Home ગુજરાત તોગડિયાએ મોદી સામે મોરચો ખોલ્યો- અમારે હિન્દુત્વ જોઇએ જ

તોગડિયાએ મોદી સામે મોરચો ખોલ્યો- અમારે હિન્દુત્વ જોઇએ જ

1210
0

(જી.એન.એસ.) અમદાવાદ, તા.16
પ્રવિણ તોગડિયાએ અમદાવાદમાં ચંદ્રમણિ હોસ્પિટલ ખાતે પત્રકારોને કરેલા સંબોધનમાં ગુજરાત પોલીસ અને રાજસ્થાન પોલીસને ક્લીન ચીટ આપી હતી. તેમણે કહ્યું હતું કે મારા ગુમ થવા પાછળ પોલીસ વિભાગનો કોઈ હાથ નથી. સંબોધન દરમિયાન તે વારંવાર ભાવુક થતાં જોવા મળ્યાં હતા. તેમણે સમગ્ર ઘટના પર પડદો પર ઉંચકતા ભાજપ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે વખત આવે પુરાવા સાથે વાતચીત કરીશ. તેમણે કહ્યું હતું કે જે કેસની તેમને જાણ ન હોય તેવા કેસમાં તેમના નામના ધરપકડ વોરન્ટ નિકળવા લાગ્યા છે. તેમણે સેન્ટ્રલ આઈબી અને કેન્દ્ર સરકાર પર અંગૂલિનિર્દેશ કરતા વધું ચોખવટ કરવા માટે થોડી રાહ જોવા કહ્યું. તેમણે તેમના કાર્યકરોને પણ શાંતિ જાળવવા અપીલ કરી. તેમણે કહ્યું કે તે જીવનભર હિંદૂ સંગઠનોની એકતા માટે કામ કરી રહ્યાંછે તે કરતાં રહેશે પણ તેમને સરકારના ઈશારે નિશાન બનાવવામાં આવ્યા છે. અને અવાજ દબાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે, ” હું હિંદૂ એકતા માટે પ્રયાસ કરતો રહ્યો. ઘણાં વર્ષોથી જે હિંદૂઓની અવાજ હતી કે રામ મંદિર બનાવો, ગૌહત્યા અટકાવો, કાશ્મિરીઓને બચાવો, અને કિસાનોને પૂરતો ભાવ મળે તેમ કરો. આ માટે પ્રયાસ કરતો રહ્યો. મારા આ પ્રયાસને સેન્ટ્રલ IB દ્વારા અટકાવવાના રોડા નાંખવાના અને અવાજ દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. મેં દેશભરમાં હજ્જારો ડોકટરો તૈયાર કર્યા જેને પણ સેન્ટ્રલ આઈ બી દ્વારા ધમકાવવામાં આવી રહ્યાં છે. આ મામલે મેં કેન્દ્ર સરકારને પત્ર લખ્યો અને આ સંસ્થા દ્વારા મારી પાછળ ખોટી રીતે પડી જવામાં આવ્યા છે. જે મામલે મને જાણકારી નથી તેવા સવાલો પૂછવામાં આવી રહ્યાં છે. દરમિયાન રાજસ્થાનની પોલીસ દ્વારા અટકાયત કરવા ચક્રો ગતિતમાન કરવામાં આવ્યા. મેં પોલીસને કહ્યું કે અઢી વાગે આવો, હું પૂજાપાઠ કરતો હતો ત્યારે એક વ્યક્તિ મારા રૂમમાં ઘૂંસી આવ્યો. તેણે કહ્યું કે તરત જ નિકળો, તમારું એન્કાઉન્ટર કરવા માટે લોકો નિકળી ચૂક્યા છે. મેં બહાર નિકળીને જોયું તો બે પોલીસ વાળા ઉભા હતા. અલબત્ત મેં તેની વાત ન માની. થોડી વારમાં મને મારા મોબાઈલ પર ફોન આવ્યો કે સોલા પોલીસ સાથે રાજસ્થાન પોલીસનો કાફલો તમને પક઼ડવા આવ્યો છે.”
પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે, ” મેં વિચાર્યું કે મને તો તકલીફ થશે તે થશે દેશભરમાં કાર્યકરોને તકલીફ થશે તેથી હું ઓફિસમાંથી કર્મચારી સાથે રીક્ષામાં નિકળ્યો. હું સુરક્ષાકર્મીઓને જાણ કરીને નિકળ્યો. થલતેજમાં જ્યાં અમારા કોઈ કાર્યકર્તા નથી ત્યાં ગયો. રાજસ્થાન પોલીસ મને ટ્રેસ ન કરી શકે તે માટે મેંમારો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો. અને રાજસ્થાન પોલીસ શા માટે મારી ધકપકડ કરવા માંગે છે તે જાણવા પ્રયાસ કરવામાં આવ્યો. મેં બીજા ફોન દ્વારા તપાસ કરી રાજસ્થાના વકીલોનો સંપર્ક કર્યો અને મેં મામલે રાજસ્થાનની કોર્ટમાં હાજર થવા નિર્ધાર કર્યો. હું થલતેજથી જયપુર જવા માટે એરપોર્ટ જવા બપોરે ત્રણ વાગ્યા પછી નિકળ્યો. હું એકલો જ હતો. મારી સાથે કોઈ નહોતું. અચાનક મેં અનુભવ્યું કે મારી તબિયત બગડી રહી છે. મેં રીક્ષા ચાલકને નજીકમાં આવેલી ધનવંતરી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું, તે પછી મને કંઈ જ યાદ નથી. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે હું હોસ્પિટલના બિછાને હતો. હું ન્યાયતંત્રનો આદર કરું છું. હું ક્યાંય ભાગવા નથી માંગતો. જ્યારે પોલીસ મને અનુમતિ આપે હું રાજસ્થાન કોર્ટમાં જઈને આત્મસમર્પણ કરવા માંગું છું. મારી ગુજરાત પોલીસ કે રાજસ્થાન પોલીસ સામે કોઈ ફરિયાદ નથી. મારે ગુજરાત પોલીસને એટલું જ કહેવું છે કે મારા રૂમમાં સર્ચ કેમ કરવામાં આવી છે.”
પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે, “મારા રૂમમાં તમને કશું જ નહિં મળે. એક કપડાંની બેગ અને પૂજન સામગ્રી સિવાય તમને કશું નહિં મળે. સરકારના હાથા ન બને. મારો અવાજ દબાવવાની કોશિશ ન કરવામાં આવે. હું જીવું કે ન જીવું હું હમેંશા હિંદૂ સંગઠનોની એકતા માટે પ્રયાસ કરતો રહીશ.”
પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે, “હું મારા કાર્યકર્તાઓને કહ્યું છે કે તેઓ શાંતિ જાળવે, મારી કોઈની તરફ ફરિયાદ નથી. કેન્દ્ર સરકાર દ્વારા મને ટાર્ગેટ કરવામાં આવે છે. મેં સરકારને પત્ર લખ્યો છે પણ આજ સુધી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. મકરસંક્રાંતિના દિવસે શું કોઈ પકડવા આવે. મારી ધરપકડ કરવા માટે વોરંન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું હોવાનું રાજસ્થાન સીએમને પણ ખબર નથી. અમે ભાગેડૂ નથી. કાયદેસર કાર્યવાહી કરવામાં આવે પણ આ રીતે કોણ પાછળ પડી ગયું છે તે પુરાવા સાથે જ જણાવીશ.”
રાજસ્થાન પોલીસ ગુજરાત આવીને ડૉ.તોગડીયાનું એન્કાઉન્ટર કરવાની હતી એવો ભય તોગડીયાને હતો. RSSએ કહ્યું છે કે, ‘વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડીયાની સાથે વર્તમાન સંદર્ભમાં બનેલી ઘટનાના વિષયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ચિંતિત છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત સંઘચાલક(પ્રમુખ), મુકેશ માલકાને જણાવ્યું હતું. જોકે, સંઘ આ મુદ્દે મૌન છે કે, ડૉ.તોગડીયાને રામ મંદિર બનાવવાની માંગણી કરવા રોકી રાખવામાં આવી રહ્યાં છે. કાશ્મીર પ્રશ્ને બોલતાં અટકાવવામાં આવી રહ્યાં છે. આ તમામ બાબતો અંગે સંઘે મૌન સેવી લીધું છે. ગુજરાતના સંઘ જ તોગડીયાની પડખે છે પણ રાષ્ટ્રીય સંઘે આવી કોઈ જાહેરાત હજુ કરી નથી.
ગુજરાતના પૂર્વ ડીજીપી અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડીજી વણઝારા હોસ્પિટલમાં તેમને જોવા માટે ગયા હતા. ડીજી વણઝારા અને ડો.તોગડીયા બન્ને જૂના મિત્રો પણ છે. છતાં પણ પ્રશ્ન એ થાય છે કે એન્કાઉન્ટરની શંકા વ્યકત કરનારા ડો.તોગડીયાને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ કેમ મળવા ગયા? મિત્રભાવે મળવા ગયા હોવાનું સંભવી શકે છે પરંતુ રાજકીય અને પોલીસ બેડામાં આ મુલાકાતે અટકળો ગરમ કરી દીધી છે.
બીજી તરફ પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વિનર હાર્દિક પટેલ પણ ડો. તોગડીયાના ખબર અંતર પુછવા હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાર બાદ હાર્દિકે જણાવ્યું હતું કે, હું પ્રવિણ તોગડીયાની સાથે છું, આજે હિન્દુત્વ નહિં પણ હિન્દુસ્તાન ખતરામાં છે, પ્રવિણ તોદડીયા સાથે બનેલા આ બનાવની સાથે જ ગુજરાત અને દેશના રાજકીય વાતાવરણ માં ગરમાવો આવ્યો હતો અને નિષ્ણાતોના મતે આજે તોગડીયાએ મોદી વિરુદ્ધ મોરચો ખોલી ભાજપ અને સંઘ પરિવારમાં ધુંધવાઇ રહેલી મોદી વિરોધી આગને હવા આપવાનું કામ કર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રવીણ તોગડીયાને રાજસ્થાન પોલીસ ઉઠાવી ગઇ..!, સંઘ-વિએચપીમાં હડકંપ
Next articleતોગડીયાના આક્રામક તેવર….હિન્દુઓને મુર્ખ બનાવનારની ઉંઘ હરામ કરી નાખીશ