Home દેશ - NATIONAL દિલ્હીની નવી – ”રાંડ્યા પછીનું ડહાપણ ક્લબ”માં એ સૌનું સ્વાગત હો…!

દિલ્હીની નવી – ”રાંડ્યા પછીનું ડહાપણ ક્લબ”માં એ સૌનું સ્વાગત હો…!

523
0

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોમાં કામ કરતાં ઉચ્ચ અધિકારીઓ નિવૃતિ પછી ભાગ્યે જ વિવાદમાં પડે છે. તેઓ જે પેન્શન મળે તેના આધારે જીવન નિર્વાહ કરવાનું વધારે પસંદ કરે છે. કેટલાક અધિકારીઓ એવા હોય કે જ્યારે ફરજ હોય કે પદ ઉપર હોય ત્યારે તેમની ઉપર બેઠેલા રાજકીય બોસની બીકે કાંઇ બોલતા નથી અને પદ છોડ્યું કે નિવૃત થયા કે તરત જ જાણે કે બ્રહ્મ જ્ઞાન લાધ્યું હોય તેમ સરકારના જે તે નિર્ણયો વિશે ટીકા અને ટીપ્પણી કરે છે. આવા બે નામો જાણીતા બન્યા હમણાં હમણાં . એક અરવિંદ સુબ્રમણ્યમ અને બીજા છે ઓ.પી. રાવત. અ.સુ. ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર હતા. વહેલા છૂટા થયા. અને રાવત ચૂંટણી પંચના વડા હતા. મુદત પૂરી થતાં હળવા થયા અને બન્નેએ ભારે નિવેદનોનો મારો પોતે જે સરકારમાં કામ કરતાં હતા તે સરકારની સામે કર્યા.
અરવિદ મુખ્ય સલાહકારના પદ પર હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીનો અપ્રિય નિર્ણય લેવાયો હતો. અરવિંદે તે વખતે બોલવાનું પસંદ ના કર્યું. તેમને નોટબંધીનો નિર્ણય ગમ્યો નહોતો અને નોટબંધી કેટલી ખતરનાક છે તે જાણવા છતાં મોઢામાં જીભ ઘાલીને બેસી રહ્યાં.તેઓ હમણાં બોલ્યા કે નોટબંધીએ ભારતના અર્થતંત્રનો દાટ વાળી નાંખ્યો છે. નોટબંધીનો નિર્ણય યોગ્ય નહોતો, દેશના હિતમાં નહોતો અને તેનાથી કોઇનું ભલું થયું નથી…!
બીજા છે રાવત. ચૂંટણી અને ઇવીએમની વિશ્વનિયતાના શંકાની પળોજણમાંથી બહાર આવ્યાં બાદ નિવૃતિના દિવસે કહ્યું કે નોટબંધીની કાળા નાણાં પર કોઇ અસર થઇ નથી. નોટબંધી પછી ચૂંટણી પંચે કુલ મળીને 200 કરોડનું કાળુ નાણું પક્યું જેનો ઉપયોગ ચૂંટણીઓ અયોગ્ય રીતે જીતવા માટે થવાનો હતો. રાજકીય પક્ષોને ઇલેકટરોલ બોન્ડ દ્વારા અપાતા ફંડફાળા સામે પણ લાલમલાલ બત્તી નહીં પણ બત્તો મૂક્યો છે. રાજકીય પક્ષોને આ દાન કોણ આપે છે તેની વિગતો અપાતી નથી, એવો બળાપો પણ કાઢ્યો ચાયવાલી સરકારની છેલ્લી સરકારી ચા પીતા પીતા…!
રાંડ્યા પછીનું ડહાપણ. આ બે ઉચ્ચ અધિકારીઓ માટે આ જ કહેવત બંધબેસતી છે. તેઓશ્રી જ્યારે સત્તામાં હતા ત્યારે બોલ્યા હોત તો રઘુરામ રાજનની જેમ માન મળત. અ.સુ. ભારત સરકારના એટલે કે ભારતની પ્રજા માટે શું સારૂ અને શું સારૂ નહીં તેની સલાહ આપનાર મુખ્ય હતા. નોટબંધીનો નિર્ણય ખોટો છે એ ગામડા અરવિંદોને ખબર હતી. અ.સુ. પણ આંસુ પીને જાણતા જ હતા કે તેના કેવા માઠા પરિણામો આવશે. પણ રાજકીય બોસ સામે તેમની પિપૂડી ના વાગી. એવી કહેવાની હિંમત ના થઇ કે મિ. પ્રાઇમ મિનિસ્ટર, તમારો આ નિર્ણય દેશના હિતમાં નથી… ટાંટિયા ધ્રૂજી ગયા હશે આવું કહેતા પહેલા. મુખ્ય સલાહકારપદેથી વહેલા મુક્ત થયા. એ માટે તેમણે કોની સલાહ લીધી એ તો તેઓ જાણે. છૂટા થયાના 6 મહિનામાં પુસ્તક લખ્યું નોટબંધી વિષે અને ભાઇ બોલ્યા કે મોદીનો નોટબંધીનો નિર્ણય ડ્રેકોઇન અર્થાંત ભયાનક, ખતરનાક હતો. ભાઇ અરવિંદ, એ વખતે મોઢામાં કેસરી રંગના મગ ભર્યા હતા ભાઇ..કે પેટમાં કેસરી અન્ન હતો…? એ વખતે દેશમાં કેવી અંધાઅંધી અને અરાજકતા હતી. લાઇનો. અને કેવી લાં….બી લાં….બી…જાણે કે છેડો જ ના મળે કે ના જડે. બિચારા લોકો લાઇનમાં ચપ્પલ મૂકીને છાંયડે પોરો ખાતા હતા. એક પ્રસુતાએ તો નોટબંધીની લાં…..બી….. લાઇન વખતે જ સંતાનને જન્મ આપ્યો હતો. પૂરા દિવસો છતાં નોટબંધીને કારણે ઘરે કે દવાખાને જવાને બદલે લાંબી લાંબી લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી હતી. એ સંતાનનું પછી ખજાનચી એવું નામકરણ થયું હતું.
ઓ.પી. રાવતે પણ નોટબંધીના ભારોભાર “વખાણ” કર્યા કે નોટબંધીથી કાળુંનાણું બંધ થશે તેવું કાંઇ થયું નથી. સરકારના એ બધા દાવા ખોટા હતા એમ રાવતે સાબિત કર્યું. અ.સુ. અને રાવતના સત્ય સામે ભાજપ કે સરકારમાંથી હમણાં તો કોઇ બોલ્યા નથી. પણ ટેવ મુજબ બોલશે ખરા. અ.સુ. અને ઓ.રા.ની જેમ બીજા ઘણાં અધિકારીઓ “રાંડ્યા પછીનું ડહાપણ” નામની ક્લબમાં જોડાવવા તૈયાર હશે જ. તેઓ પણ… હૈ આગ હમારે સીને મેં હમ આગ સે ખેલતે આયે હૈ…ની જેમ હૈયામાં ગણા રાઝ રાખીને બેઠા છે. બસ તેઓ નિવૃત થાય અને અ.સુ. કે ઓ.રા.ની જેમ સત્ય ટોનિકના બે ઘૂંટડા લગાવે કે તરત જ બહાર આવશે કે નોટબંધી ખરેખર આમના માટે હતી, રાફેલનો નિર્ણય –એ- માટે જ હતો….”રાંડ્યા પછીનું ડહાપણ ક્લબ”માં એ સૌનું સ્વાગત હો…(જી.એન.એસ.)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએસટીની 7,647 બસોમાં નવ લાખ પરિક્ષાર્થીઓને કેવી રીતે બેસાડશો મુખ્યમંત્રીજી….!?
Next articleચાર રાજ્યોનો એક્ઝીટ પોલ: મોદીના કમળ પર રાહુલનો પંજો પડી શકે છે ભારે…!?