Home ગુજરાત ખાનગી સ્કૂલમાં એડમિશન ફૂલ છતાં પ્રવેશોત્સવ ઉજવશે મુખ્યમંત્રી…!!?

ખાનગી સ્કૂલમાં એડમિશન ફૂલ છતાં પ્રવેશોત્સવ ઉજવશે મુખ્યમંત્રી…!!?

821
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા. 21
ગુજરાતમાં રૂપાણી સરકારે પ્રવેશોત્સવને તૂત બનાવી દીધો હોવાનું બહાર આવ્યું છે. જેમાં આવતીકાલથી શહેરી વિસ્તારનો શાળા પ્રવેશોત્સવ શરૂ થઇ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મુખ્ય સચિવ પ્રવેશોત્સવ માટે સરકારી શાળાના બદલે ગાંધીનગર શહેરની ગ્રાન્ટેડ ખાનગી શાળામાં જશે. આવતીકાલથી શરૂ થતાં બે દિવસના શાળા પ્રવેશોત્સવમાં મહત્વની બાબત એ છે કે, ગાંધીનગરની જે શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે પડાપડી થાય છે અને ત્યાં પ્રવેશ બંધ થઇ ગયો છે તેવી શાળાઓમાં મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ પ્રવેશોત્સવની ઉજવણી કરવાના છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર કડી સર્વ વિદ્યાલય તથા મુખ્ય સચિવ ગાંધીનગરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં પ્રવેશોત્સવ કરવા જશે. ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યભરની શાળાઓમાં ખાસ કરીને સરકારી શાળાઓમાં બાળકો પ્રવેશ મેળવે તે માટે પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. જે બાળકો શાળાએ નથી જતાં તેમને શાળા સુધી લાવવા અને તેમને પ્રવેશ અપાવવા માટેનો સમગ્ર કાર્યક્રમ રહ્યો છે, ત્યારે ગુજરાતની ગ્રાન્ટેડ ખાનગી શાળાઓમાં પ્રવેશોત્સવ કરીને સરકારી શાળાની અવગણના કરતી હોવાનું બહાર આવ્યું છે.
શાળા પ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ શહેરી અને ગ્રામીણ બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને તેઓ શિક્ષણ મેળવે તે માટેનો છે. પરંતુ આવતીકાલથી શરૂ થતાં શહેરી વિસ્તારના પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી અને મુખ્ય સચિવની પ્રવેશોત્સવની શાળા જોતા એવું લાગે છે કે, આ પ્રવેશોત્સવ માત્ર તૂત પુરવાર થઇ જશે. ખાસ કરીને સરકારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માત્ર જિલ્લા પ્રમાણે જાહેર કર્યો છે, પરંતુ કયા મંત્રી, કયા જિલ્લાની કઈ શાળામાં જશે? તેવું કંઈ જ જાહેર કર્યું નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કડી સર્વ વિદ્યાલયમાં જશે. આ પૂર્વે પત્રકારો દ્વારા બાળકના એડમિશન સંદર્ભે સંપર્ક કરવામાં આવ્યો હતો. ધોરણ-1માં એડમિશન બાબતે શાળા તરફથી જવાબ મળ્યો હતો કે, હાલ ધોરણ-1માં પ્રવેશ માટે બેઠક ખાલી નથી. બેઠક ખાલી પડે તો જ તમને એડમિશન મળી શકશે. આ પ્રમાણે રાજ્યના મુખ્ય સચિવ જે શાળામાં પ્રવેશોત્સવ માટે જવાના છે તે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો સંપર્ક કરતાં તેમણે પણ પ્રવેશ ફૂલ હોવાનું કહ્યું હતું અને જો બેઠક ખાલી પડે તો તમારા બાળકને પ્રવેશ મળી શકશે તેમ જણાવ્યું હતું. પરંતુ પ્રવેશ મળશે તે ચોક્કસ નથી તેવું સ્પષ્ટ કહ્યું હતું. આમ જે શાળાઓમાં પ્રવેશ ફુલ છે અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે વધારાની જગ્યા નથી તેવી શાળાઓમાં જઇને મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ કેવા બાળકોને પ્રવેશ અપાવશે તે પણ એક પ્રશ્નાર્થ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયોગા અને ફીટનેસ ચેલેન્જ સારી વાત છે પણ કૂપોષણની સમસ્યાનું શું…?
Next articleકોંગ્રેસનો બાવળીયાનો કાંટો નીકળી ગયો, ભાજપમાં ઉછીના દિવેલે અખંડ દીવો