(જી.એન.એસ) તા. 24
સુરત,
સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને એક મોટી સફળતા મળી છે જેમાં, છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાંચાલી રહેલી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં આરોપીને પકડવામાં આવ્યો છે. સુરત અને અન્ય જિલ્લામાં 50થી વધુ ચોરી કરનારની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડથી ઘણી ચોરીઓના ખુલાસાઓ થયા છે.
આ મામલે મળતી માહિતી મુજબ સુરત પોલીસે 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓના માસ્ટરમાઇન્ડ વિજય હિંમત મકવાણાની અઠવાલાઈન્સની ન્યુ કોર્ટ બિલ્ડીંગ પાસેથી ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા અને સોનાનું બ્રેસલેટ સહિત કુલ રૂપિયા 2,39,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીએ રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ આચરવાની કબૂલાત કરી છે. આ ઉપરાંત, છેલ્લા ત્રણ માસમાં સુરત શહેરની 18થી વધુ દુકાનોને પણ નિશાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

