Home જનક પુરોહિત કોંગ્રેસનો બાવળીયાનો કાંટો નીકળી ગયો, ભાજપમાં ઉછીના દિવેલે અખંડ દીવો

કોંગ્રેસનો બાવળીયાનો કાંટો નીકળી ગયો, ભાજપમાં ઉછીના દિવેલે અખંડ દીવો

749
0

કોંગ્રેસના કોળી જ્ઞાતિના આગેવાન કુંવરજી બાવળીયા આખરે ભાજપમાં જોડાઈ ગયા અને મીનીસ્ટર પણ બની ગયા. કોંગ્રેસના એક આગેવાને તત્કાળ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે “ આખરે કોંગ્રેસને ચુભતો બાવળીયાનો કાંટો નીકળી ગયો.” આ મિત્ર ની વાતમાં તથ્ય છે. બાવળીયા જ્ઞાતિવાદી રાજકારણનો ભરપુર ફાયદો ઉઠાવતા હતા. કોંગ્રેસમાં પોતાનું ધાર્યું જ કરાવવાની માનસિકતા થી વારંવાર રિસાઈ જતાં હતા. અને ધાર્યું કરાવતા હતા. તેમની આ પીડા આપવાની પધ્ધતિથી કોંગ્રેસના નેતાઓ ત્રાસી ગયા હતા. છેલ્લા ૧૦ વર્ષમાં તેમણે રાજકોટ જીલ્લો – શહેર , બોટાદ , ચોટીલા તમામ વિસ્તારોમાં પોતાની જીદ થી ટિકીટો મેળવી કોંગ્રેસને નુકસાન કર્યું હતું. પદ અને સભ્ય પદ માં પોતાના જ માણસો ને આગળ કરવાની માનસિકતા થી અન્ય સમાજ દુઃખી હતો. કોંગ્રેસના મજબુત નેતા ઇન્દ્રનીલ રાજગુરુ એ તાજેતરમાં જ બાવળીયાના કારણેજ રાજીનામું આપ્યું હતું. પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલે રાજ્યસભાની ચુંટણી વખતે પક્ષ પલટો કર્યો તેમાં પણ બાવળીયા નો ત્રાસ જ મુખ્ય હતો. કુંવરજી બાવળીયાએ ભોળાભાઈ ને ધમકી જ આપી હતી કે તારે હવે ટિકિટ માંગવાની જ નથી મારે જસદણ બેઠક લડવાની છે. પક્ષમાં બાવળિયા પાસે ભોળાભાઈ નું કશું ચાલે તેમ ન હતું. માટે તેમણે ક્રોસ વોટીંગ કરીને પક્ષ છોડ્યો અને જેવાં બાવળીયા ભાજપમાં ગયા કે તરત જ ભોળાભાઈ કોંગ્રેસમાં પરત આવી ગયા.
બાવળીયાએ કોંગ્રેસ છોડી તેનાથી કોંગ્રેસને કદાચ ટૂંકા સમય માટે નુકસાન હોઈ શકે. પરંતુ આખરે ફાયદો જ છે. સૌરાષ્ટ્રમાં જ્ઞાતિ આધારિત નેતા પછી તે કોળી સમાજ ના હોય કે આહીર સમાજના પક્ષમાં પોતાની મનમાની તો કરાવે જ છે, પરંતુ અન્ય કોઈને નેતા તરીકે ઉભરવા પણ દેતા નથી. બાવળીયાના જવાથી કોંગ્રેસને વિકલ્પ મળશે.
કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા નથી. ભાજપે બાવળીયાને કોંગ્રેસ છોડાવી છે. ભાજપની એક ખાસિયત રહી છે કે તેઓ હંમેશા ઉછીના દીવેલથી અખંડ દીવો બાળે છે. સત્તા કાયમ રાખવા માટે કોંગ્રેસના નેતાઓને ઉછીના લઈને જીતનો જશન મનાવે છે. વર્તમાન ૨૬ સાંસદો પૈકી ૭ સાંસદો તો કોંગ્રેસમાંથી ઉછીના લીધેલાં છે. ૫૦ ટકા થી વધુ ધારાસભ્યો કોંગ્રેસમાંથી આવેલા છે. ૨૦૧૯ માં ભાજપને સૌરાષ્ટ્રમાં જીત માટે કોળી સમાજના નેતા બાવળીયાની જરૂર હતી. અને ભાજપ ને જે જોઈએ તે મેળવી ને જ રહે છે. કારણ કે તેમાંની પાસે સત્તાનું અને સંપત્તિનું બહુ અસરકારક હથિયાર છે. જેથી બાવળીયાનું ઓપરેશન હાથ ધરાતા બાવળીયા પાસે હા પાડવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો. અને માટે જ બે માસ થી પક્ષમાં નારાજગી શરુ કરી હતી. એક મિત્ર એ ઉદાહરણ આપ્યું કે કોઈ પુરુષને લગ્નેતર સબંધ શરુ થાય એટલે પત્નીના વાંક કાઢવા લાગે , નાનો જઘડો વધીને મોટો થાય અને આખરે છુટાછેડા સુધી વાત પહોંચે. આ બાવળીયાના ભાજપ સાથેના લગ્નેતર સબંધના કારણે કોંગ્રેસમાં જઘડો શરુ થયો હતો. જે છૂટાછેડા માં પરિણમ્યો.
ભાજપને ૨૦૧૯ ના અખંડ દીવા માટે હજુ વધુ દીવેલની જરૂર છે. આગામી દિવસોમાં વધુ ઉછીના દીવેલના સમાચારો બ્રેકીંગ ન્યુઝમાં જોવા – સાંભળવા અને વાંચવા મળશે. પાંચ થી વધુ આગેવાનોના ઓપરેશનો ચાલી રહ્યા છે. દીવેલ ચોખ્ખું છે કે કાળું કદડા જેવું એ કશું જ જોવાનું નથી. માત્ર ( સત્તાનો ) દીવો અખંડ રહેવો જોઈએ. આ ભાજપની માનસિકતા છે.
પ્રજાને ગેરમાર્ગે દોરતા હવામાન વિભાગ પર પ્રતિબંધ લાદો
છેલ્લા ૨૦ દિવસથી ગુજરાત સરકારનું હવામાન ખાતું ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. દોઢ ડાહ્યો વિચારે છે કે મુખ્યમંત્રીને એક પત્ર લખીને માંગણી કરું કે સરકાર વહેલી તકે આ હવામાન વિભાગને બંધ કરી દે. જો કોઈની રોજી રોટી છીનવી લેવી ન હોય તો આપણા બબ્બે મુખ્યમંત્રીઓ એક આદેશ જાહેર કરે કે હવેથી હવામાન વિભાગ દ્વારા એક પણ આગાહી કરવામાં નહિ આવે.
છેલ્લા ૨૦ દિવસથી વાદળો અને સૂર્યનો પ્રકોપ જોઇને જ જાણે આગાહી થતી હોય એવું લાગે છે. ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદ નહિ આવે એવું કહીને પ્રજા તેના કામોના આયોજન શરુ કરે અને બીજા જ દિવસે વરસાદ તૂટી પડે છે. વરસાદ આવતા જ હવામાન વિભાગ ‘ આગામી ૨૪ – ૩૬ કલ્લાક ભારે થી અતિભારે વરસાદની આગાહી કરે છે. અને આકાશ ચોખ્ખું થઇ જાય છે. આમ પ્રજાને ગેરમાર્ગે દોરતા હવામાન વિભાગ સામે કોઈ પગલા તો લેવા જ જોઈએ.
ભાજપના એક ધારાસભ્ય અમેરિકાનો પ્રવાસ કરીને આવ્યા. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આપણે સરકારના હવામાન વિભાગ કરતા આપણા અંબાલાલ પટેલ ઉપર વધુ ભરોસો રાખવો પડે છે. જયારે અમેરિકામાં આપણી વર્ષની જાહેર રાજાની યાદી માફક હવામાનની વાર્ષિક ચેતવણી જાહેર થાય છે. બપોરે ૩ – ૨૩ કલાકે હળવા શાવર ( ઝાપટા ) ની આગાહી હોય તો લોકો ૩ – ૨૨ કલાકે પોતાની છત્રી ખોલી જ નાખે છે. ક્યારે ક્યાં કેટલી હિમ વર્ષા , પુર વગેરે ની સચોટ આગાહીના કારણે ત્યાં જાનહાનિ થતી બચી જાય છે. કારણ કે લોકો ચેતવણી ને અનુસરે છે. જયારે આપણે ત્યાં ચેતવણી કરતા વિપરીત પરિણામ જ જોવા મળે છે. ભૂતકાળમાં ઓરિસા સરકારે સચોટ આગાહી દ્વારા અતિભારે વાવાઝોડા સામે પગલા લઈને જાનમાલનું રક્ષણ કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ હવામાનની વર્તારાની વાર્તા ઓ બંધ કરાવે તો પણ ગુજરાતની સેવા કરી ગણાશે.

Previous articleખાનગી સ્કૂલમાં એડમિશન ફૂલ છતાં પ્રવેશોત્સવ ઉજવશે મુખ્યમંત્રી…!!?
Next articleકેજરીવાલની જીત છતાં ઓફિસરોના ટ્રાન્સફર-પોસ્ટિંગને લઈ વિવાદ યથાવત્