Home ગુજરાત કરજણમાં વ્યાજખોરે સુથાર પાસેથી વધુ રકમ લેવા પરિવારને મારી નાખવાની ધમકી આપી

કરજણમાં વ્યાજખોરે સુથાર પાસેથી વધુ રકમ લેવા પરિવારને મારી નાખવાની ધમકી આપી

26
0

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીલોડ ગામમાં સુથાર પાસેથી વ્યાજે આપેલા 1.50 લાખ સામે રૂપિયા 4.45 લાખ વસૂલ કરવા છતાં, વધુ રકમ નહીં આપે તો પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર વ્યાજખોર સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે, લીલોડ ગામના પટેલ ફળિયામાં ચિરાગભાઇ મુળજીભાઇ મિસ્ત્રી (સુથાર) પરિવાર સાથે રહે છે અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે. વર્ષ-2019માં તેઓને રૂપિયા 1.50 લાખની જરૂરીયાત ઉભી થઇ હતી. આથી તેઓએ પોતાના જ ગામમાં અને પોતાના ફળિયામાં રહેતા કેયુરભાઇ મુકેશભાઇ પટેલ પાસેથી રૂપિયા 1.50 લાખ 5 ટકાના વ્યાજે લીધા હતા.

વ્યાજનો ધંધો કરનાર કેયુર પટેલે રૂપિયા 1.50 લાખ 5 ટકા વ્યાજ આપવા સામે ખેડૂત ચિરાગભાઈ મિસ્ત્રી પાસેથી એચ.ડી.એફ.સી. બેંકના 3 ચેકો તેમજ 1 કોરો ચેક એસ.બી.આઇ. બેંકનો લીધો હતો. ખેડૂતે ચાર વર્ષના સમયગાળા દરમિયાન રૂપિયા 1.50 લાખની લીધેલી મૂડી સામે રૂપિયા 4.45 લાખ 5 ટકા વ્યાજ પ્રમાણે ચૂકવી આપ્યા હતા. આમ છતાં, નાણાં ધીરનાર કેયુર પટેલ વધુ રકમની માંગણી કરીને માનસિક ત્રાસ આપી રહ્યો હતો. આ ઉપરાંત વ્યાજખોર કેયુર પટેલ અવાર-નવાર ચિરાગભાઇ મિસ્ત્રીને વ્યાજ સાથે નાણાં પરત કરવા માટે દબાણ કરતો હતો.

અને પૈસા નહીં આપોતો પરિવારને મારી નાંખવાની ધમકી આપતો હતો. નાણાં ધીરવાનું લાયસન્સ ન હોવા છતાં, ઉંચા વ્યાજે નાણાં આપી મૂડી કરતા વધુ રકમની વસુલાત કરવા છતાં, મિસ્ત્રી પરિવારનું જીવવું કેયુર પટેલે મુશ્કેલ કરી દીધું હતું. નાણાં ધીરધાર દ્વારા અવાર-નવાર થતી ઉઘારણી અને ધમકીઓથી ત્રસ્ત ચિરાગભાઇ મિસ્ત્રીએ આખરે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

કરજણ પોલીસે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ લીલોડ ગામના કેયુર મુકેશભાઇ પટેલ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. લીલોડ ગામના કેયુર પટેલ સામે મની લોન્ડરિંગનો ગુનો દાખલ થતાં પંથકમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે આ બનાવમાં ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનાર આરોપી કેયુર પટેલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

આરોપીની ધરપકડ બાદ આરોપીએ અન્ય કેટલા લોકોને વ્યાજની ચુંગાલમાં ફસાવ્યા છે તે અંગેની વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગોધરાની ગોન્દ્રા ચોકડી પાસે માર્ગ અકસ્માતમાં આધેડનું કરુણ મોત
Next articleવલસાડના લીલાપોર કોસ્ટલ હાઇવે ઉપર JCB અને મોપેડ વચ્ચે અકસ્માત, મોપેડ ચાલકનું ઘટનાસ્થળે જ મોત