(જી.એન.એસ) તા. 14
નવી દિલ્હી/ અમૃતસર,
ફરી એકવાર અમેરિકા દ્વારા લગભગ 180 જેટલા ભારતીયોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે 15 ફેબ્રુઆરી, 2025ના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. મીડિયા સૂત્રો દ્વારા માહિતી અનુસાર, ડિપોર્ટ કરેલા લોકોની સ્ક્રીનિંગ બાદ તેમને તેમના સંબંધિત રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
થોડા દિવસો અગાઉ પણ, અમેરિકા દ્વારા 104 ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જેમને અમેરિકન સૈન્ય વિમાન C-17 ગ્લોબમાસ્ટર દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. આ પ્રથમ સમૂહમાં પંજાબના 30, હરિયાણા અને ગુજરાતના 35-35, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશ અને ચંડીગઢના 2-2 લોકો સામેલ હતા.
વિપક્ષના વિરોધ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમેરિકા પોતાના નિયમો અનુસાર ભારતીયોને ડિપોર્ટ કરી રહ્યું છે અને આ પહેલા પણ ગેરકાયદે રહેતા લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.

