વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (દક્ષિણ ગુજરાત) દ્વારા પ્રદેશને રાજ્યના આર્થિક વિકાસના મજબૂત એન્જિન તરીકે નવી ઓળખ મળી
(જી.એન.એસ) તા. ૧૯
ગાંધીનગર,
દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસને વૈશ્વિક રોકાણ અને ઉદ્યોગ સાથે જોડવા માટે તારીખ 1 અને 2 મે 2026 ના રોજ સુરત સ્થિત ઑરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન કુલ 2,792 એમઓયુ થયા હતા, જેના દ્વારા અંદાજે ₹3.53 લાખ કરોડના રોકાણ પ્રસ્તાવો પ્રાપ્ત થયા હતા. આ આંકડા દક્ષિણ ગુજરાત પ્રત્યે વધી રહેલા રોકાણકારોના ઊંડા રસ અને વૈશ્વિક વિશ્વાસને પ્રદર્શિત કરે છે.
ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ જિલ્લાઓને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો અને નીતિનિર્માતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. VGRC દક્ષિણ ગુજરાતમાં 20 હજારથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ નોંધણી કરાવી હતી, જ્યારે 27 દેશોના 150થી વધુ વિદેશી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જે વૈશ્વિક સ્તરે વધી રહેલી ગુજરાતની મજબૂત ઉપસ્થિતિને પ્રતિબિંબિત કરે છે.
VGRCના આ સંસ્કરણમાં જાપાન, સિંગાપોર, રવાન્ડા અને યુક્રેન ભાગીદાર દેશો તરીકે જોડાયા હતા. કોન્ફરન્સને જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO), યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF), અમેરિકન ચેમ્બર ઑફ કોમર્સ ઇન ઇન્ડિયા (AMCHAM), કોરિયા ટ્રેડ-ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી (KOTRA) તેમજ રશિયન ફેડરેશનના ટ્રેડ રિપ્રેઝન્ટેશન જેવા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંગઠનોનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 1 મે, 2026 ના રોજ સુરત ખાતે યોજાયેલી આ રીજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ઉદ્ઘાટન સત્ર દરમિયાન સભાને સંબોધિત કરી હતી. ઉદ્ઘાટન દિવસે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપસિંઘ પુરી અને ભારત સરકારના માનનીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ સત્રમાં ભાગ લેનારા વિદેશી પ્રતિનિધિઓમાં ભારતમાં જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનો, ભારતમાં સિંગાપોરના હાઈ કમિશનર મહામહિમ શ્રી સિમોન વોંગ, ભારતમાં યુક્રેનના એક્સ્ટ્રાઓર્ડિનરી એન્ડ પ્લેનીપોટેન્શિયરી (અસાધારણ અને પૂર્ણાધિકાર પ્રાપ્ત) રાજદૂત મહામહિમ ડૉ. ઓલેક્ઝાન્ડર પોલિશચુક, ભારતમાં રવાન્ડાના હાઈ કમિશનર મહામહિમ સુશ્રી જેકલીન મુકાંગીરા અને ભારતમાં સેશેલ્સના હાઈ કમિશનર મહામહિમ શ્રીમતી લલાટિયાના એકુશે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ દિવસે કાર્યક્રમમાં હાજર રહેલા ઉદ્યોગજગતના અગ્રણીઓમાં એસોચેમના પ્રેસિડેન્ટ શ્રી નિર્મલ મિન્ડા, નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનના મેનેજિંગ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી નોબુઓ ઓકોચી, AM/NS ઇન્ડિયાના સીઈઓ શ્રી દિલીપ ઓમેન, હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના ચેરમેન શ્રી સવજીભાઈ ધોળકિયા (પદ્મશ્રી), ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ શ્રી નિલેશ માંડલેવાલા (પદ્મશ્રી), કિરણ હોસ્પિટલ્સના ચેરમેન શ્રી મથુરભાઈ સવાણી (પદ્મશ્રી) તેમજ શિક્ષક, લેખક અને અભિનેતા શ્રી યઝદી કરંજિયા (પદ્મશ્રી)નો સમાવેશ થાય છે.
કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે 2 મેના રોજ યોજાયેલા સમાપન સત્રમાં માનનીય કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી જે. પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ સત્રમાં સંબોધન કર્યું હતું.
કોન્ફરન્સની સાથે-સાથે, 1 થી 5 મે, 2026 દરમિયાન 12 હજાર ચોરસ મીટરમાં વિસ્તારમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં એન્જિનિયરિંગ, કૃષિ, ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જવેલરી, નવીનીકરણીય ઊર્જા, MSME અને સ્ટાર્ટઅપ્સ સહિતના વિવિધ ક્ષેત્રોના 300થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો. પાંચ દિવસ દરમિયાન 70 હજારથી વધુ મુલાકાતીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
એક્ઝિબિશનનું મુખ્ય આકર્ષણ બનેલી રિવર્સ બાયર-સેલર મીટ (RBSM) થકી 1,210થી વધુ એમઓયુ થયા હતા અને અંદાજે ₹580 કરોડથી વધુની નિકાસલક્ષી બિઝનેસ ઇન્કવાયરીઓ કરવામાં આવી હતી. આ દરમિયાન આયોજિત થયેલી 4,200થી વધુ સ્ટ્રક્ચર્ડ B2B બેઠકોએ 59 આંતરરાષ્ટ્રીય ખરીદદારોને ગુજરાતના 1,200થી વધુ વેચાણકારો સાથે સીધા જોડ્યા હતા.
VGRE અંતર્ગત યોજાયેલા ઉદ્યમી મેળામાં ₹300 કરોડથી વધુના સૈદ્ધાંતિક મંજૂરી પત્રો જારી થયા હતા. બેંકો દ્વારા MSME ઉદ્યોગસાહસિકોને પણ ₹1,650 કરોડથી વધુના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. વધુમાં, સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા અને સ્થાનિક કળા-કારીગરી ઓળખ આપવા માટે કવૉલિટા કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (QCI) દ્વારા 200થી વધુ ZED પ્રમાણપત્રો અને 100થી વધુ આર્ટીઝન કાર્ડ પણ જારી કરવામાં આવ્યા હતા. 2 મેના રોજ યોજાયેલા સમાપન સત્ર દરમિયાન કુલ 10 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં આઠ MSME એકમો અને બે કારીગરોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ એક્ઝિબિશન કે જેમાં દક્ષિણ ગુજરાતની કૃષિ, હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવામાં આવ્યા હતા, તેમાં કુલ વેચાણનો આંક ₹38 લાખ સુધી પહોંચ્યો હતો. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા પ્રોત્સાહિત મહિલા ઉદ્યોગસાહસિકોએ અંદાજે ₹14 લાખનો વ્યવસાય કર્યો હતો. મેંગો ફેસ્ટિવલમાં ₹8 લાખનું વેચાણ થયું હતું, જ્યારે iNDEXTc દ્વારા સ્પોન્સર કરવામાં આવેલા કારીગરોએ ₹5.55 લાખથી વધુનું વેચાણ નોંધાવ્યું હતું. ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીએ પ્રમોટ કરેલા સખી મંડળોએ ₹5 લાખથી વધુના ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું, જ્યારે ટ્રાઇબલ હાટે ₹5.31 લાખનું વેચાણ નોંધાવ્યું હતું.
કોન્ફરન્સ દરમિયાન વિદેશી પ્રતિનિધિઓએ લેબ-ગ્રોન ડાયમંડ, ફૂડ પ્રોસેસિંગ અને ટેક્સટાઇલમાં વિશેષતા ધરાવતા એકમોની ઔદ્યોગિક મુલાકાતો દ્વારા પ્રદેશની ઔદ્યોગિક શક્તિનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. પ્રાદેશિક ક્ષમતાઓને વૈશ્વિક દ્રષ્ટિકોણ સાથે જોડીને, સુરત ખાતે યોજાયેલી રીજનલ કોન્ફરન્સે રાજ્યના વધુ આર્થિક વિકાસ માટેના એન્જિન તરીકે દક્ષિણ ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે.

