Home ગુજરાત ગાંધીનગર ગુજરાતમાં જળસંચયને પ્રોત્સાહન આપવા ૫૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી...

ગુજરાતમાં જળસંચયને પ્રોત્સાહન આપવા ૫૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાશે: જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

7
0

(જી.એન.એસ) તા. 6

ગાંધીનગર,

જળસંચય – જનભાગીદારી અભિયાન અંગે વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા રજૂ કરાયેલા બિન સરકારી સંકલ્પને આવકારતા જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જળસંચયને પ્રોત્સાહન આપવા માટે વિકસિત ગુજરાત-૨૦૪૭ સુધીમાં રાજ્યના ૫૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાનો અમારો લક્ષ્યાંક છે.

આ સંદર્ભે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સૂક્ષ્મ સિંચાઈ થકી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ થશે અને જળસંચયના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં વેગ મળશે. ગુજરાતના મહત્તમ ખેડૂતો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા સૂક્ષ્મ સિંચાઈ માટે ૭૦ ટકાથી ૯૦ ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે. પરિણામે ખેડૂતો ફૂવારા અને ટપક જેવી સિંચાઈ પદ્ધતિઓ બહોળા પ્રમાણમાં અપનાવવા લાગ્યા છે.  

વધુમાં જળસંપત્તિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતની ભૌગૌલિક અસમાનતાને પહોંચી વળવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણીના પ્રશ્નને ટોચની અગ્રતા આપીને અનેક યોજનાઓ થકી રાજ્યના ખૂણે-ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડ્યું છે.

ગુજરાતના કૃષિ વિકાસ, ઔદ્યોગિક વિકાસ અને ડેરી ઉદ્યોગ સહિતના ક્ષેત્રોનો વિકાસ સર્વત્ર પાણીની ઉપલબ્ધી થકી શક્ય બન્યો છે. ગુજરાતની પ્રજાએ વરસાદી પાણીના સંગ્રહ અને ઉપયોગથી ‘જળ એ જ જીવન’ના સૂત્રને સાચા અર્થમાં ચરીતાર્થ કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભૂગર્ભ જળની ઉપલબ્ધી પણ સમગ્ર રાજ્યમાં એક સમાન નથી. વર્ષ ૨૦૨૪ની ભૂગર્ભ જળ અંદાજ ગણતરી મુજબ ગુજરાતના ૨૨ તાલુકા ઓવર-એક્સ્પ્લોઈટેડ, ૧૦ તાલુકા ક્રિટીકલ અને ૨૪ તાલુકા સેમી-ક્રિટીકલ મળીને કુલ ૫૬ તાલુકામાં ભૂગર્ભ જળ લેવલ નીચા જઇ રહ્યા છે તેમજ ભૂગર્ભ જળ આવરો પણ ઘટી રહ્યો છે.

ભૂગર્ભ જળ લેવલ નીચા જવાની આ વિપરીત અસરો સામે ટકી રહેવા માટે જન ભાગીદારી થકી જળસંચય અતિ આવશ્યક છે. ભારત સરકારે આ બાબતને અગ્રતા આપીને, ભૂગર્ભ જળમાં વધારો થાય તે માટે અટલ ભૂજલ યોજના અમલમાં મૂકી હતી. આ યોજના દ્વારા ગુજરાતમાં ભૂગર્ભ જળના સ્તર અને ગુણવત્તામાં સુધારો તેમજ જળ વ્યવસ્થાપન વધુ મજબૂત થઈ રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

‘જલ સંચય – જન ભાગીદારી અભિયાન’ દ્વારા ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં જળ સંચય, ભૂગર્ભ જળ રીચાર્જ, જળ સંરક્ષણ માટેના અનેકવિધ કામો હાથ ધરવા માટે અભિયાન શરૂ કર્યું છે. રાજ્યના તમામ વિસ્તારોમાં જળ સંચય થકી ભાવિ પેઢીને સુરક્ષિત કરતા આ ઉમદાકાર્યમાં સૌ સભ્યો સહિયારા પ્રયત્નો કરશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે વિધાનસભા ગૃહ ખાતે બિન સરકારી સંકલ્પ રજૂ કરતા જણાવ્યું હતું કે, પીવા માટે, કૃષિ ઉત્પાદન તેમજ ઔદ્યોગિક વિકાસ માટે ભૂગર્ભજળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત સરકારે શરૂ કરેલા જળશક્તિ અભિયાનના અનેક પ્રોત્સાહક પરિણામો મળ્યા છે. જે અંતર્ગત ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે “જળસંચય જનભાગીદારી” કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, જળસંચય જનભાગીદારી કાર્યક્રમનો મુખ્ય હેતુ ભૂગર્ભજળના તળો ઊંચા લાવવા, જળસંચયમાં વધારો કરવો, જળવાયુ પરિવર્તનની વિપરીત અસરો સામે ટકી રહેવાનો તેમજ ભૂગર્ભજળની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભજળના રીચાર્જ માટે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરો જેવા કે, રીચાર્જ બોરવેલ, ચેકડેમ, તળાવો, રૂફ વોટર હાર્વેસ્ટિંગના કામો તથા હયાત સ્ટ્રક્ચરોની મરામત અને નિભાવણીની કામગીરી કરવામાં આવે છે.

ભૂગર્ભજળના અનિયમિત અને વધુ પડતા ખેંચાણના કારણે કેટલાક વિસ્તારોના ભૂગર્ભજળના તળોમાં ઝડપથી અને વ્યાપક ઘટાડો થયો છે. આ પરિસ્થિતિમાં લોકભાગીદારી, CSR તેમજ અન્ય યોજનાઓ સાથેના કન્વર્ઝન્સ સહ ભૂગર્ભજળની ગુણવત્તા તથા તળોને ઊંચા લાવવા માટેનો “જળસંચય જનભાગીદારી” કાર્યક્રમ એક ચાવી રૂપ ભૂમિકા ભજવી શકે તેમ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં વરસાદ ઘણીવાર ઓછો અને અનિયમિત પડે છે. જેથી પાણીની સિમિત ઉપલબ્ધતાને ધ્યાને લઈ લોકભાગીદારી થકી ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો આવે તેમજ લોકજાગૃતિ કેળવાય તે માટે વધુમાં વધુ કામો હાથ ધરીને “જળસંચય જનભાગીદારી અભિયાન”નો અસરકારક અમલમાં કરાવવા માટે ધારાસભ્યશ્રીએ સંકલ્પ રજૂ કર્યો હતો.

આ સંકલ્પની ચર્ચામાં ધારાસભ્ય સર્વ શ્રી ભગાભાઈ બારડ, શ્રી હાર્દિક પટેલ, શ્રી પ્રવિણભાઈ માળીએ પોતાના વિચારો રજૂ કરીને સમર્થન આપ્યું હતું. જળસંચય અભિયાન અંગે લાવવામાં આવેલા આ બિન સરકારી સંકલ્પનો વિધાનસભા ગૃહ દ્વારા સર્વાનુમતે સ્વીકાર કરાયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field