Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર ખાતે દ્વિ-દિવસીય સંસદીય કાર્યશાળાનો સમાપન સમારોહ યોજાયો

ગાંધીનગર ખાતે દ્વિ-દિવસીય સંસદીય કાર્યશાળાનો સમાપન સમારોહ યોજાયો

74
0

(જી.એન.એસ) તા.16

ગાંધીનગર

અનેક ક્ષેત્રે ‘આદર્શ’ ગુજરાતને દેશમાં પ્રાકૃતિક કૃષિમાં પણ ‘મોડેલ’ બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ખેડૂતોનું કલ્યાણ ઇચ્છતા હો તો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરો: ધારાસભ્યોને રાજ્યપાલશ્રીનો અનુરોધ

એક સૂરથી કામ કરીએ, લોકશાહીના ઇતિહાસમાં ગુજરાતનું નામ પહેલરૂપ રાજ્યમાં આવે એવુ વાતાવરણ બનાવીએ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત વિધાનસભા દ્વારા આયોજિત દ્વિ-દિવસીય સંસદીય કાર્યશાળાના સમાપન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં આપણું ગુજરાત અનેક બાબતોમાં ‘આદર્શ મોડેલ’ છે. જો જીવલેણ રોગોથી મુક્ત થવું હશે, સ્વાસ્થ્યપ્રદ અન્ન આરોગવું હશે, હવા-પાણી-ભૂમિ અને પર્યાવરણની રક્ષા કરવી હશે, ગૌ માતાને બચાવવી હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. ગુજરાત વિધાનસભાના તમામ ધારાસભ્યોને તેમણે કહ્યું કે, જો તમે ખેડૂતોનું કલ્યાણ ઈચ્છતા હો તો ગુરુદક્ષિણામાં મને વચન આપો કે, તમે પોતપોતાના મતવિસ્તારમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરશો. પ્રાકૃતિક કૃષિમાં પણ ગુજરાતને આખા દેશ માટે ‘આદર્શ મોડલ’ બનાવવા તેમણે તમામ ધારાસભ્યોને આહ્વાન કર્યું હતું.

સમાપન સત્રમાં ધારાસભ્યોને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખેતીમાં રાસાયણિક ખાતર-પેસ્ટીસાઈડ્સના અંધાધુંધ ઉપયોગથી વધી રહેલા રોગોથી સાવચેત કરતાં કહ્યું કે, આપણે કરોડો રૂપિયા ખર્ચીને વિદેશથી રાસાયણિક ખાતરો રૂપે ઝેર ખરીદી રહ્યા છીએ. તેમણે ઓર્ગેનિક ખેતી એટલે કે જૈવિક ખેતી પણ શ્રેષ્ઠ અને સફળ પદ્ધતિ નથી એમ કહીને પ્રાકૃતિક ખેતી એટલે જૈવિક ખેતી-ઓર્ગેનિક ખેતી નહીં, તેની ખૂબ ઉપયોગી જાણકારી આપી હતી અને કહ્યું હતું કે, જંગલમાં કોઈ જ ખાતર કે દવા નાખ્યા વિના પ્રકૃતિની કૃપાથી વૃક્ષો સ્વસ્થ અને ફળાઉ રહે છે, ભૂમિ પણ ફળદ્રુપ રહે છે એ જ રીતે ખેતરમાં પણ પ્રકૃતિ દ્વારા જ પાકનું જતન-સંવર્ધન થાય એનું નામ પ્રાકૃતિક ખેતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની વિગતવાર જાણકારી આપીને દેશી ગાયના ગોબર-ગૌમૂત્રમાંથી ખાતર બનાવવાની પદ્ધતિ, તેનો ઉપયોગ અને તેના ફાયદા તથા એક સમયે એક કરતાં વધુ પાક લઈને કોઈપણ પ્રકારના ખર્ચ વિના, સાવ ઓછી મહેનતથી, ઓછા પાણીએ પ્રાકૃતિક કૃષિથી વધુ ઉત્પાદન કેવી રીતે મળી શકે અને ખેડૂતોની આવક બમણી કેવી રીતે કરી શકાય તેની સવિસ્તર સમજણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે 3,25,000 ખેડુતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આખા દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટે પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતી માટેના અભિયાનને વધુ વેગવાન બનાવવામાં આવ્યું છે અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના પ્રયત્નોથી કૃષિ વિભાગના અધિકારીઓ પણ ખેડૂતોને તાલીમ આપવાના કામમાં ‘મિશન મોડ’થી જોડાયા છે.

તેમણે તમામ ધારાસભ્યોને પોતપોતાના વિસ્તારમાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ શિબિરનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં, ખેડૂતોને તાલીમ આપવા જાતે આવવાની પોતાની પ્રતિબદ્ધતા પણ જાહેર કરી હતી. વિધાનસભાના તમામ ધારાસભ્યોએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આ અભિગમને પોતાના સ્થાને ઉભા થઈને વધાવી લીધો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસદીય કાર્યશાળાના સમાપન પ્રસંગે જણાવ્યું કે, ગુજરાતની ૧૫મી વિધાનસભામાં ચૂંટાયેલા સૌ ધારાસભ્યો પ્રજાના પ્રતિનિધિઓ છે, નાગરિકોનો અવાજ છે. આથી પ્રજાના પ્રશ્નોને ગૃહમાં સારી રીતે વાચા આપી શકાય એની તાલીમ માટે યોજાયેલી સંસદીય કાર્યશાળા સૌ માટે ફળદાયી નિવડશે.

તેમણે કહ્યું કે, ધારાસભ્યની પ્રશ્નોને રજુ કરવાની પધ્ધતિ સારી હોય તો તેનો અલગ પ્રભાવ પડે છે. ગૃહમાં કોઈ મુદ્દા પર તીવ્ર ચર્ચા કર્યા બાદ ગૃહની બહાર ધારાસભ્યો મળે ત્યારે સહજતા અને પ્રેમપૂર્વક વાત થતી હોય છે, આવા જ સૌહાર્દભર્યા વાતાવરણનું નિર્માણ આપણે ગૃહમાં કરવું છે અને એ માટે આપણે સૌ એ સહિયારા પ્રયાસો કરવા પડશે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જનપ્રતિનિધિ તરીકે ગૃહમાં આપણું વર્તન, વ્યવહાર, પ્રશ્નો-સમસ્યાની ચર્ચામાં સહભાગી થવાની રીતભાત બધા પર પ્રજાની નજર રહેતી હોય છે.

આપણે સૌ ગૃહમાં એવું વાતાવરણ બનાવીએ કે લોકશાહી અને સંસદીય પ્રણાલિના ઇતિહાસમાં ગુજરાત વિધાનસભા ગૃહની ગરિમા વધુ ઉન્નત બને.

મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું હતું કે, સંસદીય કાર્યશાળામાં પ્રજાકીય પ્રશ્નો માટે વિવિધ વિષયો પર માર્ગદર્શન અપાયું છે તે આગામી સમયમાં ગુજરાતની સંસદીય કાર્યપ્રણાલી ક્ષેત્રે નવા કિર્તીમાન રચીને દેશને નવો રાહ ચીંધશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતે સર્વાંગી વિકાસથી સમગ્ર દેશમાં મોડેલ સ્ટેટની નામના મેળવી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમથી આપણે વિધાનસભાની સમગ્ર કામગીરી ઈ-વિધાનસભા દ્વારા થાય એ માટેના અધ્યક્ષશ્રીના વિચારને પણ સાકાર કરવા પ્રયત્નશીલ રહીશું.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃતકાળમાં વિકસીત ભારતનું જે સપનું જોયું છે એને પાર પાડવા વિકસીત ગુજરાતના નિર્માણ માટે સૌ ધારાસભ્યોને એકજૂથ થવા આહવાન કર્યુ હતું.

બે દિવસીય સંસદીય કાર્યશાળાના સમાપન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બે દિવસીય કાર્યશાળા દરમ્યાન ધારાસભ્યોએ ખૂબ સહજતાથી ઘણું શીખ્યું છે. કાર્યશાળા દરમ્યાન તમામ સભ્યો એકબીજાને ઓળખતા થયા છે. લોકશાહીની કાર્યપ્રણાલીમાં એકબીજા પાસેથી સારી બાબતો શીખવી ખૂબ જરૂરી છે. કાર્યશાળામાં ધારાસભ્યોનો હકારાત્મક અભિગમ રહ્યો છે. જે ગુજરાતના વિકાસ માટે ખૂબ સારી નિશાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બે દિવસીય સંસદીય કાર્યશાળાના આયોજનને બિરદાવ્યું હતું.

અધ્યક્ષ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે વિધાનસભા ગૃહને મારે ડીઝીટલ બનાવી પેપરલેસ કરવી છે. જે માટે કામગીરી શરૂ થઈ ગઈ છે. દરેક ધારાસભ્યને વિધાનસભા ગૃહમાં ટેબ્લેટ આપી ડીઝીટલ વિધાનસભાની કામગીરી માટે ટ્રેનિંગ પણ આપવામાં આવશે. બજેટ સત્ર બાદ મળતાં સત્ર સુધી વિધાનસભા ગૃહની કાર્યવાહી પેપરલેસ બને તેવો મારો પ્રયત્ન છે. જે ઉપરાંત ધારાસભ્યનું જ્ઞાન વધુ વધે તે માટે વિધાનસભાની લાઈબ્રેરી આધુનિક કરી છે. જે લાઈબ્રેરી ધારાસભ્યો માટે રેફરન્સ નો મુખ્ય સ્ત્રોત બનશે. બે દિવસીય કાર્યશાળામાં જે વિષયોનું માર્ગદર્શન ધારાસભ્યો મેળવ્યું છે તે ગુજરાતના વિકાસને આગળ લઈ જવા મદદરૂપ થશે.

વિધાનસભા ખાતે યોજાયેલ સંસદીય કાર્યશાળાના સમાપન સમારોહમા સ્વાગત પ્રવચન કરતા સંસદીય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે,વિધાનસભા ના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા જનપ્રતિનિધિઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ થી લઈ ટાઈમ મેનેજમેન્ટ અને સંસદીય કાર્યક્ષેત્રથી લઈ સંસદીય કાર્યપ્રણાલીની જાણકારી માટે યોજાયેલ આ બે દિવસીય કાર્યશાળા આપણાં સૌની કામગીરીને વધુને વધુ દૈદિપ્યમાન બનાવશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

મંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકસભા સચિવાલયના સહયોગથી યોજાયેલ કાર્યશાળાના ઉદધાટન સમારોહમાં લોકસભાના અધ્યક્ષ ઓમબિરલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન આપી આપણને પ્રેરિત કર્યા છે એ આપણા માટે પ્રેરણાદાયી નીવડશે. તેમણે આ કાર્યશાળામાં ઉત્સાહ પૂર્વક સહભાગી બન્યા એ બદલ પણ સૌ સભ્યોનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય શૈલષભાઈ પરમારે આભાર પ્રવચન આપી આ દ્વિદિવસીય કાર્યશાળાને બિરદાવી હતી. સંસદીય કાર્યશાળાના સમાપન સમારોહમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, નાયબ દંડકો, દંડક, ધારાસભ્યશ્રીઓ સહિત ગુજરાત વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(જી.એન.એસ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleક્રિકેટર પૃથ્વી શો અને ફેન્સ વચ્ચે સેલ્ફીને લઈને લડાઈ થતા ફિમેલ ફેને કાર પર કર્યો હુમલો
Next articleભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!