીમાં ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનના આંતરમાળખાકીય વિકાસ માટે રૂ. ૨૦.૪૩ કરોડની ફાળવણી કરી છે.

SJMMSVY યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજના ફેઝ-૨ના કામો માટે અમૃત ૨.૦ હેઠળ નક્કી કરાયા મુજબ રૂ. ૧૦ કરોડ કે તેથી ઓછી રકમના કામો માટે નગરપાલિકા મારફતે અને રૂ. ૧૦ કરોડથી વધુ રકમના કામો ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની(GUDC) અમલીકરણ સંસ્થા તરીકે કાર્ય કરે છે.

મુખ્યમંત્રીશ્રીએ અગાઉ આ યોજના અંતર્ગત નવીન કામો માટે ૧૧૬ શહેર માટે ૫૭ નગરપાલિકાઓના કામો માટે રૂ. ૨,૫૨૫ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

હવે, આ ૫૭ નગરપાલિકાઓ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ના વિકાસ કામો માટે વધુ ૯ નગરપાલિકાઓને કુલ રૂ. ૨૮૩.૨૭ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ અન્વયે GUDC અંતર્ગત વિજાપુર, છોટાઉદેપુર, પેટલાદ, સાવરકુંડલા, પાદરા અને રાધનપુર નગરપાલિકાઓને રૂ. ૨૫૬.૯૩ કરોડ અને નગરપાલિકાઓ અંતર્ગત લુણાવાડા, ખેરાલુ અને હળવદને ૨૬.૩૪ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત માણસા, પાલનપુર, પાદરા, બાબરા, વેરાવળ-પાટણ, કઠલાલ, નખત્રાણા, વાઘોડિયા, અમરેલી, માંડવી(કચ્છ), વડનગર અને સાવરકુંડલાને આંતરમાળખાકીય વિકાસ, આઉટગ્રોથ વિસ્તારના વિકાસ, આગવી ઓળખ, ખાનગી સોસાયટી ભાગીદારી યોજના, નવા નગર સેવા સદન બનાવવા, ઢોર નિયંત્રણ તેમજ પાણી પુરવઠા સહિતના કામો માટે લગભગ રૂ. ૭૫ કરોડથી વધુની રકમ મંજૂર કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્યની તમામ ૧૫૭ નગરપાલિકાઓમાં રસ્તાની સુવિધાઓમાં વધારો કરવા માટે નગરપાલિકાના વર્ગ મુજબ ગ્રાન્ટની ફાળવણી કરી છે.

આ ગ્રાન્ટમાંથી રોડ રિસરફેસિંગ ઉપરાંત થર્મો પ્લાસ્ટિક રોડ પેઈન્ટ, કર્બ પેઈન્ટ, સ્ટ્રીટ લાઈટ બોર્ડ તેમજ રોડ સેફટીના કામો કરવામાં આવશે.

આ અંતર્ગત અ-વર્ગની ૨૨ નગરપાલિકાઓ માટે પ્રત્યેકને રૂ. ૧ કરોડ, બ-વર્ગની ૩૦ નગરપાલિકાઓ માટે પ્રત્યેકને રૂ. ૮૦ લાખ, ક-વર્ગની ૬૦ નગરપાલિકાઓ માટે પ્રત્યેકને રૂ. ૬૦ લાખ તથા ડ-વર્ગની ૪૫ નગરપાલિકાઓને પ્રતિ નગરપાલિકા રૂ. ૪૦ લાખની ગ્રાન્ટ મળીને કુલ રૂ. ૧૦૦ કરોડની મંજૂરી આપી છે. આ મંજૂર થયેલા શહેરી વિકાસના કામો નગરો-મહાનગરોના આયોજનબદ્ધ વિકાસ દ્વારા અમૃતકાળમાં રાજ્યના શહેરી વિસ્તારના વિકાસનો  અમૃતકાળ બનશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિગમ દ્વારા હોળી તથા ધૂળેટીના તહેવારો દરમ્યાન એક્સ્ટ્રા સંચાલન બાબતની અખબારી યાદી
Next articleરાજકોટ જિલ્લાના ગામો રાજકોટ શહેરના આઉટગ્રોથ વિસ્તાર અને ‘રૂડા’ વિસ્તારની ૧૮ લાખ જનસંખ્યાને દરરોજ ૧૩૫ એમ.એલ.ડી પાણી મળશે