જંગલની જમીનનો પ્રશ્ન કેવી રીતે ઉકેલી શકાય તેવી વાત કરવી જોઈતી હતી પરંતુ તેઓ ભીલ પ્રદેશ અને મેલુ ઉપાડવા મુદ્દે બોલ્યા: મનસુખ વસાવા
(જી.એન.એસ) તા. ૫
શંકરસિંહ વાઘેલાના મેલું ઉપાડવાના નિવેદન બાદ નર્મદા-ભરૂચના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના સાંસદ અનંત પટેલ સામે આકરા શાબ્દીક પ્રહારો કર્યા હતાં. સાંસદ મનસુખ વસાવા ગરુડેશ્વરના વઘરાલી ગામે લોક પ્રશ્નોને લઈને એક બેઠક પણ યોજી હતી. જેમાં સાંસદે પોતાના ભાષણમાં શંકરસિંહ વાઘેલાના મેલુ ઉપાડવા મુદ્દે જાહેર મંચ પરથી કહ્યું કે બાપુનું રાજકારણ પૂરું થઈ ગયું છે છતાં તેઓ રાજકારણ રમી રહ્યાં છે.કોંગ્રેસના નેતાઓ સાથે તેઓ આ મુદ્દો નક્કી કરીને જ આવ્યા હતાં.
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, બાપુએ જંગલની જમીનનો પ્રશ્ન કેવી રીતે ઉકેલી શકાય તેવી વાત કરવી જોઈતી હતી પરંતુ તેઓ ભીલ પ્રદેશ અને મેલુ ઉપાડવા મુદ્દે બોલ્યા હતાં. તેમણે જે નિવેદન આપ્યું છે તેને લઈને મનસુખ વસાવાએ કહ્યું હતું કે, તમે મુખ્યમંત્રી હતા ત્યારે ભીલપ્રદેશ આપી દેવો હતો, તમે કેન્દ્રમાં કાપડ મંત્રી હતા ત્યારે આપી દેવો હતો. બાપુ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ધારાસભ્ય અનંત પટેલ કહે છે કે તીર કામઠા લઈને ગાંધીનગર જઈશું અને ફોરેસ્ટ વિભાગના આર એફ ઓ અને ડી એફ ઓને લાફા વાળી કરવાની વાત એક ધારાસભ્યને શોભતી નથી.ચૈતર વસાવાને પૂછો કે અનંત પટેલની વાત માનીને કોઈકને મારવા ગયા અને આજે જેલમાં છે.
સાંસદમનસુખ વસાવાએ કહ્યું કે, અનંત પટેલ કહે છે કે મનસુખ વસાવાનું કોઈ સાંભળતું નથી. અરે ભાઈ 7 ટર્મથી સાંસદ છું જો મેં કામ ન કર્યા હોય તો પાર્ટી મને 7 ટર્મથી ટીકીટ ન આપે અને હું આદિવાસી સમાજ માટે સરકાર સામે પણ બોલું છું. હું તુષાર ચૌધરી કે અન્નત પટેલની જેમ આંગળી ઉંચી કરવા વાળો નથી. હું તો સમાજના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડીને ઉકેલ લાવવામાં માનું છું તમને શું ખબર પડે મેં જેટલું કામ કર્યું છે એટલું તમારા કોંગ્રેસના લોકોએ નથી કર્યું. આ બધું રાજકારણ છે અસલ મુદ્દા પર કોઈએ ચર્ચા જ નથી કરી. ચૂંટણીમાં ગુજરાતમાં ભાગલા પાડો અને રાજ કરો જેવી અંગ્રેજોની નીતિ પર કામ કરી રહ્યા છે. બાપુની જેમ અમે ઠોકમ ઠોક કરીને બોલવા વાળા નથી અમે નક્કર મુદ્દા લઈને ચાલીએ છે.

