વર્ષ ૨૦૨૩-૨૦૨૪ તથા ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા શ્રમયોગીઓને રોકડ પુરસ્કાર, સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કરાશે
(જી.એન.એસ) તા. ૨
ગાંધીનગર,
ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ઍન્ડ હેલ્થ નિયામક કચેરીના ઉપક્રમે રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓને બિરદાવવા માટે બુધવાર તા. ૪ ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યે જીઆઇડીએમ (GIDM) ઑડિટોરિયમ, ગાંધીનગર ખાતે શ્રમ પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં યોજાશે. આ પ્રસંગે વિભાગના સચિવ શ્રી લોચન સેહરા પણ ઉપસ્થિત રહેશે.
રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત આ પારિતોષિક સમારોહમાં વર્ષ ૨૦૨૩-૨૦૨૪ તથા ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન રાજ્યના વિવિધ ઔદ્યોગિક એકમોમાં સંકટ સમયની આત્મસૂઝ અને સાહસ બતાવનારા, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો, ઔદ્યોગિક શાંતિ જાળવવામાં યોગદાન આપનારા, કામદાર કલ્યાણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા શ્રમયોગીઓને રોકડ પુરસ્કાર, સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે તેમ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ઍન્ડ હેલ્થ નિયામક કચેરીની યાદીમાં જણાવ્યું છે.

