રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૯.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૧૪૫.૨૨ સામે ૫૭૩૭૬.૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૯૫૦.૫૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૫૪.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૧૦૭.૫૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૨૮.૭૫ સામે ૧૭૦૯૯.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૯૪૬.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૮.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૦૫૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. જુલાઈ – ઓગસ્ટ મહિનામાં ફુગાવો ઘટી રહ્યો છે એવા સંકેત સાથે હવે વ્યાજના દર વધશે નહિ એવી આશા સાથે ભારત અને વૈશ્વિક શેરબજારમાં ખરીદી સાથે તીવ્ર ઉછાળો આવ્યો હતો. પણ સપ્ટેમ્બરમાં આ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. ગત સપ્તાહે ફેડરલ રીઝર્વે સતત ત્રીજી બેઠકમાં ૦.૭૫% વ્યાજનો દર વધાર્યો હતો. છેલ્લા ૪૧ વર્ષમાં અમેરિકામાં આટલી ઝડપથી વ્યાજ દર વધ્યા નથી. હવે અમેરિકામાં વ્યાજનો દર ૨૦૦૮ પછી પ્રથમ વખત ૩ થી ૩.૨૫% થઇ ગયો છે. ભારતમાં રિઝર્વ બેંકે ત્રણ વખત વ્યાજના દર વધાર્યા છે અને હજુ તા.૩૦ સપ્ટેમ્બરની બેઠકમાં વધારશે એવી આગાહી થઇ રહી છે. કોરોના કાળમાં વિશ્વની સેન્ટ્રલ બેંકોએ મંદી ખાળવા માટે સસ્તા નાણા અને પુષ્કળ નાણાની નીતિ અપનાવી હતી. હવે આ બન્ને પરત ખેચવામાં આવી રહ્યા છે. મંદીમાંથી અર્થતંત્ર બહાર આવી ગયા છે પણ સપ્લાય ચેઈનમાં ક્ષતિ અને રશિયા – યુક્રેન યુદ્ધના કારણે મોંઘવારી વિવિધ દેશોમાં વિક્રમી સપાટીએ છે. મોંઘવારી ડામવા હવે નાણું મોંઘુ અને બજારમાં ઓછી પ્રવાહિતાનો સમય આવી રહ્યો છે.
મંદીમાંથી બહાર આવી રહેલા અર્થતંત્રમાં રીકવરી નાજુક છે અને બહુ ઊંચા વ્યાજ દરના કારણે અર્થતંત્રમાં મંદી આવે, તેનો વિકાસ ધીમો પડે તો કંપનીઓની કમાણી ઉપર અસર પડે એવી શક્યતાએ શેરબજારમાં વેચવાલી છે. રોકાણકારો સલામતી તરફ દોટ લગાવી રહ્યા છે. વધતા વ્યાજ દરની સ્થિતિમાં રોકડ અને સરકારી બોન્ડમાં વળતર સલામત અને વધારે મળશે એવી આશાએ બન્નેમાં તેજી જોવા મળી રહી છે. રોકડની ડોટના કારણે વિશ્વની સૌથી સલામત કરન્સી ડોલરના ભાવ બે દાયકાની સૌથી ઉંચી સપાટીએ છે. અમેરિકન બોન્ડમાં યીલ્ડ ચાર ટકા જેટલું થઇ ગયું છે. કરન્સી અને વ્યાજ બન્ને ઊંચા મળી રહ્યા હોવાથી ઓગસ્ટ મહિનામાં ભારતીય શેરમાં ખરીદી કરનાર વિદેશી સંસ્થાઓ ફરી વેચવાલ બની છે અને તેના કારણે ભારતના શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, એનર્જી, એફએમસીજી, હેલ્થકેર, આઈટી, ટેલિકોમ્યુનિકેશન, ઓઈલ & ગેસ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૯ અને વધનારની સંખ્યા ૧૭૬૯ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાની સાથે-સાથે ભારતમાં પણ વ્યાજદરમાં વધારાની અવિરત ગતિ દેશના આર્થિક વિકાસને રૂંધશે તેવી આશંકા વચ્ચે એસ એન્ડ પીએ ભારતનો વિકાસદર ૭.૩% રહેવાની ધારણા કરી છે.એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે સોમવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ ૭.૩ ટકા રહેવાની શક્યતા છે. આ સિવાય રેટિંગ એજન્સીએ આશંકા વ્યકત કરી છે કે ૨૦૨૨ના અંત સુધીમાં ફુગાવો ૬ ટકાથી ઉપર રહી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંકે મોંઘવારીની મહત્તમ મર્યાદા ૬% નક્કી કરી છે. જોકે ફુગાવો છેલ્લા અડધા વર્ષથી આ લેવલની ઉપર જ જોવા મળી રહ્યો છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે ‘અમે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે ૭.૩% અને આગામી નાણાંકીય વર્ષ માટે ૬.૫% ના દરે ભારતની વૃદ્ધિનું અનુમાન જાળવી રાખ્યું છે પરંતુ આ અંદાજમાં ઘટાડાનું જોખમ રહેલું છે. એસ એન્ડ પીએ એશિયા પેસિફિક માટેના તેના આર્થિક અનુમાનમાં જણાવ્યું હતું કે આવતા વર્ષે ભારતના વિકાસને સ્થાનિક માંગની વૃદ્ધિ તરફથી ટેકો મળશે. તાજેતરમાં જ અન્ય એજન્સીઓએ ઉંચા ફુગાવાના દર અને વધતા વ્યાજ દરો વચ્ચે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો છે. આ મહિનાની શરૂઆતમાં ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિનું અનુમાન અગાઉના ૭.૮% થી ઘટાડીને ૭% કર્યું હતું. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચએ પણ તેનો અંદાજ ૭% થી ઘટાડીને ૬.૯% કર્યો છે. એશિયન ડેવલપમેન્ટ બેંકએ તેનું અનુમાન ૭.૫% થી ઘટાડીને સાત ટકા કર્યું છે. ભારતીય રિઝર્વ બેંક ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલ-માર્ચ)માં ભારતીય અર્થવ્યવસ્થા ૭.૨% ના દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા રાખે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.