(G.N.S) Dt. 18
ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા પંથકની મુલાકાત લઈ રાજ્યની ઔદ્યોગિક પ્રગતિની સમીક્ષા કરી હતી.
શ્રી હર્ષ સંઘવીએ દિવસની શરૂઆતમાં સાણંદ-૨ GIDC ખાતે કાર્યરત સેમીકન્ડક્ટર ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓ Micron Technology, Kaynes Semicon Private Limited અને CG SEMI Private Limited ના એકમોની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે ટેકનોલોજીના ક્ષેત્રે ગુજરાતની વધતી જતી મજબૂત પક્કડ અને ભાવિ આયોજનો અંગે ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા કરી હતી.
ત્યારબાદ નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ બાવળા તાલુકાના ભાયલા ગામ પાસે સ્થિત ક્રિસ્ટલ લોજિસ્ટિક્સ પાર્કમાં INOX Wind ના WTG મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને INOX Solarના PV મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, INOX ગ્રુપના દેવાંશ જૈન, કિરીટસિંહ ડાભી તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્લાન્ટની કાર્યપ્રણાલીનું પણ નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે આયોજિત સભાને સંબોધતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોઈ એક કંપનીના શરૂ થવાથી આસપાસના અનેક પરિવારોના જીવનમાં કેવું મોટું પરિવર્તન આવે છે, તેનું જીવંત ઉદાહરણ આજે અહીં જોઈ શકાય છે. INOXના આ સોલાર મેન્યુફેક્ચરિંગ યુનિટના માધ્યમથી હજારો સ્થાનિક લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
આ નવા ઉદ્યોગના આગમનથી માત્ર નોકરીઓ જ નહીં, પરંતુ આસપાસના નાના-મોટા અનેક વ્યાપાર પણ ધમધમતા થશે, જે સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ આપશે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે કોઈ પણ રોકાણકાર પોતાની મૂડી રોકવાનું વિચારે છે ત્યારે તે મુખ્ય બે બાબતો પર ધ્યાન આપે છે: પહેલી તેની મૂડીની સુરક્ષા અને બીજી તે રોકાણ પર મળતું વળતર.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત એવું રાજ્ય છે જે રોકાણકારોને આ બંને બાબતની ખાતરી આપે છે. અહીં રોકાયેલા રૂપિયા રોકાણકારોની આવનારી પેઢીને વ્યાજ સહિત શ્રેષ્ઠ વળતર સાથે પરત મળે છે. ગુજરાતની શ્રેષ્ઠ પોલિસી ડ્રિવન કાર્યશૈલીને કારણે જ આજે રાજ્ય સોલાર સેલ, સોલાર ગ્લાસ અને સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગમાં સમગ્ર દેશનું સૌથી મોટું હબ બની ગયું છે.
વિકાસના રોડમેપ અંગે વાત કરતા શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં રેલવે કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી, પોર્ટ અને ધોલેરા સર જેવા પ્રકલ્પો જે રીતે તૈયાર કરવામાં આવ્યા છે, તેનો મહત્તમ લાભ અહીંના ઉદ્યોગોને મળવાનો છે.
તેમણે શ્રી કિરીટસિંહ ડાભી અને જિલ્લા પ્રશાસનને અભિનંદન આપતા કહ્યું હતું કે વહીવટી તંત્રના સાથ-સહકારને કારણે જ આટલા મોટા પાયે મૂડી રોકાણ અહીં શક્ય બન્યું છે, જેના કારણે સ્થાનિક યુવાનોને પોતાના સપના સાકાર કરવા માટે ઘરઆંગણે જ રોજગારના અવસરો મળ્યા છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતા વતી INOX GFL ગ્રુપનું ગુજરાતની ધરતી પર સ્વાગત કર્યું હતું.

