અમરેલી,
અમરેલીના ચર્ચિત લેટરકાંડમાં મહત્વનો વળાંક આવ્યો છે. 4 આરોપીઓના નીચલી કોર્ટે જામીનની અરજીને ફગાવી છે. અમરેલીના બનાવટી લેટર કાંડના મહત્વના સમાચાર સામે આવ્યા છે.મહિલા સહિત 4 આરોપીઓના જામીનની અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી છે. આ તમામ આરોપીઓ પર સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા જામી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આ ઘટનાને ગંભીર ગણાવીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “લાજ લેનારા સામે લડીશુ. કૌરવ કુળના અહંકારી લોકોએ, અમરેલીની ભરબજારમાં, એક કુંવારી કન્યાનો ‘જાહેરમા વરઘોડો’ કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ ક્યારેય માફ નહી કરે..!” બીજી તરફ, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે પણ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, “જે દીકરીએ ખાલી એના શેઠે કીધું અને પત્ર લખ્યો એના માટે આવા ગંભીર પગલાંઓ યોગ્ય નથી. નકલી પત્રના આરોપીઓને પકડી પાડ્યા તો ડ્રગ્સ જિલ્લામાં કોણ લાવે તેને ખુલ્લા પાડી જ શકો છો. સાથે જ કહ્યું કે દીકરી ઉંમરલાયક છે એના લગ્ન પણ નથી થયા અને તેના સરઘસ કાઢો છો તે કેટલે અંશે યોગ્ય છે.” ઉલ્લેખનીય છે કે, આ મામલે ખોડલધામ સમિતિએ પણ પીડિત યુવતીને મદદ કરવાની જાહેરાત કરી છે. સમિતિના સભ્યો અને અગ્રણીઓ યુવતીને જેલમાંથી મુક્ત કરાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે હાલમાં રાજકીય માહોલ ગરમાયો છે. વિપક્ષ દ્વારા સરકાર પર આ મામલે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જોકે સરકારે હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.

