સુરતના હજીરા ગામમાં 14 વર્ષની કિશોરીનું મોત થયા બાદ પરિવારજનો તેની દફનવિધિ કરવા લઈ જતા હતા. દીકરીને દફનાવતાં પહેલાં તેના મોત અંગે કોઈને જાણ કરવામાં આવી ન હતી. એને લઈને અનેક શંકાઓ ઊભી થઈ રહી છે. હજીરા પોલીસને જાણ થતાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ તો કિશોરીએ આપઘાત કર્યો હોવાનું પિતા કહી રહ્યા છે. હજીરા ગામમાં રહેતા એક પરિવારની કિશોરી મોતને ભેટી હતી, જેથી પરિવાર મોત થતાંની સાથે જ રાત્રિ દરમિયાન ટ્રેક્ટરમાં લઈને તેની દફનવિધિ કરવા માટે ગયો હતો. હજીરા પોર્ટ નજીક ખુલ્લી અવાવરૂ જગ્યામાં નાયકો કંપનીના ગેટ નજીક દફનાવવા માટેની વિધિ શરૂ કરી હતી.હજીરા ગામમાં રહેતો એક પરિવાર ટ્રેકટરમાં દીકરીની લાશ લઈને દફનાવાની તૈયારી કરતો હતો.
ત્યારે સ્થાનિક લોકોને જાણ થતાં પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળ પર જે ટીમ પહોંચી હતી તેણે જોયું કે દફનાવાની તૈયારી કરવામાં આવી રહી હતી. જેથી પોલીસે લાશનો કબજો લઈ લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવાની તજવીજ શરૂ કરી દીધી હતી. પોલીસે જે ટ્રેક્ટરમાં મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો એ ટ્રેક્ટર પણ જપ્ત કરી લીધું છે. હજીરા વિસ્તારમાં રહેતી 14 વર્ષની કિશોરીને પોલીસને જાણ કર્યા વગર દફનાવી દેવાની ઘટનાને લઈને ગામમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. હજીરા વિસ્તારની અંદર સ્થાનિક લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ દીકરીનું કુદરતી મોત થયું નથી, પરંતુ સુસાઇડ કરી લીધું હોય એવું જણાઈ રહ્યું છે.
સુસાઈડ કરવા પાછળનું કોઈ કારણ અત્યારસુધી જાણવા મળ્યું નથી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા જ હજીરા પોલીસને સમગ્ર ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી. હજીરા પોલીસ સ્ટેશનના પીઆઇ જી.એસ. પટેલે જણાવ્યું હતું કે હજીરા વિસ્તારના પરિવારે અવાવરૂ જગ્યાએ જઈને દીકરીને દફનાવાની પ્રક્રિયા શરૂ કરી હતી, એ બાબતનો કોલ અમને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઘટનાની ગંભીરતાને જોતાં ઘટનાસ્થળ પર પહોંચીને તાત્કાલિક અસરથી લાશનો કબજો લઈ લેવામાં આવ્યો હતો. શરૂઆતના તબક્કામાં પરિવારજનોને પૂછતાં તેમણે જણાવ્યું કે અમારા રીતરિવાજ પ્રમાણે અમે દફનવિધિ કરી રહ્યા હતા.
અમારા પરિવારમાં જેમના લગ્ન થયું ન હોય અને ઉંમર ખૂબ નાની હોય ત્યારે અમે દફનાવાની વિધિ કરીએ છીએ. જોકે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને હાલ ટ્રેક્ટર જપ્ત કરી લેવામાં આવ્યું છે અને દીકરીના પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલી દેવામાં આવ્યો છે. કિશોરીના પિતા ચંદન કહેવત મજૂરીકામ કરે છે. તેમણે કહ્યું હતું કે મારી દીકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની જાણ મને કરવામાં આવી હતી. હું જે કંપનીમાં કામ કરું છું ત્યાં હતો અને મને ફોન કરીને મારા પરિવારના લોકોએ જાણ કરી હતી.
જેથી બપોર બાદ હું ઘરે આવ્યો હતો. દીકરીએ ઘરે ફાંસો ખાઈ લીધો હતો. અમારે કોઈના પર શંકા ન હતી અને કોઈના પર આરોપ કરવાનો પણ કોઈ ઈરાદો હતો નહીં, એટલા માટે અમે પોલીસને જાણ કરી ન હતી. અમે અમારા નિયમ મુજબ દીકરીને દફનાવવા માટે લઈ ગયા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.