વર્ષ ૨૦૨૫-૨૬ માટે https://e-kutir.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાથી મળશે યોજનાનો લાભ
(જી.એન.એસ) તા. 8
ગાંધીનગર,
પાટનગર ગાંધીનગર ખાતે કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે તેમજ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં ‘માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલ’ લાઈવ કરવામાં આવ્યુ. વર્ષ ૨૦૨૫-૨૬ માટે કમિશનરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા લાઈવ કરવામાં આવેલ આ ઓનલાઈન પોર્ટલ થકી રાજ્યના નાગરિકોને વધુ સારી અને ઝડપી સેવાઓ ઘરે બેઠા મળી રહેશે.
રાજ્યના નાના કારીગરો અને આર્થિક રીતે પછાત વર્ગની વ્યક્તિઓ માટે સાધન-ઓજાર ખરીદવા માટે ઈ-વાઉચર આપતી માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે https://e-kutir.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકાશે. આ અરજીઓની જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચકાસણી કર્યા પછી, પારદર્શી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા પસંદ થયેલા લાભાર્થીઓને ટૂલકીટ ખરીદવા માટે ઈ-વાઉચર આપવામાં આવશે. આ ઈ-વાઉચર પ્રાપ્ત થયા પછી લાભાર્થી તેનો ઉપયોગ કરીને પોતાની પસંદગી મુજબ ટૂલકીટ ખરીદી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૮ થી ૬૦ વર્ષની વયના અને જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ સુધીની હોય તેવા તમામ લોકોને ૧૦ પ્રકારની પ્રવૃત્તિઓ માટે સાધન-ઓજારની ટૂલકીટ ખરીદવા માટે ઇ-વાઉચર આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ પૈકીના અતિ પછાત વર્ગની ૧૨ જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકી અતિ પછાત તેમજ વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહી.
આ પ્રસંગે કુટિર અને ગ્રામોદ્યોગ સચિવ-કમિશનર શ્રી આદ્રા અગ્રવાલ, અધિક કમિશનર શ્રી એચ.બી.પટેલ, નાયબ સચિવ કુ. યોગિના જે. પટેલ, સંયુક્ત કમિશનર શ્રી એ.એમ.પંચાલ, નાયબ કમિશનરશ્રી કુ.પી.ટી.પરમાર, પીએમયુમાંથી શ્રી ધ્રુમિલ પ્રજાપતિ અને જીઆઇપીએલમાંથી શ્રી જયદીપ સોલંકી ઉપસ્થિત રહ્યાં હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.