રોડ સસ્ટેનેબિલિટી-બ્રીજ પ્રોજેક્ટ પ્લાનિંગ-બિલ્ડીંગ પ્રોજેક્ટ મોનિટરિંગ-હ્યુમન રિસોર્સિસ-ઇન્સ્ટિટ્યૂશનલ ડેવલોપમેન્ટ અને ફ્યુચર રેડી ગવર્નન્સના વિષયો પર ફોકસ રહેશે
(જી.એન.એસ) તા. ૫
ગાંધીનગર,
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગની વિભાગવ્યાપી પ્રથમ ચિંતન શિબિર-2026 આગામી 8 અને 9 ઓક્ટોબરે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી આ દ્વિદિવસીય શિબિરનું આયોજન માર્ગ મકાન સચિવ શ્રી પ્રભાત પટેલિયાના માર્ગદર્શનમાં થઈ રહ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ આ ચિંતન શિબિરના પ્રથમ દિવસે વિશેષ ઉપસ્થિત રહેવાના છે.
ગતિ, ગુણવત્તા અને ગૌરવ સાથે વિકસિત ગુજરાત 2047 માટે માળખાકીય સુવિધાઓને વેગ એ વિષય વસ્તુ સાથે યોજાનારી આ ચિંતન શિબિરમાં માર્ગ મકાન વિભાગની કામગીરી, વર્તમાન પડકારો અને ભવિષ્યની દિશા અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ સામૂહિક રીતે હાથ ધરવામાં આવશે.
માર્ગ મકાન વિભાગે પાયાથી ટોચ સુધીનો અભિગમ અપનાવીને વિભાગ કક્ષા તેમજ સર્કલ લેવલની અગાઉ યોજેલી ચિંતન શિબિરોમાં વર્ક આસિસ્ટન્ટથી લઈને ચીફ ઇજનેર સુધીના અધિકારીઓ સક્રિય પણે સહભાગી થયા હતા. આવી શિબીરોમાં પાયાના કર્મયોગીઓના પ્રશ્નો-સૂચનો સાંભળીને તેના હકારાત્મક અને અસરકારક સ્વરૂપે વિચાર-વિમર્શ થયા હતા.
આ સુઝાવોને આધારે હવે આગામી 8 અને 9 ઓક્ટોબરે યોજાનારી વિભાગીય ચિંતન શિબિરમાં ચર્ચા વિચારણા કરીને વ્યવહારું તેમજ અમલમાં મૂકી શકાય તેવા ઉકેલો અને નવીન ટેકનોલોજી અંગે પરામર્શ કરવામાં આવશે.
માર્ગ મકાન વિભાગે આ વિભાગીય ચિંતન શિબિરમાં જે પાંચ વિષયો પર ફોકસ રાખ્યું છે તેમાં રોડ સસ્ટેનેબિલિટી, બ્રિજ પ્રોજેક્ટ પ્લાનિંગ, બિલ્ડીંગ પ્રોજેક્ટ મોનિટરિંગ, હ્યુમન રિસોર્સિસ અને ઇન્સ્ટિટ્યૂશનલ ડેવલપમેન્ટ તથા ફ્યુચર રેડી ગવર્નન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

