(જી.એન.એસ) તા. 24
પુંછ,
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી શનિવારે જમ્મુ કાશ્મીરના સરહદી જિલ્લા પૂંછમાં પહોંચ્યા છે. જ્યાં પાકિસ્તાનના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના સ્વજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી. રાહુલ ગાંધી ગોળીબારથી પ્રભાવિત લોકોની વ્યથા સાંભળી રહ્યા છે. પહલગામ આતંકી હુમલા બાદ રાહુલ ગાંધી બીજી વખત જમ્મુ-કાશ્મીર આવ્યા છે. પહલગામ હુમલા બાદ કોંગ્રેસ નેતા અગાઉ 25 એપ્રિલે શ્રીનગર પહોંચ્યા હતાં.
પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને આઠથી દસ દિવસ સુધી સીઝફાયરનું ઉલ્લંઘન કરી આંતરરાષ્ટ્રીય સરહદો પર ગોળીબાર અને મોર્ટાર વડે હુમલા કર્યા હતાં. જેમાં 20 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતાં. જ્યારે 80થી વધુ લોકો ઘવાયા હતાં.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂંછમાં પીડિતોની મુલાકાત દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે, આ ખૂબ જ ભયાવહ ઘટના હતી. અહીં ઘણા લોકો માર્યા ગયા છે. મેં પીડિતો સાથે મુલાકાત કરી, વાતો કરી. હું પરિસ્થિતિ અને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ મુદ્દાને હું રાષ્ટ્રીય સ્તરે ઉઠાવીશ.

