Home ગુજરાત સિવિલ ઇજનેરો આધુનિક ભારતના નિર્માતા- ‘વિશ્વકર્મા’ : તેમના દ્વારા નિર્મિત વિકાસ કામો...

સિવિલ ઇજનેરો આધુનિક ભારતના નિર્માતા- ‘વિશ્વકર્મા’ : તેમના દ્વારા નિર્મિત વિકાસ કામો દેશ હંમેશા યાદ રાખશે – કેન્દ્રીય સડક પરિવહન – રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી

34
0

(G.N.S) dt. 3

ગાંધીનગર

ગુજરાતને રૂ. ૨,૦૦૦ કરોડના વિકાસ કામોની ભેટ આપતાં કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી


વિકસિત ભારત @૨૦૪૭ સાકાર કરવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સડક બ્રિજ નિર્માણમાં ક્વોલિટી વર્ક એપ્રોચ અને ગ્લોબલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનો અનુરોધ

ગાંધીનગરમાં ઇન્ડિયન રોડ કોંગ્રેસના ૮૨માં દ્વિપક્ષિય અધિવેશનનો પ્રારંભ

સિવિલ ઇજનેરો આધુનિક ભારતના નિર્માતા- ‘વિશ્વકર્મા’ છે. તેમના દ્વારા નિર્મિત રોડ સહિતના વિકાસ કામો દેશ- આવનાર પેઢીઓ હંમેશા યાદ રાખશે. ઈજનેરો દ્વારા કરેલા શ્રેષ્ઠ કામો એ જ તમારો સૌથી મોટો એવોર્ડ છે. દેશ માટે સારા રોડ, ડિઝાઇન અને ઉત્તમ માળખાકીય સુવિધાઓ તૈયાર કરવાનું સદભાગ્ય આજના સિવિલ ઈજનેરના હાથમાં છે જે તમે સૌ નિષ્ઠાથી કરી રહ્યા છો તેમ, ગાંધીનગર ખાતે ૮૨માં ‘એન્યુઅલ ઇન્ડિયન રોડ કોંગ્રેસ’નો શુભારંભ કરાવતાં કેન્દ્રીય સડક પરિવહન – રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું.

કેન્દ્રીય સડક પરિવહન - રાજમાર્ગ  મંત્રી શ્રી નીતિન ગડકરીના હસ્તે અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ૮૨માં 'એન્યુઅલ ઇન્ડિયન રોડ કોંગ્રેસ'નો શુભારંભ કરવામાં આવ્યો હતો.     

કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, રોડ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કોસ્ટ ઈફેક્ટિવ,અલટરનેટિવ મટિરિયલ ઓપ્શન, ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન અને ટાઇમ મેનેજમેન્ટ એમ ચાર બાબતો સૌથી મહત્વપૂર્ણ છે. આ ચાર બાબતોના સંકલનના અભાવે રોડ પ્રોજેક્ટમાં વિલંબ થતાં હોય છે જેને કારણે સરકાર અને કંપનીઓને કરોડોનું નુકસાન થાય છે. મંત્રી શ્રી આ બાબતે મુંબઈનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે જ્યારે મુંબઇમાં ફલાય ઓવરના કામો કરતી કંપનીઓને ઓફર હતી કે જો તમે સમય અવધિ પહેલા કામ પૂર્ણ કરશો તો રૂ. ૧ લાખનું ઈનામ અપાશે અને જો એક દિવસનો વિલંબ થશે તો રૂ. ૧.૫ લાખનો દંડ લેવામાં આવશે. સારા હેતુ સાથે કરેલા કાર્યોમાં ભૂલ થાય તો પણ તે ક્ષમ્ય છે પરંતુ બદઇરાદા સાથે કરેલા કાર્યો કદી પણ માફ કરી શકાતા નથી. ભારત સરકાર પાસે વિકાસ કાર્યો કરવા નાણાની કમી નથી એટલે તમામ કામો તેની સામે મર્યાદા પહેલા પૂર્ણ થાય તે જરૂરી છે.

કેન્‍દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે અમદાવાદ- ધોલેરા હાઇવે બનાવવા માટે લાખો ટન પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને એક ઇકોલોજીકલ પર્યાવરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પર્યાવરણના ભોગે વિકાસ કરવો યોગ્ય નથી. નવીન રોડ બનાવવા માટે વૃક્ષો કાપવા કરતા તે વૃક્ષોનું યોગ્ય જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવું વધુ ઉત્તમ રહેશે. ભારતમાં નવીન આયામો માટે યુવાનોને વધુ પ્રોત્સાહિત કરવા પડશે તો જ આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી શકીશું. રોડના કામોમાં ગુણવત્તા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો પડશે તો જ આપણે દેશને ઉત્તમ માર્ગો આપી શકીશું.

કેન્દ્રીય પરિવહન મંત્રી શ્રી ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશ આજે દરેક ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીને ખૂબ જ મહત્વ આપી રહ્યો છે, ત્યારે રોડ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે પણ ઇનોવેટીવ ટેકનોલોજી અને ખાસ કરીને ગુણવત્તાને પ્રાધાન્ય આપવું ખૂબ જ જરૂરી છે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા તેમજ ભારતને પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે વૈશ્વિક કક્ષાએ થતી બેસ્ટ પ્રેક્ટિસીસથી પ્રેરણા લઈ આ ક્ષેત્રની સાંપ્રત ટેકનોલોજી અને ઈનોવેટીવ વિચારોને પ્રોત્સાહન આપવું જોઈએ. 

દેશમાં થતી રોડ દુર્ઘટનાઓને ટાળવા માટે શ્રી ગડકરીએ રોડ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ પર વધારે ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે દેશના વિકાસ દરને વેગ આપવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણનો ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે મહારાષ્ટ્રનું ઉદાહરણ આપતા કહ્યું કે, મહારાષ્ટ્રના ગામડાઓને રોડ કનેક્ટિવટી પૂરી પાડવા તેમણે વધુમાં વધુ બજેટ ખર્ચ કર્યું હતું, અને તેની ભરપાઈ માટે મુંબઈના રોડ-રસ્તા કામ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી પૂર્ણ કર્યા હતા. રોડ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે પણ ઇનોવેટિવ મોડલથી રેવન્યુ જનરેટ કરી શકાય તેમ છે, એમ, જણાવી મંત્રી શ્રીએ ૮૨માં એન્યુઅલ રોડ કોંગ્રેસના સફળ આયોજન માટે સૌ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

કેન્દ્રીય મંત્રી શ્રી ગડકરીએ આ પ્રસંગે સેન્ટ્રલ રોડ ફંડ- CRFમાં રૂ.૧,૦૦૦ કરોડ તેમજ સેતુ ભારત હેઠળ રૂ. ૧,૦૦૦ કરોડ એમ કુલ રૂ. ૨,૦૦૦ કરોડના વિકાસ કામોની ગુજરાતને ભેટ આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્ર અને રાજ્યના વિકાસને ગતિ આપવામાં સુદ્રઢ રોડ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચરને મહત્વનું પરિબળ ગણાવ્યું છે.
આ સંદર્ભમાં તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @૨૦૪૭ને સાકાર કરવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સડક તથા બ્રિજ નિર્માણમાં ગ્લોબલ ટેકનોલોજીના ઉપયોગ સાથે ક્વોલિટી વર્ક એપ્રોચ પણ અપનાવવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ઇન્ડિયન રોડ કોંગ્રેસના ૮૨માં અધિવેશનના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાછલા નવ વર્ષમાં દેશમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્કના વિસ્તૃતિકરણ પર ઘણું ધ્યાન આપ્યું છે. દેશમાં ૫૪ હજાર કિલોમીટરનો નેશનલ હાઇવે અને ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે નિર્માણ વિસ્તાર થયો છે.
દેશમાં ૯૯% ગામોને રોડ કનેક્ટિવિટી મળી ગઈ છે અને મજબૂત રોડ નેટવર્ક તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતના આર્થિક, ઔદ્યોગિક સામાજિક વિકાસનું કેટાલિસ્ટ બની રહ્યું છે. તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે ઇન્‍ડિયન રોડ કોં‍ગ્રેસના સભ્યોને સ્ટેબલ નેટવર્કના કેટલિસ્ટ એજન્‍ટ ગણાવતા જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા બદલાતા વાતાવરણ સાથે સડક નિર્માણ, બ્રિજ ડિઝાઇન્‍સમાં સમયાનુકુલ બદલાવ જરૂરી છે.
નિર્માણ કાર્યમાં ગ્લોબલ ટેક્નોલોજી અને અપડેટેડ મશીનરીની જાણકારી આપવા IRC દ્વારા આયોજિત પ્રદર્શનો લાભ લેવા પણ તેમણે અપીલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રદર્શનમાં દર્શાવાયેલી ટેક્નોલોજી અને મશીનરી ઇજનેરો અને નિર્માણ કાર્ય કરતા કોન્‍ટ્રાક્ટર્સ બંને માટે ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. 

દેશમાં વિકાસના રોલ મોડલ એવા ગુજરાતને દેશના અમૃતકાળમાં ૮૨માં IRC અધિવેશનના યજમાન રાજ્યનું ગૌરવ મળ્યું છે તે માટે તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે આ તકે ગુજરાતમાં રોડ નેટવર્ક ઇન્‍ફ્રાસ્ટ્રકચરની વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે દેશભરના રાજ્યોમાંથી આ અધિવેશનમાં સહભાગી  IRC મેમ્‍બરને કહ્યું કે, ગુજરાતે વડાપ્રધાનશ્રી નરે‍દ્રભાઇ મોદીના પદ ચિન્‍હો પર ચાલતા સડક નિર્માણ સહિતના કાર્યોના બજેટમાં આ વર્ષે ૨૦,૬૦૦ કરોડ રૂપિયાથી વધુનું પ્રાવધાન કર્યું છે.
એટલું જ નહિ, રાજ્યમાં ટુરિઝમ ડેવલપમેન્‍ટ માટે ટુરિઝમ સરકીટ માટે ૬૦૦ કરોડ અને સરહદી વિસ્તારોના છેવાડાના ગામોને પાકા રસ્તાથી જોડવા પ્રગતિપથ અંતર્ગત ૫૦૦ કરોડનું બજેટ ફાળવ્યું છે. તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં નાના મોટા પુલોનો સરવે કરી દેવાયો છે અને જરૂરિયાત મુજબ સ્ટ્રેન્‍ધનીંગ કામોને પ્રાયોરિટી પણ આપી છે. તથા રાજ્યના પાંચ હાઇ સ્પીડ કોરીડોર નિર્માણ પ્રગતિમાં છે. 
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે IRCની કોફી ટેબલ બુક અને સુવિનેયરના વિમોચન પણ આ અધિવેશનના પ્રારંભ અવસરે કર્યા હતા.

રોડ ક્ષેત્રે શ્રેષ્ઠ રીસર્ચ પેપર રજૂ કરનાર વિવિધ રાજ્યોના ઈજનેરોનું મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રીએ મહાત્મા મંદિર ખાતે ઇન્ડિયન રોડ કોંગ્રેસ-  IRC દ્વારા આયોજિત 121 સ્ટોલ્સનું વિશાળ પ્રદર્શન નિહાળીને તલસ્પર્શી માહિતી મેળવી હતી.

ઇન્ડિયન રોડ કોંગ્રેસના પ્રેસિડેન્ટ શ્રી એસ. પી. વસાવાએ IRC તરફથી સૌને આવકારતા જણાવ્યું હતું કે, ભારતમાં ઇન્ડિયન રોડ કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારથી હરહંમેશ IRC દ્વારા રોડ અને પરિવહન ક્ષેત્રના મહત્વને સમજીને ભારત સરકાર તેમજ વિવિધ રાજ્ય સરકારોના નવીન પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું છે. સૌના સામૂહિક પ્રયાસોના પરિણામે આજે ભારત ૬૩.૫૦ લાખ કિલોમીટરથી પણ વધુનું રોડ નેટવર્ક ધરાવે છે, જે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રોડ નેટવર્ક છે. છેલ્લા એક દાયકાથી સમગ્ર દેશમાં અદ્યતન ટેકનોલોજીના સહારે હાઇવે અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સતત વિકાસ થઇ રહ્યો છે. સાથે જ જૂના રોડ રસ્તાઓને પણ અદ્યતન કરવામાં આવી રહ્યા છે. કોઈપણ દેશમાં રોડ એક્સીડન્ટને ઘટાડવા માટે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે રોડ સેફ્ટી એજ્યુકેશન પણ ખૂબ જ મહત્વનું છે. જેના માટે પણ IRC ભારત સરકાર સાથે મળીને નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

IRCના સચિવ શ્રી સંજય નિર્મલે વાર્ષિક સત્રમાં સૌને આવકારતાં કહ્યું હતું કે, ઇન્ડિયન રોડ કોંગ્રેસ - IRCની સ્થાપના આઝાદી પહેલાં એટલે કે વર્ષ ૧૯૩૪માં કરવામાં આવી હતી. રોડ ક્ષેત્રે સલામત- શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુ સાથે કાર્યરત IRC તેની આ ૮૯ વર્ષની સફર બાદ હાલમાં સૌથી વધુ ૧૯,૦૦૦ સભ્યો ધરાવે છે. IRC ૨૭૩ જેટલા માપદંડો સાથે કામ કરી રહ્યું છે. IRC દ્વારા દર વર્ષે ભારત અને વિદેશમાં રોડ સેફ્ટી સંદર્ભે વિવિધ સેમીનારનું સફળ આયોજન કરવામાં આવે છે. આ ચાર દિવસીય ઇન્ડિયન રોડ કોંગ્રેસમાં વિવિધ ૧૭ જેટલા ટેકનિકલ સત્રો યોજાશે જેમાં રોડ સાથે જોડાયેલા તજજ્ઞો પોતાના વિચારો રજૂ કરશે.

ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી એ.કે પટેલ સ્વાગત પ્રવચન કરીને દેશભરમાંથી ઉપસ્થિત સૌ ડેલિગેટસને ગુજરાતમાં આવકાર્યા હતા.

 આ પ્રસંગે ગુજરાતના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, IRCના હોદ્દેદારો, ડેલિગેટસ સહિત માર્ગ- પરિવહન સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ, ઈજનેરો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વર્ષ 2023 માટે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કર્યા
Next articleપ્રધાનમંત્રી મોદીની ગેરંટીથી ૩ રાજ્યોમાં ભાજપની હેટ્રિક..