Home મધ્ય ગુજરાત અમદાવાદ 8 મે – વિશ્વ રેડક્રોસ દિવસ : રેડક્રોસની ગુજરાત શાખાના પ્રમુખ અને...

8 મે – વિશ્વ રેડક્રોસ દિવસ : રેડક્રોસની ગુજરાત શાખાના પ્રમુખ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની આ માનવીય મિશનમાં સહયોગ અને સમર્થન આપવાની અપીલ

20
0

ગુજરાતમાં રેડક્રોસ દ્વારા 33,000  પ્રશિક્ષિત સ્વયંસેવકો પોતાની સેવાઓ આપવા સમર્પિત : 6 લાખ  યુવાનોને પ્રાથમિક સારવાર અને સી.પી.આર.નું પ્રશિક્ષણ

રક્તદાન અને નેત્રદાનમાં દેશમાં પ્રથમ ગુજરાત રેડક્રોસ વર્ષે 2 લાખથી વધારે રક્ત યુનિટ જરૂરિયાતમંદ લોકોને આપે છે

(જી.એન.એસ) તા. 7

ગાંધીનગર/અમદાવાદ,

રાજ્યપાલ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તા. 8 મી મે, વિશ્વ રેડક્રોસ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિઓની પીડા ઓછી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં કહ્યું છે કે, ગુજરાતમાં 33 જિલ્લા અને 92 તાલુકા શાખાઓ સાથે રેડક્રોસ માનવીય સેવા માટે સક્રિય છે. સ્વૈચ્છિક રક્તદાન અને નેત્રદાનમાં દેશમાં પ્રથમ ગુજરાત રેડક્રોસના બ્લડ સેન્ટર્સ વર્ષે 2,00,000 થી વધારે રક્ત યુનિટ એકત્ર કરીને જરૂરિયાતમંદ લોકોને આપે છે.

રેડક્રોસના સંસ્થાપક જીન હેનરી ડૂનન્ટનો જન્મદિવસ વિશ્વ રેડક્રોસ દિવસ – વર્લ્ડ રેડ ક્રેસેન્ટ દિવસ તરીકે ઉજવાય છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે રેડક્રોસના માનવીય મિશનને સમર્થન અને સહયોગ આપવાની અપીલ કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં 24 રેડક્રોસ બ્લડ સેન્ટર્સ અને 16 બ્લડ સ્ટોરેજ યુનિટ કાર્યરત છે. 8 વધુ બ્લડ સેન્ટર્સ સ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આધુનિક ઉપકરણોથી સુસજ્જ 14 ફિઝિયોથેરાપી સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. સર્વાઈકલ કેન્સર અને સ્તન કેન્સર નિયંત્રણ માટે 10,000 જેટલી મહિલાઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. રાજ્યમાં 11 પેથોલોજી લેબોરેટરી પણ નાગરિકોની સેવામાં છે.

ગુજરાતમાં રેડક્રોસ દ્વારા 33,000  સ્વયંસેવકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે, જે કોઈ પણ પ્રકારની આપદાઓ વખતે પોતાની સેવાઓ આપવા સમર્પિત છે. રાજ્યમાં 6,00,000  યુવાનોને પ્રાથમિક સારવાર અને સી.પી.આર. નું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.

તા. 8 મી મે એ વિશ્વ થેલેસેમિયા દિવસ પણ મનાવવામાં આવે છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાત રેડક્રોસ દ્વારા થેલેસેમિયા અને સિકલસેલ નિવારણ અભિયાન  હાથ ધરવામાં આવ્યું છે, જે ભારતમાં આ પ્રકારનું પહેલું અભિયાન છે. ઈન્ડિયન રેડક્રોસના રાષ્ટ્રીય હેડક્વાર્ટર અને અન્ય રાજ્યોની શાખાઓએ પણ આ અભિયાનને નોડલ પ્રોજેક્ટ તરીકે અપનાવ્યું છે. ગુજરાત રેડક્રોસ દ્વારા થેલેસેમિયા મેજર બાળકોને રક્ત યુનિટ નિઃશુલ્ક આપવામાં આવે છે. એટલું જ નહીં, થેલેસેમિયા અને સિકલસેલ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત લાખ્ખો વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે અને 550 થી વધુ થેલેસેમિયા મેજર બાળકોને આ દુનિયામાં આવતા અટકાવવામાં સફળતા મળી છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ વર્ષ ‘માનવતાને જીવંત રાખીએ’ ની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે, એમ કહીને વિશ્વ રેડક્રોસ દિવસે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં રેડક્રોસના અધ્યક્ષ શ્રી અજયભાઈ પટેલ અને ગુજરાત રેડક્રોસની સમગ્ર ટીમ દ્વારા રક્તદાન કાર્યક્રમને વેગવાન બનાવવામાં આવ્યો છે. રાજ્યમાં ક્યાંય પણ એક જ કલાકમાં જરૂરિયાતમંદ વ્યક્તિને સુરક્ષિત રક્ત ઉપલબ્ધ કરાવવાની દિશામાં પ્રસંશનીય કાર્ય થઈ રહ્યું છે. ગુજરાતના સેવાભાવી ભાઈ-બહેનો રેડક્રોસની પ્રવૃત્તિઓમાં પૂર્ણ સહયોગ આપે જેથી રેડક્રોસની કલ્યાણકારી યોજનાઓને વધુ પ્રભાવક રીતે અમલી કરી શકાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article20 વર્ષ પહેલા ઇલેક્ટ્રિક શોકને કારણે બે હાથ ગુમાવનાર વ્યક્તિએ પગ વડે મતદાન કર્યું
Next articleઆઈપીએલ 2024: દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ મેચમાં અમ્પાયરના નિર્ણય સામે અસંમતિ, સંજુ સેમ્સનને બીસીસીઆઇએ ફટકાર્યો દંડ