(જી.એન.એસ) તા. 25
ચેઓનન,
દક્ષિણ કોરિયામાં એક પુલ તૂટી પડવાની ભયાનક ઘટના બની હતી જેમાં 4 લોકોના મોત થયાં છે, જ્યારે 5 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના દક્ષિણ કોરિયાના ચેઓનન શહેરમાં બની, જ્યાં એક એક્સપ્રેસવેના બાંધકામ દરમિયાન પુલનો એક હિસ્સો અચાનક નીચે ખાબક્યો. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે તે કોઈ ફિલ્મનો સીન ચાલી રહ્યો હોય તેવું લાગ્યું. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ અકસ્માત સિઓલથી લગભગ 90 કિલોમીટરના અંતરે આવેલા આ શહેરમાં બન્યો.
આ ઘટના મામલે મળતી માહિતી અનુસાર, પુલના કાટમાળ નીચે ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં, ફસાયેલા લોકોને બચાવવા માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાના એક મંત્રીએ AFP ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલોની હાલત હાલ સ્થિર જણાય છે, જોકે ફાયર એજન્સીના નિવેદન મુજબ, 5 લોકોની હાલત ગંભીર છે, જે ચિંતાનો વિષય છે. અધિકારીઓ હજુ સુધી એ નક્કી કરી શક્યા નથી કે આ હાઈવેનો ભાગ તૂટી પડવા પાછળનું ચોક્કસ કારણ શું હતું.
આ ઘટના બાદ સ્થાનિક અધિકારીઓ અને બચાવ ટીમો સતત કામ કરી રહી છે. પુલનો કાટમાળ હટાવવાની સાથે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. આ દુર્ઘટનાએ બાંધકામની ગુણવત્તા અને સુરક્ષા ધોરણો અંગે પણ સવાલો ઉભા કર્યા છે. અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને ટાળી શકાય. ફાયર વિભાગે પણ આ ઘટનાને ગંભીર ગણાવીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.


