(જી.એન.એસ) તા.૮
ગાંધીનગર,
નવી દિલ્હીમાં સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે, તા. 12 જાન્યુઆરીએ યોજાનારા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના 45 યુવાનો પસંદગી પામ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે રાજભવનમાં ગુજરાતના આ તેજસ્વી યુવાનોને મળ્યા હતા અને તેમને અભિનંદન-શુભકામનાઓ પાઠવ્યા હતાં.રાષ્ટ્રીય યુવા મહોત્સવ અંતર્ગત નવી દિલ્હીમાં ભારત મંડપમ્ માં તા. 11-12 જાન્યુઆરી દરમિયાન ‘વિકસિત ભારત યુવા નેતૃત્વ સંવાદ’નું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા માટે ભારતભરના 25 લાખ જેટલા યુવાનોએ ઑનલાઈન ક્વિઝમાં ભાગ લીધો હતો. આ ક્વિઝમાં ઉત્તીર્ણ થયેલા ગુજરાતના 870 યુવાનોએ નિબંધ લેખનમાં ભાગ લીધો હતો. નિબંધ લેખનમાં શ્રેષ્ઠતા હાંસલ કરનાર 250 યુવાનોએ રાજ્ય કક્ષાએ પ્રેઝન્ટેશન કર્યું હતું, તેમાંથી 45 યુવાનો પસંદગી પામ્યા છે, જે નવી દિલ્હી જઈ રહ્યા છે. ‘વિકસિત ભારત યુવા નેતૃત્વ સંવાદ’ માટે પસંદગી પામેલા ગુજરાતના પ્રતિભાવાન અને મેધાવી યુવાનોને અભિનંદન આપતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, “આપની નિપુણતા અને પ્રત્યુત્પન્નમતિનો પરિચય દેશના અન્ય યુવાનોને કરાવજો અને સંવાદની ફળશ્રુતિ પાછા આવીને મને કહેજો.” રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના આ યુવાનો સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી વર્ષ-2047 સુધીમાં ‘વિકસિત ભારત’ માટે સંકલ્પબદ્ધ છે. વિકસિત ભારતનો સૌથી વધુ લાભ યુવા પેઢીને અને તેમની સંતતિને મળવાનો છે. વિશ્વમાં ભારતનું ગૌરવ વધે, ‘વિશ્વ ગુરુ’ તરીકે ભારત પુનઃ પ્રસ્થાપિત થાય એ માટે યુવાનોએ પોતાની અનુપમ પ્રતિભા જાગૃત કરીને દેશના વિકાસમાં યોગદાન આપવાની આવશ્યકતા છે. ગુજરાત અમથું જ ‘અનેકો માં એક’ નથી, ગુજરાતના યુવાનો પ્રતિભાશાળી છે. ગુજરાતના યુવાનોનું ચિંતન દેશના અન્ય યુવાનોનું ચિંતન બને, યુવાનો ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ સાથે તેમણે યુવાનોને નવી દિલ્હી જવા વિદાય આપી હતી. આ યુવાનો આજે રાત્રે નવી દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.