દરેક ચુંટણી પહેલાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ઊંચા ભાવે ખરીદી લઈને કોંગ્રેસની તાકાત ઘટાડવા પ્રયાસો કરે છે. તાજેતરમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોને રાજીનામાં અપાવી ભાજપના ખેસ પહેરાવવામાં આવ્યા છે. ઉપરાંત એક ધારાસભ્ય ભગાભાઈ ધાનાભાઈ બારડ ને ગેર લાયક ઠરાવીને ધારાસભ્ય પદ છીનવી લીધું છે. એટલું જ નહિ છ વર્ષ માટે ચુંટણી લડી ન શકે એવો સ્પીકર દ્વારા હુકમ પણ કરવામાં આવ્યો છે.
સવાલ એ છે કે ભાજપને આવું શા માટે કરવું પડે છે ? શું કોંગ્રેસના ધારાસભ્યો ખરીદી લેવાથી ભાજપ લોકસભાની વૈતરણી ઓઆર કરી શકશે ? ગ્રાઉન્ડ લેવલ પર આવું કશું જોવા મળતું નથી.
જૂનાગઢ જિલ્લામાં એક સબળ ધારાસભ્ય જવાહર ચાવડાને ભાજપ દ્વારા ખરીદી લઈને કેબીનેટ મંત્રી બનાવાયા. જેથી આહીર મતો અંકે કરી શકાય. પરંતુ બીજી તરફ કોંગ્રેસના આહીર અગ્રણી એવા ભગાભાઈ બારડ ને જે પ્રકારે ગેરલાયક ઠરાવવાનો કારસો રચાયો તેનાથી આહીર સમાજ લાલઘુમ છે. ભગાભાઈ નાં કારણે ભાજપને જવાહર ચાવડાને ફરી પેટા ચુંટણીમાં જીતાડવા પણ અઘરા થઇ પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
પાટણ લોકસભા જીતવા માટે સિદ્ધપુરના કોંગ્રેસના પાટીદાર ધારાસભ્ય ડો. આશાબહેન પટેલને ભાજપાએ કોંગ્રેસ છોડાવીને ભગવો ખેસ પહેરાવી દીધો છે. હવે પાટણ લોકસભાના ઉમેદવાર બનાવે છે કે ફરી એમની જ બેઠક પર ધારાસભ્યની પેટા ચુંટણી લડવાનું જોખમ ઉઠાવે છે એ જોવાનું રહ્યું.
૨૦૧૭ ની વિધાનસભા ચુંટણી સમયે કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોને કોંગ્રેસ છોડવાની ભાજપ દરખાસ્ત પસાર થઇ ગઈ હતી પરંતુ આ ૧૪ પૈકી માત્ર બે ધારસભ્યો જ પેટા ચુંટણી જીતીને ફરી ધારાસભ્ય પદ હાંસલ કર્યું હતું. આ ૧૪ પૈકીના ઘણા ધારસભ્યો જયારે મળે છે ત્યારે અફસોસ વ્યક્ત કરે છે કે બાપુની સાથે કોંગ્રેસ છોડવાની મુર્ખામી કરી એ ખોટું જ હતું. હવે કોઈ વિકલ્પ નથી. આમને આમ રાજકારણ પૂરું થઇ જશે.
બીજી તરફ ભાજપના સીનીયર કાર્યકરો માં પણ તેનું રીએક્શન આવ્યું છે. “ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાય ને આંટો” જેવો ઘાટ ભાજપમાં છે. કાર્યકરો બોલે છે કે જો સારું પદ કે ટિકિટ જોઈતા હોય તો પ્રથમ કોંગ્રેસમાં જોડાવ , નેતા બનીને ભાજપમાં આવો એટલે માંગ્યું મળી જશે. આવી સ્થિતિમાં લોકસભાની ૨૬ બેઠકો અને ચાર વિધાનસભા બેઠકો જીતવી ભાજપ માટે કપરા ચઢાણ બની રહેશે. ૨૦૧૯ એ ૨૦૧૪ નથી. ભાજપના નેતાઓની આકરી કસોટી આ ચુંટણીમાં થવાની છે.
ભાજપ – કોંગ્રેસમાં ભુદેવોની એક સરખી સ્થિતિ –વિકલ્પ તરીકે ઉપયોગ માત્ર
ગુજરાતમાં અત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં લોકસભાની ચુંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલે છે. ટીકીટના દાવેદારો પોતાને ટિકિટ મળે તે માટે પોતાની તમામ તાકાત અને સબંધોને કામે લગાડ્યા છે. આવી સ્થિતિમાં બનાસકાઠા જિલ્લાના પ્રવાસે જવાનું થયું , અનેક આગેવાનો , કાર્યકરો અને સમાજના વિવિધ વર્ગોને મળવાનું થયું. ચિત્ર વિચિત્ર જોવા મળ્યું. ભાજપમાં બે ચૌધરી આગેવાનો વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને વિધાનસભામાં પરાજીત થયેલા સહકારી નેતા શંકર ચૌધરી ટિકિટ માટે મુખ્ય દાવેદાર છે. લડત તીવ્ર બની. તેમાં ભાજપના બનાસકાઠા જિલાના પ્રમુખ અને ધારાસભ્ય કેશાજી ઠાકોરે દાવેદારી કરી. જેથી પસંદગી મુશ્કેલ બની છે. બનાસકાઠામાં ચાલતી ચર્ચા મુજબ ત્રણ નેતાઓની લડાઈ માંથી વિકલ્પ શોધવામાં ભાજપ કદાચ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ઉપર પસંદગી ઉતારે તો નવાઈ નહિ. તેઓ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ના ખાસ ગણાય છે.
તો કોંગ્રેસમાં પણ આવું જ ચિત્ર જોવા મળ્યું. કોંગ્રેસના નેતાઓ ગોવાભાઈ રબારી અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલે છે. તેમાં જીલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઠાકોરે પણ ટિકિટ માંગી છે. આમ ત્રણની લડાઈ માં વિકલ્પ તરીકે ચોથા એવા ભુદેવ રાજુભાઈ જોશી ઉપર પસંદગી ઉતરે તો નવાઈ નહિ. આ પ્રકારની ચર્ચા સાંભળવા મળી છે.
ભાજપ હોય કે કોંગ્રેસ બ્રાહ્મણો તો વિકલ્પ તરીકે જ ચાલે. બ્રાહ્મણ ગમે તેટલાં હોશિયાર હોય , પક્ષને વફાદાર હોય , લોકપ્રિય હોય , જીતે એવી સ્થિતિમાં હોય , તો પણ જયારે ટિકિટ આપવાની વાત આવે છે , ત્યારે પટેલ , ઠાકોર , ચૌધરી , રબારી , ક્ષત્રીય એ પ્રકારે જ શોધ ચાલે છે. જયનારાયણ વ્યાસ જેવાં બાહોશ નેતાઓનો પ્રથમ ત્રણમાં ક્યારેય સમાવેશ થતો નથી. જો કે તેમાં એક કડવી વાસ્તવિક્તા એ પણ છે કે બ્રહ્મ સમાજ ક્યારેય અન્ય સમાજ જેવી એકતાના દર્શન રાજકારણીઓને કરાવી શક્યો નથી. બાર ભૈયા ને તેર ચોક જેવી સ્થિતિ બ્રહ્મ સમાજની છે. દરેક ચુંટણી માં પક્ષ પ્રમાણે બ્રહ્મ સમાજના નેતાઓ સંમેલનો કરે છે. સમગ્ર બ્રહ્મ સમાજ નું એક સંમેલન થાય અને તેમાં દરેક પક્ષને આવવું જ પડે એવી સ્થિતિ જ્યાં સુધી નિર્માણ નહિ પામે ત્યાં સુધી લાયક હોવા છતાં ભુદેવોની કોઈ નોંધ લેશે નહિ એ નરી વાસ્તવિક્તા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.