અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને ભારત પ્રત્યેના અણગમાને કારણે ભારતીય શેરબજાર પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વિદેશી રોકાણકારો દલાલ સ્ટ્રીટમાંથી નાણાં ખેંચી અન્ય ઉભરતા બજારો તરફ વળી રહ્યાં છે. છેલ્લા ચાર અઠવાડિયામાં જ ભારત-કેન્દ્રિત ઈક્વિટી ફંડોમાંથી ૧.૮ અબજ ડોલરનો ઉપાડ થયો છે, જે જાન્યુઆરી ૨૦૨૫ પછીનો સૌથી મોટો આઉટફલો છે. બીજી તરફ, ચાઈનીઝ ફંડોમાં ૩ બિલિયન ડોલર અને હોંગકોંગ ફંડોમાં ૪.૫ બિલિયન ડોલરનું તાજું રોકાણ નોંધાયું છે. આ પરિવર્તન વૈશ્વિક રોકાણકારોની પ્રાથમિકતાઓમાં મોટો ઉલટફેર દર્શાવે છે, કારણ કે ૨૦૨૩-૨૪ દરમિયાન ભારત તરફ ઈન્ફ્લો જોરશોરથી ચાલતો હતો. આઉટફ્લોનું વલણ ખાસ કરીને ઓક્ટોબર ૨૦૨૪માં ટ્રમ્પની રાષ્ટ્રપતિ પદ પર જીત પછી તેજ બન્યું છે.
ટ્રમ્પની તાજપોશી બાદથી ભારતમાંથી કુલ ૩.૭ અબજ ડોલરનો આઉટફલો નોંધાયો છે, જ્યારે ચીનમાં ૫.૪ અબજ ડોલરનો ઈન્ફ્લો થયો છે. આ વલણ માર્ચથી સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચેના સમયગાળાથી તદ્દન વિપરીત છે, જ્યારે ભારતમાં ૨૯ અબજ ડોલરનો ઈન્ફ્લો થયો હતો અને ચીનમાંથી ૨૬ અબજ ડોલરનો આઉટફલો થયો હતો. એલારા કેપિટલના અહેવાલ મુજબ તાજેતરના ૧.૮ અબજ ડોલરના આઉટફ્લોમાંથી ૧ અબજ ડોલર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) માંથી અને ૭૭૦ મિલિયન ડોલર એક્ટિવ ફંડોમાંથી પરત ખેંચાયા છે. એપ્રિલ ૨૦૨૫માં ટ્રમ્પના ટેરિફ ડર પછી મોટાભાગનો ઈન્ફ્લો ઇટીએફમાં જ કેન્દ્રિત હતો, પરંતુ ઓક્ટોબરથી લાંબા ગાળાના ફંડોમાં સતત આઉટફ્લો જોવા મળી રહ્યો છે.
વિઝડમટ્રી, ઇન્વેસ્કો, શ્રોડર, અમુન્ડી અને ફ્રેન્કલિન ઇન્ડિયા જેવા મોટા વૈશ્વિક ફંડોમાં ખાસ કરીને લાર્જ-કેપ કેન્દ્રિત ફંડોમાંથી ભારે ઉપાડ નોંધાયો છે. જોકે, સ્થાનિક ફંડો દ્વારા થયેલી મજબૂત ખરીદીના કારણે આ વેચાણનો અસરકારક પ્રભાવ થોડીક અંશે ઓછો રહ્યો છે. નોમુરાના અહેવાલ મુજબ, ઉભરતા બજારના ૪૫ મોટા ભંડોળના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે જુલાઈમાં ભારતમાં રોકાણ ૧૧૦ બેસિસ પોઈન્ટ ઘટ્યું છે. કુલ ૪૧ ફંડોએ તેમનો હિસ્સો ઘટાડ્યો હતો. પરિણામે, ભારત હવે એમએસસીઆઈ ઈમર્જીંગ માર્કેટ ઈન્ડેક્સની તુલનામાં ૨.૯% અન્ડરવેઈટ બની ગયું છે. જુલાઈ સુધીમાં ૭૧% ફંડો ભારત પ્રત્યે અન્ડરવેઈટ રહ્યા, જ્યારે જૂનમાં આ આંકડો માત્ર ૬૦% હતો. બીજી તરફ, હોંગકોંગ, ચીન અને દક્ષિણ કોરિયા જેવા બજારોમાં અનુક્રમે ૮૦, ૭૦ અને ૪૦ બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે.

