Home ગુજરાત સાયન્સ સિટી ખાતે બાયોટેકનોલોજી પ્રી-વાઈબ્રન્ટ સમિટ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો ...

સાયન્સ સિટી ખાતે બાયોટેકનોલોજી પ્રી-વાઈબ્રન્ટ સમિટ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો  –

7
0

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા

…….

સ્વદેશી સાયન્સ, ટેકનોલોજીથી લઈને સ્પેસ સુધીના બહુવિધ ક્ષેત્રે દુનિયાને ભારતની આગવી તાકાત જોવા મળી છે:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

-: મુખ્યમંત્રીશ્રી:-

•             બાયોટેકનોલોજી એ ‘ટેક્નોલોજી ઑફ હોપ’ છે

•             ગુજરાતે શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં ૨૦૦૪થી બાયોટેકનોલોજીને વિશેષ મહત્વ આપ્યું છે

•             ગુજરાતનું સાવલી બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર દેશના ટૉપ થ્રીમાં સ્થાન પામ્યું છે

•             ગુજરાતમાં સૌથી મોટું ફાર્મા અને બાયોટીક વર્ક ફોર્સ ઉપલબ્ધ છે

…….

-:કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવીયા:-

•             ગુજરાતે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રેસર રહી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે

•             ભારતે કોવિડ ૧૯ મહામારીમાં કુલ ૫ વેક્સિન બનાવી દુનિયામાં ભારતની બાયોટેકનોલોજી ક્ષેત્રની તાકાતનો પરિચય આપ્યો

…….

પ્રી-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત બાયોટેકનોલોજી આધારિત એકઝીબિશન, સેમિનાર, સ્ટાર્ટઅપ માટે બૂટ કેમ્પ અને લાઈવ પિચિંગ, પેનલ ડિસ્કશન સહિતના કાર્યક્રમોનું આયોજન

(જી.એન.એસ),તા.૧૧

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૨૪ના  પૂર્વાર્ધરૂપે યોજાયેલી બાયોટેકનોલોજી સેક્ટરની પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, બાયોટેકનોલોજી એ ઝડપથી વિકસી રહેલી ‘ટેક્નોલોજી ઑફ હોપ’ છે. ગુજરાતે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં વર્ષ ૨૦૦૪થી જ રાજ્યમાં બાયોટેકનોલોજી સેક્ટરના ડેવલપમેન્ટ પર ઝોક આપ્યો છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ધરાવતું એક રાજ્ય છે, એટલું જ નહી. સાવલી નજીકનું બાયોટેકનોલોજી રિસર્ચ ઍન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર દેશના ટોપ થ્રીમાં સ્થાન મેળવતું રહ્યું છે. ૧૦૦ જેટલા સ્ટાર્ટઅપ આ સેન્ટર દ્વારા તૈયાર થયા છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સ્વદેશી સાયન્સ ટેકનોલોજીથી લઇને સ્પેસ સુધીના બહુવિધ ક્ષેત્રોમાં ભારતની આગવી ક્ષમતાનો વિશ્વને પરિચય કરાવ્યો છે. વિશ્વને ગુજરાત અને દેશની વ્યાપાર ઉદ્યોગ ક્ષમતાનો પણ પરિચય કરાવવા વડાપ્રધાનશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજ ૨૦૦૩માં વાવેલા તે આજે બે દાયકામાં વિકાસનું વટવૃક્ષ બન્યા છે, એમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ફાર્મા અને ટેકનોલોજી સેક્ટરમાં ગુજરાતની ગુજરાતની ઉપલબ્ધિઓ અંગે જણાવ્યું કે, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ૧૦ હજાર કરોડ જેટલી આવક સાથે રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૪૦થી ૪૫% જેટલું યોગદાન આપે છે. રાજ્યમાં સૌથી મોટું ફાર્મા અને બાયોટેક વર્કફોર્સ ઉપલબ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ‘જય અનુસંધાન’ના મંત્રને સાર્થક કરતા દેશમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે સ્વર્ણિમયુગની શરૂઆત થઈ છે અને ગુજરાત એમાં પણ અગ્રેસર રહેવા સજ્જ છે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવામાં બાયોટેક્નોલોજી ક્ષેત્ર મહત્વનું સાબિત થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

વર્ચ્યુઅલ માધ્યમથી આ ઇવેન્ટમાં જોડાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં બાયોટેકનોલોજી મિશન અને બાયોટેકનોલોજી પાર્કની સ્થાપના કરી હતી. તેમણે કહ્યું કે, ૨૦ વર્ષ પહેલાં બાયોટેકનોલોજી મિશનની સ્થાપના કરવા વાળું ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય હતું. આ કદમ જ દર્શાવે છે કે બાયોટેકનોલોજીને લઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું વિઝન કેટલું દુરંદેશી હશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય બાયોટેક ઇન્ડસ્ટ્રી વર્ષ ૨૦૨૫ સુધી ૧૫૦ બિલિયન ડોલર અને વર્ષ ૨૦૩૦ સુધી ૩૦૦ બિલિયન ડોલરના લક્ષ્યાંક સાથે કાર્ય કરી રહી છે. ભારતમાં બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝમાં ૭૬૦ થી વધુ કંપનીઓ અને વિભિન્ન ક્ષેત્રોમાં ફેલાયેલા ૪૨૪૦ જેટલા સ્ટાર્ટઅપ સામેલ છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતે કોવિડ ૧૯ મહામારીમાં કુલ ૫ વેક્સિન બનાવી દુનિયામાં ભારતની બાયોટેકનોલોજી ક્ષેત્રની તાકાતનો પરિચય આપ્યો જે બાયોટેકનોલોજી સ્કિલને કારણે સંભવિત થઈ શક્યું. ભારતે દુનિયાના ૧૨૫થી વધુ દેશોમાં એફોર્ડેબલ વેક્સિન ઉપલબ્ધ કરાવી એવું તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ ગુજરાતને અભિનંદન આપતા કહ્યું કે, ગુજરાતે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રેસર રહી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનું કાર્ય કર્યું છે તે સરાહનીય છે. વાઈબ્રન્ટ ગુજરાતની આ પ્રી-ઇવેન્ટ આ ક્ષેત્રને સાચી દિશામાં આગળ વધવા માટે મદદ કરશે. આ ઇવેન્ટમાં વૈચારિક આદાન પ્રદાનથી બાયોટેકનોલોજી ક્ષેત્રને હજુ ઘણી ઊંચાઈઓ પ્રાપ્ત થશે એવું તેમણે ઉમેર્યું હતું. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના સચિવ શ્રી રાજેશ ગોખલેએ આગામી સમયમાં ‘બાયોલોજી દ્વારા ટેકનોલોજી ક્રાંતિ’ વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં આ ક્ષેત્રે દેશમાં રહેલા પડકારો, તેના નિરાકરણ સહિત વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવામાં બાયોટેકનોલોજી, રિસર્ચ અને ઈનોવેશનની ભૂમિકા અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.

મુખ્ય સચિવશ્રી રાજકુમારે જણાવ્યું કે, ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આગામી સમયમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશનું બાયોટેકનોલોજી સેકટર ઝડપથી વિકસી રહ્યું છે. આવનારા સમયમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન અને રીન્યુએબલ રીસોર્સના મહત્તમ ઉપયોગના લક્ષ્યાંકને સાકાર કરવામાં બાયોટેકનોલોજી ક્ષેત્ર ખૂબ જ મહવનો ભાગ ભજવશે. રાજ્યમાં બાયોટેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાયોટેકનોલોજી ઈકોસિસ્ટમ ડેવલપ કરીને ગુજરાતને બાયોટેકનોલોજી હબ બનાવવાનો બાયોટેકનોલોજી પોલીસીનો મુખ્ય ઉદ્દેશ છે એમ તેમણે ઉમેર્યું હતું.

સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવશ્રી મોના ખંધારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, પાછલા ૮ વર્ષમાં ભારતનું બાયોટેકનોલોજી અને બાયોઈકોનોમી સેકટર આઠ ગણું વધ્યું છે. રાજ્યના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સીટી, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન જેવી શૈક્ષણિક સંસ્થાઓ સાથે લાવી રાજ્યમાં સુગ્રથિત બાયોટેકનોલોજી ઈકોસિસ્ટમ ડેવલપ કરવાનું કાર્ય કર્યું છે.

આ પ્રિ-વાઈબ્રન્ટ સમિટમાં વિવિધ નવીન બાયોટેકનોલોજી પ્રોડક્ટ્સનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તથા બાયોટેકનોલોજી કંપનીઓ સાથે MOU એક્સચેન્જ કરવામાં આવ્યાં હતા. આ પ્રિ-વાઈબ્રન્ટ સમિટમાં બાયોટેક્નોલોજી એસોસિએશનના પ્રમુખ શ્રી જી.એન. ક્રિષ્નન, કેલિફોર્નિયાના ટાર્ગેટ ડિસ્કવરી ઇન્ક.ના ચેરમેન શ્રી જેફરી પીટરસન, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક મિશનના ડિરેક્ટર શ્રી વિદેહ ખરે તેમજ બાયોટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતો અને સંશોધકો સહિત ઉદ્યોગકારો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રીએ ‘Viksit Bharat @2047: Voice of Youth’ લોન્ચ કર્યું
Next articleવિદ્યારાજ વિદ્યાપીઠ સંકુલના પ્રાંગણમાં ભવ્ય પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયો