(જી.એન.એસ) તા. ૧૬
ગાંધીનગર,
ગુજરાત રાજ્ય સરકાર પાકમાં રોગ-જીવાતથી થતા નુકશાનને અટકાવવા હરહંમેશ ખેડૂતોની પડખે રહી છે. જે અંતર્ગત ખેડૂતોને રાઇના ઊભા પાકમાં સંકલિત જીવાતોના નિયંત્રણ-વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં અંગે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
જે અંતર્ગત રાઈના ઊભા પાકમાં મોલો તેમજ લીલી ઇયળની શરૂઆત થાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી તૈયાર કરેલ ૫ ટકા અર્ક અથવા લીમડાના તેલ આધારિત તૈયાર દવા ૪૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. આ ઉપરાંત મોલો તેમજ રંગીન ચૂસિયાનો ઉપદ્રવ વધારે હોય ત્યારે ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુજી ૨ ગ્રામ અથવા થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જોઈએ. રાઇની માખીના નિયંત્રણ માટે કવીનાલફોસ ૦.૦૫ ટકા પ્રમાણે ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો અથવા કવીનાલફોસ ૧.૫ ટકા પાવડર હેક્ટરે ૨૦થી ૨૫ કિલો ગ્રામ મુજબ છંટકાવ કરવો જોઈએ. આ દવાઓના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર ખેડૂતોએ તેમના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવો.

