Home ગુજરાત ઉત્તર ગુજરાત એક વર્ષમાં પ્રશ્ન બદલાયો : સેમિ કંડક્ટર ક્ષેત્રે ભારતમાં રોકાણ શા માટે?...

એક વર્ષમાં પ્રશ્ન બદલાયો : સેમિ કંડક્ટર ક્ષેત્રે ભારતમાં રોકાણ શા માટે? ના બદલે હવે ‘ભારતમાં રોકાણ શા માટે નહીં?’નું ચિંતન થાય છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

14
0

● વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,

¤ સેમિ કંડક્ટર ક્ષેત્રે ભારત વિશ્વનું ‘શાનદાર કંડક્ટર’ સાબિત થશે

¤ આ ચોથી ઔદ્યોગિક ક્રાતિનો સમય છે, જેનું નેતૃત્વ ભારત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આહ્વાન – ‘મેક ફોર ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’

¤ 21મી સદી ભારતમાં અવસરોની સદી છે : ડેમોક્રેસી, ડેમોગ્રાફી થકી મળતા ડિવિડન્ડથીબિઝનેસ બમણો-ત્રણ ગણો થશે

¤ પોતાનાં સપનાઓ અને અપેક્ષાઓ જોડીને ભરોસો મૂકનારાઓને ભારત દેશ ક્યારેય નિરાશ કરતો નથી

¤ દેશના વિકાસનું ચાલકબળ યુવાનોમાં રહેલી મહત્ત્વાકાંક્ષામાં સમાયેલું છે

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પુરુષાર્થના ફળસ્વરૂપે વિશ્વસ્તરની ઇકોસિસ્ટમ સાથે મોટાપાયે સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત દેશનું હબ બનશેઃ મુખ્યમંત્રી

મહાત્મા મંદિર ખાતે બીજી સેમિકોન ઇન્ડિયા સમિટનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

(જી.એન.એસ),તા.૨૮

ગાંધીનગર

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બીજી સેમિકોન ઇન્ડિયા સમિટનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દૃઢ વિશ્વાસ સાથે જણાવ્યું કે સેમિકંડક્ટરના નિર્માણક્ષેત્રે ભારત ગ્લોબલ હબ બનવા સંપૂર્ણપણે તૈયાર છે. ભારત સેમિકંડક્ટર ક્ષેત્રનું પાવર કંડક્ટર સાબિત થશે. વર્તમાન સમય ચોથી વૈશ્વિક ઔદ્યોગિક ક્રાંતિનો સમય છે, જેનું નેતૃત્વ કરવા ભારત સજ્જ છે. ભારતના યુવાનો મહત્ત્વાકાંક્ષી છે, સાથોસાથ તેઓ પોતાની વૈશ્વિક જવાબદારી સમજીને મેક ફોર ઇન્ડિયાની સાથે મેક ફોર ધ વર્લ્ડના સૂત્રને અનુરૂપ વિકાસ કરી રહ્યા છે. ભારતમાં રોકાણ કરનારાઓને બમણા કે ત્રણ ગણા વળતરની ખાતરી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સાથે પોતાનાં સપનાઓ અને અપેક્ષાઓ જોડીને ભરોસો મૂકનારાઓને આ દેશ ક્યારેય નિરાશ કરતો નથી.

આ પ્રસંગે સેમિકંડક્ટર ક્ષેત્રની વિશ્વની દિગ્ગજ કંપનીઓના વડાઓ તેમજ પ્રતિનિધિઓને આવકારતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજથી એક વર્ષ પહેલાં યોજાયેલી પ્રથમ સેમિકોન ઇન્ડિયા સમિટમાં ભારતમાં સેમિકંડક્ટર ક્ષેત્રે રોકાણ શા માટે કરવું? એ પ્રશ્ન પર વિશદ ચર્ચાઓ થઈ હતી, પરંતુ આજે એક વર્ષ પછી ભારતીય યુવાનોની મહત્ત્વાકાંક્ષાઓના પરિણામસ્વરૂપ આ પ્રશ્ન બદલાઈ ગયો છે અને આજે ‘ભારતમાં રોકાણ શા માટે ન કરવું?’ એ પ્રશ્ન પર ચિંતન કરવામાં આવી રહ્યું છે.

આ મુદ્દાની છણાવટ કરતાં વડાપ્રધાનશ્રીએ મૂરના નિયમ(Moore’s Law)નું ઉદાહરણ આપીને કહ્યું કે ભારતે પણ ડિજિટલ અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. તેમણે કહ્યું કે 21મી સદી એ ભારત માટે અવસરોની સદી છે. વિશ્વની આ સૌથી મોટી લોકશાહી તરીકે અહીં સ્કિલ્ડ ફોર્સ છે. ડેમોક્રેસી, ડેમોગ્રાફી થકી મળતા ડિવિડન્ડથી અહીં રોકાણ કરનારાનો બિઝનેસ બમણો-ત્રણ ગણો થશે.

તેમણે ઉમેર્યું કે આજે ગ્લોબલ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ભારતનું યોગદાન અનેક ગણું વધ્યુ છે. વર્ષ ૨૦૧૪માં ભારતનું ઈલેક્ટ્રોનિક ઉત્પાદન 30 બિલિયન ડોલરથી ઓછું હતું, જે આજે 100 બિલિયન ડોલરને પાર કરી ગયું છે. છેલ્લા 2 વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ઉપકરણોની નિકાસ બમણી થઈ છે. વર્ષ ૨૦૧૪ પછી ભારતમાં થયેલા ટેકનોલોજિકલ વિકાસ પર પ્રકાશ પાડતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે વર્ષ ૨૦૧૪ પહેલા ભારતમાં માત્ર બે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ હતા જ્યારે આજે ૨૦૦થી પણ વધુ યુનિટ છે. વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યા માત્ર ૬ કરોડ હતી, જે આજે 80 કરોડથી પણ વધુ થઈ છે. જ્યારે ઈન્ટરનેટ કનેક્શનની સંખ્યા ૨૫ કરોડથી વધીને આજે 85 કરોડ જેટલી થઈ છે. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ આંકડાઓ માત્ર ભારતની પ્રગતિ જ નહીં, પરંતુ ઔદ્યોગિકક્ષેત્રે થઈ રહેલાં વ્યાવસાયિક વિકાસનો માપદંડ છે.

વડાપ્રધાન મોદીએ ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉપલબ્ધ નીતિઓ અંગે વિગતવાર માહિતી આપતા કહ્યું કે આજે દેશમાં સૌથી ઓછો કોર્પોરેટ ટેક્સ ભારતમાં છે. 2014 પછી ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસને ધ્યાને લઈને ઔદ્યોગિક વિકાસ માટે નડતરરૂપ અનેક જૂના કાયદાઓ અને ગૂંચવણોને દૂર કરવામાં આવ્યા છે. સ્પેશિયલ ઇન્સેન્ટિવ્સ પણ આપ્યા છે. એટલું જ નહીં, 50 ટકા સુધીની નાણાકીય સહાય સાથે સરકાર સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને બળ પૂરું પાડી રહી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રની વાત કરતાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે અનેક ઇન્ડસ્ટ્રિયલ રિફોર્મ્સની સાથે ભારત આજે વિશ્વની સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનું પાવર કંડક્ટર બનવા માટે સજ્જ છે.

વર્તમાન વૈશ્વિક ઔદ્યોગિક વિકાસને ચોથી વૈશ્વિક ઔદ્યોગિક ક્રાંતિ ગણાવીને વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે વિશ્વમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિઓ કોઈ ને કોઈ દેશની મહત્ત્વાંકાંક્ષાનું પરિણામ છે. ત્યારે આજનો યુગ એ ભારતનો સમય છે. ભારતમાં ગરીબી આજે તીવ્ર ગતિએ ઘટી રહી છે અને એક નવો મધ્યમ વર્ગ – નિઓ મિડલ ક્લાસ ઉભરી રહ્યો છે. આજનો ભારતનો યુવાન મહત્ત્વાકાંક્ષી છે અને ટેક્નોલોજી એડોપ્શન માટે હંમેશાં તત્પર રહે છે.

વિશ્વને આજે ચિપ સપ્લાય ચેઇનની જરૂર છે અને ભારતથી વધુ વિશ્વાસપાત્ર કોણ હોય શકે? તેવું ગૌરવભેર જણાવતાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે ભારત પર દુનિયાનો ભરોસો સતત વધી રહ્યો છે. જેની વૈશ્વિક જવાબદારી ભારત પણ સુપેરે સમજે છે અને માત્ર મેક ફોર ઇન્ડિયા નહીં, પરંતુ મેક ફોર ધ વર્લ્ડના ભાવ સાથે સેમિકંડક્ટર ક્ષેત્રનું હબ બનવા અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવા તૈયાર છે. આ માટે સાથી દેશોના સહયોગથી વિસ્તૃત રોડમેપ તૈયાર કરીને કામ થઈ રહ્યું છે.

તાજેતરમાં જ ભારતે નેશનલ ક્વૉન્ટમ મિશનને મંજૂરી આપી છે. સેમિકંડક્ટર ઈકો-સિસ્ટમ માટે બદલાવો કરવામાં આવી રહ્યા છે. આ માટે દેશભરમાંથી 300 જેટલી કૉલેજોની ઓળખ કરવામાં આવી છે. જ્યાં સેમિકંડક્ટર વિષય પરના અભ્યાસક્રમોની શરૂઆત થશે. એક અંદાજ પ્રમાણે આગામી પાંચ વર્ષમાં એક લાખ ડિઝાઇન એન્જિનિયર અહીં તૈયાર થશે. ભારતની સ્ટાર્ટઅપ ઈકો-સિસ્ટમથી સેમિકંડક્ટર ક્ષેત્રને નવું બળ મળશે. જેના થકી ભારત વિશ્વની સેમિકંડક્ટર ઇન્ડસ્ટ્રીનું પાવર-કંડક્ટર બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વર્તમાન વર્ષ માટે ભારતને જી-20 દેશોનું યજમાનપદ મળ્યું છે, જેની થીમ ‘વસુધૈવ કુટુંબકમ્ – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ છે. એ દૃષ્ટિએ સમગ્ર વિશ્વને પરિવાર ગણીને બહેતર વિશ્વના નિર્માણ માટે ભારત હંમેશાં તત્પર છે. ભારતની સ્કિલ, કેપેસિટી અને કેપેબિલિટીનો વિશ્વને લાભ મળે એ નિર્ધાર સાથે ભારતનું સામર્થ્ય વધારવાનો અમારો શ્રેષ્ઠ પ્રયાસ છે. આ સહિયારા પ્રયાસમાં વૈશ્વિક ઉદ્યોગકારો માટે ભારતે હંમેશાં લાલ જાજમ બિછાવી છે.

લાલ કિલ્લા પરથી બોલેલા વચનોને દોહરાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘યહી સમય હૈ, સહી સમય હૈ – દેશ કે લિએ ભી, દુનિયા કે લિએ ભી’ આ માટે તેમણે કહ્યું કે પોતાનાં સપનાઓ અને અપેક્ષાઓ જોડીને ભરોસો મૂકનારાઓને ભારત દેશ ક્યારેય નિરાશ કરતો નથી.

સેમીકોન ઇન્ડિયા ૨૦૨૩ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે કરાયેલા સફળ પુરુષાર્થના પરિણામે વિશ્વસ્તરની ઇકોસિસ્ટમ સાથે ગુજરાત મોટાપાયે સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત સેમિકંડક્ટર પોલિસી ૨૦૨૨-૨૭ લાવનાર દેશનું પ્રથમ રાજ્ય છે. આ પોલિસી અંતર્ગત સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત દેશનું હબ બનશે. ભારતને સેમિકંડક્ટર ક્ષેત્રમાં ગ્લોબલ પ્લેયર બનાવવાનું વડાપ્રધાનશ્રીનું વિઝન છે. આ વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે સેમિકંડક્ટર ક્ષેત્ર માટે સમર્પિત સેમિકડક્ટર પૉલિસી જાહેર કરી છે. ગુજરાતે સેમિકંડક્ટર પોલિસી અંતર્ગત અનેક આકર્ષક લાભ અને ઇન્સેન્ટિવ્સની વ્યવસ્થા કરી છે, જે સેમિકંડક્ટર સેક્ટર માટે ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન બનાવે છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને ગુજરાતની પારદર્શક, સફળ અને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીઝના પરિણામે આજે ગુજરાત અનેક ગ્લોબલ કંપની માટે બિઝનેસ સેંટર બન્યું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ જ આજે ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ અને ઓટો હબ બન્યું છે. ગુજરાતમાં આજે વૈશ્વિક કક્ષાનું લૉજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ધોલેરામાં ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ અને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાનું સ્વપ્ન સેવ્યું હતું. આજે એ જ ધોલેરા એક સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન તરીકે વિકસિત થઈ રહ્યું છે. ધોલેરામાં સ્ટેટ ઑફ ધિ આર્ટ ઇન્ડસ્ટ્રીયલ યુટીલિટીઝ ઉપલબ્ધ છે, જે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝને ગુજરાતમાં રોકાણ માટે આકર્ષિત કરે છે. ધોલેરામાં ઉપલબ્ધ આ ઇન્ડસ્ટ્રીયલ સુવિધાઓ, સેમિકંડક્ટર જેવા વૈશ્વિક માંગ ધરાવતા ક્ષેત્ર માટે શ્રેષ્ઠ વ્યૂહાત્મક સ્થળ છે.

ગુજરાત ઇઝ ધિ કૉમ્બિનેશન ઑફ ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કૉમર્સ એન્ડ કલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ. વડાપ્રધાન મોદીના આ મંતવ્યનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની આ ઈમેજને તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના માધ્યમથી વૈશ્વિક મંચ પ્રદાન કર્યું છે.

વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ જ ગુજરાતમાં વર્ષ ૨૦૦૩થી આ સમિટની શરૂઆત થઈ હતી. જાન્યુઆરી ૨૦૨૪માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દશમી કડીમાં જોડાઈને ગુજરાત અને ભારતના આર્થિક વિકાસમાં સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીએ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત મહાનુભાવોને અનુરોધ કર્યો હતો.

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ તથા ઈન્ફોર્મેશન અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, દેશની વિકાસયાત્રાનો આજે સીમાચિહ્નરૂપ દિવસ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દરેક ક્ષેત્રોમાં સર્વોચ્ચ વિકાસ કરી રહ્યા છે અને આજે આપણે સૌ તેનું પરિણામ જોઈ રહ્યા છીએ. વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશ સૌથી મોટા અર્થતંત્રમાં દસમા સ્થાનેથી પાંચમા ક્રમે આવી ગયો છે અને વિશ્વની ટોપ ૩ સર્વોચ્ચ ઇકોનોમીમાં સ્થાન મેળવવાના લક્ષ્યાંક સાથે હાલ મક્કમતાથી ભારત આગળ વધી રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને મધર ઇન્ડસ્ટ્રી માનવામાં આવે છે. કેમ કે, નાનામાં નાના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી માંડીને મોટામાં મોટા એરો પ્લેન સુધીના ઉત્પાદનમાં સેમિકન્ડક્ટરની આવશ્યકતા છે. તમામ ઉત્પાદનોમાં જરૂરી એવા સેમિકન્ડક્ટર ભારતમાં જ સરળતાથી ઉપલબ્ધ બને તે માટેના સફળ પ્રયત્નો થઈ રહ્યા છે. એ ટુ ઝેડ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઉપલબ્ધ કરાવવાના લક્ષ્યાંક સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન” શરૂ કર્યું છે. ‘સેમિકોન ઇન્ડિયા -2023’ ભારતને ચિપ્સ- ટેકનોલોજી ક્ષેત્રે વધુને વધુ આત્મનિર્ભર બનાવશે. આજે સ્ટીલ, કેમિકલ્સ, ટેકસટાઇલ, શિક્ષણ સહિત તમામ સેક્ટરમાં ચિપ્સ પાયાની જરૂરિયાત છે. વિમાન, કાર, મોબાઈલ, ઘરમાં વપરાતા ફ્રીઝ, કૃષિ માટે ઉપયોગી ટ્રેક્ટર સહિત તમામ સાધનોમાં ચિપ્સ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે, ત્યારે વડાપ્રધાન મોદીના વિઝનમાં ભારત ચિપ્સ ઉત્પાદનનું સૌથી મોટું હબ બનવા આગળ વધી રહ્યું છે.     

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ત્રણ મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા હતા. અમેરિકા અને જાપાને ભારત સાથે સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન ભાગીદારી માટે MoC (મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન) પર હસ્તાક્ષર કર્યાં છે. તેમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્લાન્ટ માટે માઇક્રોન, એપ્લાઇડ મટીરીયલ અને ૬૦ હજારથી વધુ તાલીમબદ્ધ નિષ્ણાતો ઉપલબ્ધ થાય તે માટે લેમ રિસર્ચ સાથે એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. દેશની શ્રેષ્ઠ નીતિ અને તેના અમલીકરણની સરળ પદ્ધતિને પરિણામે વધુને વધુ કંપનીઓ ભારતમાં રોકાણ માટે રસ દાખવી રહી છે. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સમગ્ર દેશમાં ચિપ્સ ઉત્પાદન ક્ષેત્રે પહેલ કરી છે તે પ્રશંસનીય છે. ગુજરાત સરકારની વ્યાપાર અનુકુળ નીતિને પરિણામે ગુજરાત ચિપ્સ ઉત્પાદનનું હબ બનશે.

આ સમારોહમાં એડવાન્સ માઈક્રો ડીવાઇસીસ કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ ટેક્નોલોજી ઓફિસર શ્રી માર્ક પેપરમાસ્ટર, સેમિકંડક્ટર પ્રોડક્ટ્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પ્રભુ રાજા, વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ, માઈક્રોન ટેકનોલોજીના પ્રેસિડેન્ટ અને સીઈઓ સંજય મેહરોત્રા, ફોક્સકોનના ચેરમેન યંગ લિયુ, સેમિકન્ડકટર ઇક્વીક્મેન્ટ એન્ડ મટીરીયલ્સ ઇન્ટરનેશનલ (SEMI) ના પ્રેસિડેન્ટ અને સીઈઓ અજીત મનોચા તેમજ કેડેન્સ કંપનીના પ્રેસિડેન્ટ અનિરુદ્ધ દેવગણે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.

આ કાર્યક્રમ દરમિયાન રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન, કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓ, સેમિકંડક્ટર ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સહિત યુવા ઉદ્યમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવસારીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના 153 રસ્તાઓ અને સ્ટેટ હાઇવેના 2 માર્ગો બંધ
Next articleવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદ એરપોર્ટ પરથી અપાઈ ભાવસભર વિદાય