ગાંધીનગર ખાતે IITE નો સાતમો પદવીદાન સમારોહ યોજાયો
(જી.એન.એસ) 3
ગાંધીનગર,
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં IITEના ૩,૦૧૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, વિકસીત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં સૌ નાગરીકો ભગીરથ પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે આપ સૌ શિક્ષકોએ એવા બાળકોનું ઘડતર કરવાનું છે જેઓ ભવિષ્યમાં દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે.
મંત્રી શ્રી પાનસેરીયાએ ઉમેર્યું હતું કે, એક સારો, ઉમદા, ચારિત્ર્યવાન, કર્મનિષ્ઠ, સમાજસેવી, બાળકોને પ્રેમ કરનાર અને ભવિષ્યને ભાખી શકનાર કર્મયોગી શિક્ષક જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આવા શ્રેષ્ઠ શિક્ષકોના જગતને ભેટ આપવાના ઉમદા આશયથી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ સંસ્થાને પરિકલ્પિત કરી હતી. આ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન – IITE એ શિક્ષકોને પ્રશિક્ષણ આપતી ભારતની પ્રથમ સંસ્થા છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણને બળવત્તર બનાવવા માટેના દૂત, એટલે કે શાળામાં ભણાવતા શિક્ષકોને તાલીમ આપવાનું શ્રેષ્ઠ કામ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન કરી રહી છે. દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર એવા દેશના ભાવી યુવાનોને આપ સૌએ શિક્ષિત કરવાના છે. વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં IITE ના શિક્ષકો દ્વારા અપાયેલ શિક્ષણ ખુબ જ અગત્યનો ભાગ ભજવશે.
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન IITE શિક્ષક અને પ્રશિક્ષકના ઘડતર માટેની કેળવણી આગવી રીતે આપી રહી છે. આજે આપ સૌનું ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત થયું છે ત્યારે તમારે સૌએ સમાજની અપેક્ષાઓની પરિપૂર્તિ કરવાનું ભગીરથ કાર્ય કરવાનું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આપણી સંસ્કૃતિ અને રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવામાં શિક્ષણ વ્યવસ્થા મહત્વનું પાસુ છે. શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવાનું ઉમદા કાર્ય શિક્ષકોએ કરવાનું છે. વિદ્યાર્થીના જીવન ઘડતરના પાયામાં શિક્ષક દ્વારા અપાયેલું જ્ઞાન હોય છે ત્યારે એ સુનિશ્ચિત કરવું રહ્યું કે, તમારા પાસેથી શિક્ષણ મેળવેલ બાળક યોગ્ય દિશામાં, દેશને ઉપયોગી બની શકે તેવા કાર્યોમાં જોડાય. આ તમામ પદવીપ્રાપ્ત વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બને તેવી શુભેચ્છાઓ પાઠવી પ્રત્યેક વિદ્યાર્થી પોતાની નૈતિક જવાબદારી સમજીને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પોતાનું યોગદાન આપે તેવું મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનનાં કુલપતિ શ્રી રમેશ પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, આવતીકાલના શિક્ષકોને ભારતીય પરંપરાના જ્ઞાન સાથે ઉછેરવા અને શિક્ષકોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને શિક્ષક શિક્ષણના નવા યુગની શરૂઆતની દિશામાં IITE કાર્ય કરી રહી છે. ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તેમના વ્યવસાયિક જીવનમાં ડગ માંડી રહયા છે ત્યારે તેઓએ IITE માંથી મેળવેલ શિક્ષણનો યોગ્ય દિશામાં ઉપયોગ કરી નવીનીકરણ સાથે રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરવાનું છે.
NCTEના પૂર્વ અધ્યક્ષ પ્રો. સંતોષ પાંડાએ પ્રાસંગોચિત ઉદબોદન કરતાં જણાવ્યું હતું કે, વિકસીત ભારતના નિર્માણ માટે IITE જેવી ઉત્તમ સંસ્થાઓનું યોગદાન ખૂબ જરૂરી છે. અહીંના પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓ દેશના સાંસ્કૃતિક, આધ્યાત્મિક જ્ઞાનને શિક્ષણ પ્રણાલી થકી બાળકોમાં પહોંચાડશે. તેમણે IITE ભવિષ્યમાં એક આંતરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય બને તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.
આ પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા બી.એ બી.એડ.ના ૮૫, બી.એસસી. બી.એડ.ના ૭૭, બી.એડ. એમ.એડ.ના ૭, બી.એડ.ના ૨,૭૪૫, એમ.એ. એમ. એડના ૫, એમ.એસસી. એમ.એડ.ના ૩૯ તેમજ એમ.એડ.ના ૨૪ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. ઉપરાંત એમ.એ. (એજ્યુકેશન)ના ૨૦, પી.એચડી.ના ૫ અને એમ.એસ. સી.ના ૩ જેવા સ્નાતક અને અનુસ્નાતક કાર્યક્રમો તેમજ શિક્ષણ વિદ્યાશાખામાં શોધ કાર્યક્રમ પીએચ.ડી.ના કુલ મળીને ૩,૦૧૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે IITEના વાર્ષિક અહેવાલનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે બે શ્રેષ્ઠ શિક્ષકોને ચાણક્ય એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
પદવીદાન સમારોહમાં ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, IITE ની ગવર્નિગ, એક્ઝયુકેટિવ, એકેડેમિક અને ફાયનાન્સ કમિટીના સભ્યોશ્રીઓ, કુલ સચિવ શ્રી અનિલ વરસાત, ડીન શ્રી પ્રેરણા શેલત સહિત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, IITE ના અધ્યાપકો, પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.