(જી.એન.એસ) તા. ૨
જુનાગઢ,
સામાન્ય રીતે જંગલનો રાજા સિંહ સામે આવે એટલે કોઈ પણ પશુ કે માનવીનો શ્વાસ અધ્ધર થઈ જાય છે પરંતુ જુનાગઢના પ્લાસવા ગામમાં એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી જેમાં, પ્લાસવા ગામમાં સિંહના શિકારનો ઈરાદો નિષ્ફળ ગયો હતો.
રાતના સમયે અંધારામાં એક સિંહ શિકાર કરવાની દાનતથી ગામમાં ઘૂસ્યો હતો અને ત્યાં એક આખલા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડરી જવાને બદલે આ આખલાએ પોતાની બહાદુરી અને સ્વબચાવનો અનોખો પરિચય આપ્યો હતો. આખલાએ આક્રમક થઈને પોતાના ધારદાર શિંગડા બતાવી સિંહનો સીધો સામનો કર્યો હતો.
આખલાનો આ રૌદ્ર રૂપ અને હિંમત જોઈને શિકાર કરવા આવેલો સિંહ પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો હતો. આખલાના વળતા પ્રહાર સામે જંગલના રાજાને પણ પીછેહઠ કરવાની ફરજ પડી હતી અને આખરે સિંહે ત્યાંથી ભાગી જવામાં જ પોતાની ભલાઈ માની હતી.
‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ ની કહેવતને સાચી ઠેરવતી આ સિંહ અને ઢોરની ટક્કરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સિંહ જેવા હિંસક પશુને ભગાડનારી આ ગાયની સાહસિકતા જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વીડિયોને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.

