(G.N.S) dt. 20
ગાંધીનગર,
G-20 ગુજરાત કનેક્ટ રિપોર્ટનું વિમોચન અને G-20 સાથે જોડાયેલા વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક યોજતા મુખ્યમંત્રીશ્રીની ગાંધીનગરમાં બેઠક યોજાઈ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એ G-20 ની ગુજરાતમાં યોજાયેલી વિવિધ ૧૭ બેઠકોની જ્વલંત સફળતાનો યશ ‘ટીમ ગુજરાત’ ને આપ્યો છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોઈપણ લાર્જ સ્કેલના આયોજનને સાથે મળીને સફળતાથી પાર પાડી શકાય તેવું વિઝન આપણને આપ્યું છે.
મુખ્યમંત્રીશ્રી G-20 ગુજરાત કનેક્ટની સફળતાના સહયોગી વિભાગોના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ સાથેની બેઠકમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે આ અવસરે G-20 ગુજરાત કનેક્ટ રિપોર્ટનું વિમોચન પણ કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે કહ્યું કે, આપણે G-20 ની બેઠકો ખૂબ સારા આયોજન સાથે પૂર્ણ કરીને ગુજરાતની એક આગવી ઈમેજ ઉભી કરી છે. સમયસર અને સમયબદ્ધ પ્લાનિંગ સાથે આવી મોટી ઇવેન્ટ બનાવવામાં હવે ગુજરાત પર પસંદગી ઉતારવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને G-20 ની પ્રેસિડેન્સીની જે તક મળી હતી તેમાં વિવિધ ૨૦૦ જેટલી બેઠકો દેશમાં ૬૧ સ્થળોએ યોજવામાં આવી હતી. ગુજરાતને સૌથી વધુ ૧૭ બેઠકોના આયોજનનું સૌભાગ્ય મળ્યું તેને આપણે ખૂબ ચીવટ, ચોકસાઈ અને ખંતથી પૂર્ણ કર્યું છે તે માટે તેમણે સૌ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતના, કલ્ચર, ખાન-પાન, રહેણી-કરણી, ઉત્કૃષ્ટ શહેરી વિકાસ સહિતની વિવિધતા આપણે G-20 ના સહભાગી રાષ્ટ્રોના પ્રતિનિધિઓ સમક્ષ સુપેરે ઉજાગર કરી શક્યા છીએ.
હવે, આ જ ટીમ સ્પીરીટ સાથે સૌ સાથે મળીને ગુજરાતનું માન-સન્માન વધુ ઉજાળીશું એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
મુખ્ય સચિવ શ્રી રાજકુમારે આ પ્રસંગે જણાવ્યું કે, G-20 વહીવટી તંત્ર માટે એક અર્થમાં વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ના રિહર્સલ રૂપ ઇવેન્ટ બની રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે G-20ની દરેક બેઠકોના આયોજનમાં રસ લઈને જે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યા છે તેનો તેમણે ઋણ સ્વીકાર કર્યો હતો.
મુખ્ય સચિવશ્રીએ એમ પણ ઉમેર્યું કે, ગુજરાતે માત્ર વિકસિત રાજ્યની જ નહીં, મહેમાન ગતિમાં પણ પોતાની અગ્રેસરતાની અનુભૂતિ G-20 ડેલીગેશને કરાવી છે. તેમણે G-20 કનેક્ટના અનુભવોને વાઇબ્રન્ટ-૨૦૨૪માં બેસ્ટ પ્રેક્ટિસીસ તરીકે જોડીને પ્રિ-વાઇબ્રન્ટમાં તે અપનાવવાનું સૂચન કર્યું હતું.
ગુજરાતમાં G-20 આયોજનના સંયોજક અને પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે પ્રારંભમાં સૌને આવકારીને કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો.
અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા બહેન જૈન, પૂર્વ મેયર શ્રી કિરીટભાઈ પરમાર તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.