Home ગુજરાત આજે આખું વિશ્વ આત્મનિર્ભર ભારત ભણી મીટ માંડીને બેઠું છે : રાજ્યપાલ...

આજે આખું વિશ્વ આત્મનિર્ભર ભારત ભણી મીટ માંડીને બેઠું છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

15
0

——————–

વિકસિત ભારત સંકલ્પયાત્રામાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે ગાંધીનગરના માણસાના પુંધરા ગામે જોડાયા :  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી જોડાયા : લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

——————

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, સાંસદ, ધારાસભ્ય અને આગેવાનોએ પુંધરામાં મંદિર પરિસરમાં સફાઈ કરી

—————-

(જી.એન.એસ),તા.૦૮

ગુજરાતમાં ગામેગામ પહોંચી રહેલી વિકસિત ભારત સંકલ્પયાત્રામાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પુંધરા ગામે જોડાયા હતા. પ્રવેશદ્વારે જ મંદિર પરિસરમાં તેમણે ગ્રામ સફાઈ કરી હતી. ૫૦ દિવસથી વધુ સમયથી ભારતભરમાં યોજાઇ રહેલી વિકસિત ભારત સંકલ્પયાત્રામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કર્યું હતું.  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, આજે ભારત પોતાની વિરાસત, સંસ્કૃતિ, જીવનશૈલી, રહેણી-કરણી, ભાષા અને ખાન-પાન પર ગર્વ લઈ શકે એવા દિવસો આવ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર થઈ રહેલા ભારત ભણી આજે આખું વિશ્વ મીટ માંડીને બેઠું છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતની પ્રતિબદ્ધતા સાથે ભારત પોતાની પ્રગતિ પર ગૌરવની અનુભૂતિ કરી રહ્યું છે.

ભારત સર્વાંગી પ્રગતિ કરી રહ્યું છે. તમામ ઘરોમાં નળથી જળ પહોંચી રહ્યું છે. બહેનો રાંધણ ગેસ પર રસોઇ કરી રહી છે. સૌને રહેવા માટે ઘર મળી રહ્યાં છે. ખેતરોમાં સિંચાઈના પાણી પહોંચી રહ્યાં છે. તમામ ગામો પાકા માર્ગોથી જોડાયા છે. રોજગારીની વિપુલ તકો સર્જાઈ છે. નર્મદાના નીર ઘેર-ઘેર પહોંચ્યા છે. સુરક્ષાના શસ્ત્રો આયાત કરવા પડતા હતા તેને બદલે ગુજરાતના વડોદરામાં ઉત્પાદન થઈ રહ્યું છે, એટલું જ નહીં આપણે નિકાસ પણ કરી રહ્યા છીએ. ગુજરાતના અને ભારતના રેલ્વે સ્ટેશનનોની કાયાપલટ થઈ ગઈ છે. દર ૨૦ દિવસે એક નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન લૉન્ચ થઈ રહી છે. ગુજરાત અને ભારત સરકારની ૭૦ જેટલી લોકકલ્યાણની યોજનાઓના લાભો વિકસિત ભારત સંકલ્પયાત્રાના માધ્યમથી લાભાર્થીઓના ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે. આ કંઈ નાની સુની ઉપલબ્ધિ નથી, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતે જેવા રામરાજ્યની કલ્પના કરી હતી, એવું જ રામરાજ્ય સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે તમામ નાગરિકોએ પણ પોતાનો કર્તવ્યધર્મ નિભાવવો જોઈએ. દેશની પ્રગતિમાં પોતાનો શક્ય તમામ સહયોગ આપવો જોઈએ. પોતાની ઉન્નતિની સાથોસાથ રાષ્ટ્રની-સમાજની ઉન્નતિ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો શક્ય તમામ લોકો સુધી પહોંચાડવા તેમણે સૌને આહ્વાન કર્યું હતું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

રાજ્યપાલશ્રી, મહાનુભાવો અને ગ્રામજનોનું શાબ્દિક સ્વાગત કરીને પ્રસંગોચિત સંબોધન કરતાં  માણસાના ધારાસભ્ય શ્રી જે. એસ. પટેલે જણાવ્યું હતું કે,આઝાદીના ૧૦૦ વર્ષ બાદ વર્ષ – ૨૦૪૭માં ભારત સમગ્ર વિશ્વમાં ઝળહળે અને આવનારી પેઢીને વિકસિત રાષ્ટ્ર આપી શકીએ તેવો સંકલ્પ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. આ પ્રસંગે તેમણે માણસા વિસ્તારમાં મંજૂર થયેલ નવીન અત્યાધુનિક હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, પાણી માટે અંબોડ પાસે બેરેજ, નવી રેલ્વે લાઇન, સ્પોર્ટ્સ સંકુલ, ચારમાર્ગીય રોડ સહિતના વિકાસ કામો માટે પ્રધાનમંત્રીશ્રી અને ગૃહ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પટેલ રમણભાઈ નાથાભાઈએ પ્રાકૃતિક ખેતીની માહિતી આપી વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અપીલ કરી હતી. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ લઇને સર્જરી કરાવનાર શ્રી રણજીતસિંહ ઉદેસિંહ રાઠોડે સ્વમુખે યોજનાની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં આયુષ્યમાન કાર્ડ સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોને હસ્તે લાભાન્વિત કરાયા હતા. આ પ્રસંગે ઓન ધ સ્પોટ કવિઝના વિજેતા વિદ્યાર્થીઓ અને રમતગમતમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર દીકરીઓનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગામના ત્રણ સખી મંડળને કુલ રૂપિયા ૧૪ લાખના ચેક રાજ્યપાલશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રીના હસ્તે પુંધરા ગ્રામ પંચાયતને ‘હર ઘર જલ’ માટે અને ૧૦૦ ટકા ઓડીએફ માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ ૧૭ કલ્યાણકારી યોજનાઓના સ્ટોલનું નિદર્શન કર્યું હતું.

આ પ્રસંગે મહેસાણાના સાસંદ  શારદાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયા,

માણસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રિયંકાબેન પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જીજ્ઞાસાબેન વેગડા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલ પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleVGGS-2024 અંતર્ગત ગાંધીનગર : મહાત્મા મંદિર અને હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ  સમિટ અને ટ્રેડ શો ની આખરી તૈયારીઓની સ્થળ પર સમીક્ષા કરતાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
Next articleવાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૨૪નો શુભારંભ