Home ગુજરાત આઝમખાનના નામે વણઝારાને ડરાવી રહેલુ ભાજપ ક્યા મુદ્દે વણઝારાથી ડરે છે…?

આઝમખાનના નામે વણઝારાને ડરાવી રહેલુ ભાજપ ક્યા મુદ્દે વણઝારાથી ડરે છે…?

750
0

(જી.એન.એસ.,પ્રશાંત દયાળ) તા. 6
સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં સાક્ષી તરીકે જુબાની આપવા આવેલા રાજસ્થાનના ગેંગસ્ટર અને સોહરાબુદ્દીન તથા તુલસી પ્રજાપતિના સાથી આઝમખાને પોતાની જુબાની દરમિયાન હરેન પંડ્યા કેસનો ઉલ્લેખ કરી હરેનની હત્યા ડી. જી. વણઝારાએ કરી હોવાની ઘટસ્ફોટ કર્યો હતો. જો કે સોહરાબુદ્દીન કેસ અને હરેન પંડ્યા કેસને હાલમાં કોઈ સીધો સંબંધ નહીં હોવા છતાં અચાનક બનેલી ઘટના સામાન્ય નથી. બીજી તરફ આ મામલે પોતાનો બચાવ કરતા ડી. જી. વણઝારાએ કહ્યુ ગુજરાત પોલીસની ખટપટને કારણે આઝમે આ પ્રકારનું નિવેદન કર્યુ છે. આઝમનું નિવેદન પણ સત્યની નજીક હોવા છતાં હાલમાં તે મુદ્દે કાયદાકીય રીતે કંઈ થાય તેમ નથી. બીજી તરફ આઝમ દ્વારા કરવામાં આવેલુ નિવેદન માત્ર ડી. જી. વણઝારાને ભીંસમાં લેવાનો પ્રયાસ છે, પણ સમય જતા  આ વાત આગળ વધે તે વણઝારાને ફસાવવા માટે પાથરવામાં આવેલી જાળીમાં બીજા અનેકના પગ ફસાઈ શકે તેમ છે.
મુંબઈની સીબીઆઈ કોર્ટમાં જજ સહિત સીબીઆઈના અધિકારીઓ અને વકીલો નક્કી કરેલી સ્ક્રીપ્ટ પ્રમાણે બોલી રહ્યા હોય તેવી ચર્ચા છે. આ કેસના મોટા માથા બહાર  નિકળી ગયા છે અને મોટા ભાગના સાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થયા છે. જેને ધ્યાનમાં લેતા હરેન પંડ્યા કેસની જેમ સોહરાબુદ્દીન અને તુલસીને કોણે અને શું કામ માર્યા તે કાયમ  માટે રહસ્ય બની જશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સીબીઆઈના જજએ ઘણા સાક્ષીઓને કેસની બહારની વાત કરતા રોક્યા હતા. પરંતુ આઝમખાને જ્યારે હરેન પંડ્યા કેસનો ઉલ્લેખ કર્યો ત્યારે જજ દ્વારા તેને અટકાવવામાં આવ્યો નહીં, જે બહુ વિચિત્ર બાબત છે.
આઝમખાને સીબીઆઈ સામે કુલ પાંચ નિવેદન કર્યા તેમા તેણે ક્યાંય હરેન પંડ્યા હત્યા કેસનો ઉલ્લેખ કર્યો ન્હોતો. તેણે પોતાના સાક્ષી નિવેદનમાં તો અભય ચુડાસમા અને રાજકુમાર પાંડીયન સહિતના અધિકારીઓના નામ આપ્યા હતા. પણ કોર્ટમાં આઝમ તે મુદ્દે કંઈ બોલતો નથી. તેનાથી વિપરીત તે નિવેદન આપે છે. આ વખતે કોર્ટમાં રહેલા સીબીઆઈના વકીલ દ્વારા તેને અટકાવી અગાઉના નિવેદન ઉપર પુછવુ જોઈતુ હતું પણ સીબીઆઈના વકીલ તેવું કરવાને બદલે શાંત રહે છે. આઝમ ખાને પોતાના નિવેદન કરતા વિપરીત જુબાની આપી હતી જેના કારણે સીબીઆઈએ તેને હોસ્ટાઈલ જાહેર કરવો જોઈતો હતો પણ તેવુ પણ થયુ નહીં અને આઝમ જે કંઈ બોલતો ગયો કોર્ટ તેને નોંધતી ગઈ હતી.
હવે આ ઘટનાને સમજવા માટે વણઝારાએ જે આરોપ મુક્યો કે ગુજરાત પોલીસની આંતરિક ખટપટ કારણભુત છે તો તે સમજવી પડશે. 2001 પહેલા ગુજરાતમાં જે પણ રાજ્ય સરકારો આવી તે પોતાના માનીતા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને સારી જગ્યાઓ ઉપર ગોઠવતી રહી. જે પસંદ ન્હોતા તેમને નોનએક્ઝિટ્યુટિવ જગ્યા ઉપર મુકી દેવામાં આવતા હતા. આ સરકારી અધિકારીઓ માટે સહજ ઘટના છે. પરંતુ 2002 પછીનો ઘટનાક્રમ બદલાયો, જે સનદી અને પોલીસ અધિકારીઓ પસંદ હતા તેમને સારી જગ્યાઓ તો મળી પણ જે પસંદ ન્હોતો તેવા અધિકારીઓને સાઈડ પોસ્ટીંગ આપવાની સાથે તેમની સામે જુના કેસો શોધી નવા કેસો ઉભા કરી તેમને પરેશાન કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
2002 પછી ગમતા પોલીસ અધિકારીઓમાં અનેક નામોનો સમાવેશ થયો, ઘણા તેમાંથી હવે નિવૃત્ત પણ થઈ ગયા, પણ તેઓ સરકારની ખાસ્સા નજીક હતા તેવા પોલીસ અધિકારીઓમાં અભય ચુડાસમા, રાજકુમાર પાંડિયન અને ડી. જી. વણઝારાનો સમાવેશ થાય છે. આ ત્રણે પોલીસ અધિકારીઓમાં વણઝારા સિનિયર હતા. આ ઉપરાંત પણ જે અન્ય અધિકારીઓ છે તે હાલમાં પણ સારી જગ્યા પર છે. પણ જે પસંદ ન્હોતા અથવા જેઓ આજ્ઞાકિત ન્હોતા તેવા અધિકારીઓ સતીષ વર્મા, રાહુલ શર્મા, કુલદિપ શર્મા અને રજનીશ રાય જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે આ તમામ અધિકારીઓને સાઈડ પોસ્ટીંગ આપ્યા પછી તેમને પરેશાન કરવામાં કોઈ કસર છોડી નહીં. જેઓ પરેશાન થાય તે અધિકારીઓ માનવા લાગ્યા કે સરકારની ગુડબુકમાં રહેવા માટે તેમના સાથી અધિકારીઓ જે સરકારની નજીક હતા તેઓ નિમિત્ત બની રહ્યા છે.
જ્યારે ગુજરાતના એન્કાઉન્ટર કેસ બહાર આવ્યા ત્યારે પરેશાન થનાર અધિકારીઓએ પોતાની તમામ યથાશક્તિ મહેનત અને ફાળો આપ્યો. જેના કારણે બીજા રાજ્યની સરખામણીમાં ગુજરાતના બનાવટી એન્કાઉન્ટર ઓછા હોવા છતાં દેશભરમાં ગુજરાતની જ ચર્ચા થઈ. પરેશાન થનાર અધિકારીઓ સામે પક્ષે રહેલા અધિકારીઓ કઈ રીતે જેલના સળીયા પાછળ જાય તેવા પ્રયત્નમાં હતા. આમ ગુજરાતના પોલીસ અધિકારીઓ બે છાવણીમાં વહેચાઈ ગયા. પરંતુ જેઓ સરકારની નજીક હતા તેવા અધિકારીઓમાં પણ સરકારની વધુ નજીક કોણ તેમાં હરીફાઈ શરૂ થઈ. જેમાં બે પાત્રો મુખ્ય હતા. અભય ચુડાસમા પોતાના સિનિયર વણઝારાને માત આપવા માગતા હતા. વણઝારા પણ પોલીસમાં હોવા છતાં રાજકારણના પાક્કા ખેલાડી હતા. આમ ચુડાસમા અને વણઝારા વચ્ચે છેલ્લાં કેટલાય વર્ષોથી ચેસની રમતમાં ચેકમેટ થાય તેવુ થતુ રહ્યુ.
ડી. જી. વણઝારા આશારામના ભક્ત છે તે વાત જાહેર છે. 2013માં ભાજપ પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા માગતુ હતું. નરેન્દ્ર મોદીના નામ સામે ભાજપની રાષ્ટ્રીય કારોબારી ચોકડી મારે તેવો પ્લાન  નક્કી થયો કહેવાય છે. આ પ્લાનના આર્કિટેક લાલકૃષ્ણ અડવાણી હતા. અડવાણીની મદદમાં આશારામ આવ્યા. નક્કી થયા પ્રમાણે આશારામના ભક્ત વણઝારાએ જેલમાં બેઠા બેઠા એક પત્ર લખ્યો અને તેમાં તેમણે એન્કાઉટર માટે મોદી અને અમિત શાહને જવાબદાર ગણાવ્યા, પણ પ્લાન સફળ થયો નહીં. મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થયા અને આશારામ જેલમાં ગયા. વણઝારા આ ઘટના પછી સરકારની યાદીમાંથી બાકાત થઈ ગયા. બધા જ જ્યારે મુંબઈ કોર્ટમાંથી છુટી રહ્યા હતા ત્યારે વણઝારાને પણ તેમાંથી બહાર કાઢવા જરૂરી હતા, તે સોહરાબુદ્દીન કેસમાં નિકળી ગયા.
પરંતુ અમદાવાદમાં ચાલી રહેલા ઈશરત અને સાદીકના કેસમાં તેમની ઉપર લટકતી તલવાર રાખવામાં આવી છે. વણઝારા હાલમાં કંઈક એવુ કરી રહ્યા છે જે ભાજપ સરકારની મુશ્કેલી કોઈ રીતે વધારી શકે છે. વણઝારાને પોતાની મર્યાદા બતાડવા માટે મુંબઈ કોર્ટમાં આઝમખાને એક સેમ્પલ આપ્યુ છે જે ખુદ વણઝારા પણ શાનમાં સમજી ગયા છે. જો કે વણઝારાને ડરાવી રહેલુ ભાજપ ક્યા મુદ્દે વણઝારાથી ડરે છે તે હજી સ્પષ્ટ થયુ નથી. વણઝારાએ કહ્યુ કે આંતરિક ખટપટ છે તેમા જાણવા પ્રમાણે એક નવી ધરી તૈયાર થઈ છે. જેમા ગુજરાતના આઈપીએસ અભય ચુડાસમા, રાજકુમાર પાંડિયન અને રાજસ્થાનના આઈપીએસ દિનેશ એમએન છે. વણઝારા તેમને ક્યાંક નડી ગયા અથવા નડવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેના કારણે સીબીઆઈએ જે કેસ ઠંડા પીપડામાં નાખી દિધો તે હરેન પંડ્યા કેસ આઝમના નામે ખુલી પણ શકે છે તેવી ચીમકી મળી છે.
સાપ સીડી જેવી રમત રમી રહેલા આ અધિકારીઓ હાલમાં માને છે કે રમત તેમની ઈચ્છા પ્રમાણે ચાલી રહી છે, પણ રમત  રમત જ હોય છે ક્યારે કોણ સાપના મોંઢામાં આવી જશે તે કહેવુ મુશ્કેલ હોય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહરેન હત્યા કેસઃ અસગરઅલી બાદ આઝમખાન, સીબીઆઇની તટસ્થતા શંકાના ઘેરામાં..?
Next articleશંકર ચૌધરીની તાનાશાહીથી બનાસકાંઠા ત્રસ્ત છતાં રૂપાણીનું મૌન કેમ….!?