ગુજરાત સરકાર અને IN-SPACe દ્વારા GIDC ખોરાજ ખાતે સ્પેસ ટેક ક્ષેત્ર માટે કોમન ટેકનિકલ ફેસિલિટીઝના વિકાસ માટે કરારની જાહેરાત
(જી.એન.એસ) તા. ૧૧
અમદાવાદ,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની સ્પેસ ઇકોનોમીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાના વિઝન સાથે અવકાશ ક્ષેત્રમાં માળખાગત સુધારાઓનો પ્રારંભ કર્યો હતો. આ દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે IN-SPACe ની સ્થાપના અવકાશ ક્ષેત્ર માટે સક્ષમકર્તા, પ્રોત્સાહક અને નિયામક સંસ્થા તરીકે કરવામાં આવી છે.
ડૉ. વિક્રમ સારાભાઈની પ્રેરણાદાયી વિરાસતથી પ્રેરાઈને, ગુજરાતે અવકાશ ક્ષેત્ર માટે સમર્પિત નીતિ રજૂ કરનાર પ્રથમ રાજ્યોમાં સ્થાન મેળવ્યું હતું. આ નીતિમાં ઉદ્યોગોની ભાગીદારી અને ક્ષમતા વિકાસને પ્રોત્સાહન આપવા સાથે અવકાશ ક્ષેત્ર માટે વિશિષ્ટ બજેટીય જોગવાઈ પણ કરવામાં આવી છે.
IN-SPACe Industry Connect ની 10મી આવૃત્તિના ઉદ્ઘાટન દિવસે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે કેન્દ્રિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ઉદ્યોગ સહયોગ દ્વારા ભારતના અવકાશ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી છે.
કેન્દ્રીય મંત્રી શ્રી પીયુષ ગોયલની ગૌરવમય ઉપસ્થિતિમાં ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ GIDC ખોરાજ ખાતે વિકસાવવામાં આવનારા સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના ભાગરૂપે સ્પેસ ટેક ક્ષેત્ર માટે કોમન ટેકનિકલ ફેસિલિટીઝ (CTF) ના વિકાસની જાહેરાત કરી હતી. આ સુવિધા IN-SPACe ના નજીકના સહયોગથી વિકસાવવામાં આવી રહી છે જેથી તે રાષ્ટ્રીય ધોરણો તથા સ્થાપિત કંપનીઓ અને ઉભરતા ઉદ્યોગ સાહસોની જરૂરિયાતો સાથે સુસંગત રહે.
આ કોમન ટેકનિકલ ફેસિલિટીઝનો હેતુ સ્ટાર્ટઅપ્સ અને MSMEs ને એવી ઉચ્ચ ગુણવત્તાની ટેસ્ટિંગ અને વેલિડેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવાનો છે, જેનો સ્વતંત્ર રીતે વિકાસ કરવો સામાન્ય રીતે મુશ્કેલ હોય છે. આ પ્રકારની સુવિધાઓને સહિયારા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવી રાજ્ય સરકાર ઝડપી ઉત્પાદન વિકાસ ચક્રને પ્રોત્સાહન આપવા, સ્પેસ-ગ્રેડ સિસ્ટમ્સની વિશ્વસનીયતા વધારવા અને દેશના અવકાશ ટેક ઇકોસિસ્ટમને નવી ગતિ આપવા ઈચ્છે છે.
GIDC ખોરાજ ખાતે વિકસાવવામાં આવતી કોમન ટેકનિકલ ફેસિલિટીઝમાં નીચેની સુવિધાઓનો સમાવેશ થાય છે:
● સુરક્ષા પ્રણાલીઓ સાથે ક્લીનરૂમ (ક્લાસ 100,000)
● પર્યાવરણીય સિમ્યુલેશન માટે થર્મો-વેક્યૂમ ચેમ્બર
● 12 ટન સુધીના પેલોડને સંભાળી શકે તેવી વાઇબ્રેશન ટેસ્ટિંગ સિસ્ટમ
● EMI/EMC ટેસ્ટિંગ સુવિધાઓ
● ક્લાઇમેટ ટેસ્ટ ચેમ્બર
● માસ પ્રોપર્ટીઝ માપન પ્રણાલીઓ
● મેગ્નેટિક ફિલ્ડ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
● પૃથ્વી અવલોકન (Earth Observation) ઓપ્ટિક્સના કેલિબ્રેશન માટેની સુવિધાઓ
CTF ના વિકાસ માટે IN-SPACe રાજ્ય સરકારને તકનીકી સહાય પૂરી પાડશે તેમજ CTF ના સાધનો માટે રૂ. 100 કરોડ સુધીનું નાણાકીય યોગદાન આપશે. રાજ્ય સરકાર સુવિધાઓ અને સ્પેસ પાર્કના નિર્માણ તથા સંચાલન માટે જરૂરી વધારાના નાણાંનું યોગદાન આપશે.
આ પહેલ અવકાશ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને MSMEs ની ભાગીદારીને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે, કારણ કે તે પ્રવેશ અવરોધોને ઘટાડશે અને આવશ્યક તકનીકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુલભતા વધારશે. આ સહિયારા મોડેલ દ્વારા કંપનીઓ પોતાના ઘટકો અને સિસ્ટમ્સનું પરીક્ષણ તથા ક્વોલિફિકેશન રાજ્યની અંદર જ કરી શકશે.
મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યના યુવાનોની ક્ષમતાઓ પર વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે ગુજરાત સરકાર IN-SPACe અને ઉદ્યોગ જગતના હિતધારકો સાથે નજીકથી કાર્ય કરવાનું ચાલુ રાખશે જેથી ગુજરાતની સ્પેસ ઇકોનોમીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકાય.
રાજ્ય સરકારે GIDC ખોરાજ ખાતે સમર્પિત સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના વિકાસ માટે 50 એકર જમીન ફાળવી છે, જેને ભવિષ્યમાં 100 એકર સુધી વિસ્તારી શકાય છે. આ પ્રસંગે ઉપસ્થિત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતી, IAS અને GSEM ના મિશન ડિરેક્ટર શ્રીમતી નેહા કુમારી, IAS એ માહિતી આપી હતી કે ખોરાજ ખાતેનો સ્પેસ પાર્ક એન્ડ-ટુ-એન્ડ સ્પેસક્રાફ્ટ, પેલોડ સિસ્ટમ્સ અને સ્પેસ આધારિત એપ્લિકેશન્સના ડિઝાઇન પર કેન્દ્રિત રહેશે.
ગુજરાત રાજ્ય અવકાશ ક્ષેત્રમાં નવીનતા, ઉત્પાદન ક્ષમતા અને દીર્ઘકાલીન વિકાસને પ્રોત્સાહન આપતું સક્ષમ ઇકોસિસ્ટમ નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

