Home Uncategorized શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા...

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

10
0

(G.N.S) dt. 13

વલસાડ,

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ એ કહ્યું હતું કે,

◆» આધ્યાત્મિકતાના માર્ગે ચાલીને આધુનિક વિકાસ સાધવો શક્ય

◆» સત્ય, અહિંસા, તપ અને શીલ ભારતભૂમિના કણ કણમાં વસ્યા છે

◆» શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે
◆» રાજચંદ્ર મિશનની સેવાકીય પ્રવૃત્તિઓ લાખો અનુયાયીઓના જીવન પરિવર્તિત કરવામાં પથદર્શક બની છે
◆» ભારત આદિકાળથી આધ્યાત્મિક પરંપરાને જીવંત રાખતું રાષ્ટ્ર રહ્યું છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, આદિજાતિ વિકાસ, શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા શ્રી ધરમપુર તીર્થક્ષેત્ર ખાતે નવનિર્મિત સત્સંગ અને ધ્યાન સંકુલ ‘રાજ સભાગૃહ’ને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ખૂલ્લું મૂક્યું હતું.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં ધર્મપ્રેમી અનુયાયીઓને પ્રેરક સંબોધન કરતાં રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી પણ શ્રીમદ્દ રાજચંદ્રજીના વ્યાપક ધાર્મિક જ્ઞાન અને ચારિત્ર્યની શક્તિથી પ્રભાવિત થયા હતા અને આધ્યાત્મિક ગુરૂના રૂપમાં શ્રીમદ્દ રાજચંદ્રજીના જીવન આદર્શોનું જીવનભર અનુસરણ કર્યું હતું.

રાષ્ટ્રપતિશ્રીએ જૈન સમુદાયની પ્રશંસા કરતા કહ્યું કે, જૈન શબ્દનું મૂળ ‘જિન’ શબ્દમાં છે, જેનો અર્થ વિજેતા એવો થાય છે. વિજેતા તે છે જેણે અનંત જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જે અન્ય લોકોને મોક્ષનો માર્ગ કંડારે છે. માનવીના અસ્તિત્વના સાગરને પાર કરવામાં મદદ કરનાર એ તીર્થંકર છે. તમામ ૨૪ જૈન તીર્થંકરોએ માનવતાનો એવો માર્ગ બતાવ્યો છે કે જેના દ્વારા વ્યક્તિ જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ મેળવે છે, કરુણા અને દયાની લાગણી જન્માવે છે અને માનવજાતિને જીવન જીવવાનો સાચો અર્થ સમજાવે છે. એટલે જ સમ્યક જ્ઞાન, સમ્યક વિશ્વાસ અને સમ્યક આચરણ એ જૈનીઝમનો સાર છે.

તેમણે વધુમાં કહ્યું કે, પૂ.ગુરૂદેવ શ્રી રાકેશભાઈના અથાગ પ્રયાસોથી શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી ક્ષેત્રમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે. વનબાંધવોની ભૂમિ ધરમપૂરમાં આવેલું આ તીર્થ ધાર્મિક ચેતનાનું કેન્દ્ર બન્યું છે એવી લાગણી વ્યક્ત કરતા રાષ્ટ્રપતિશ્રીએ સંસ્થાની સેવાપ્રવૃત્તિઓને બિરદાવી હતી અને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ લાખો અનુયાયીઓના જીવન પરિવર્તિત કરવામાં પથદર્શક બની હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

આધ્યાત્મિકતાના માર્ગે ચાલીને આધુનિક વિકાસ સાધવો શક્ય છે એવો મત વ્યક્ત કરતાં રાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું કે, શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુર વિશ્વભરમાં ૨૦૦ થી વધુ સ્થળોએ સક્રિય છે. આ મિશન દ્વારા આત્મજ્ઞાનનો માર્ગ પ્રશસ્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

સત્ય અને અહિંસા, જીવદયા અને સદાચારના મૂલ્યો જનજનમાં પ્રસરે અને શાંત, ઉન્નત અને સુખમય રાષ્ટ્રનું નિર્માણ થાય એવી અપેક્ષા રાષ્ટ્રપતિશ્રીએ વ્યક્ત કરતાં કહ્યું કે, સત્ય, અહિંસા, તપ અને શીલ ભારતભૂમિના કણ કણમાં વસ્યા છે. પ્રાણીમાત્ર પ્રત્યે કરૂણા એ ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરનો માનવજાતને સંદેશ છે. મહાવીરજીના અહિંસાના માર્ગે ચાલીને આત્મજ્ઞાન મેળવવું અતિ સરળ છે, ત્યારે ભગવાન મહાવીરના પદચિહ્નો પર ચાલીને પૂ.ગુરૂદેવ રાકેશજીએ સેવા અને માનવતાની જ્યોતિ પ્રગટાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે.

શ્રીમદ્દ રાજચંદ્રજીના વિચારોને કેન્દ્રમાં રાખી નવી પેઢીને વિજ્ઞાન અને જ્ઞાનની સાથે ધર્મ તરફ વાળીને તેમણે ઈશ્વરીય કાર્ય કર્યું છે એવી ભાવના વ્યક્ત કરી રાષ્ટ્રપતિશ્રીએ પૂ.રાકેશજીને સામાજિક સમરસતા, આધ્યાત્મિક ઉન્નતિના વાહક બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

શાશ્વત જ્ઞાનની પ્રાપ્તિ અને આધ્યાત્મિક ઉર્જાના કેન્દ્ર સમા ધરમપુર તીર્થ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિશ્રીને આવકારતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ભારત આદિકાળથી આધ્યાત્મિક પરંપરાને જીવંત રાખતું રાષ્ટ્ર રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનકાળથી સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય, સહિષ્ણુતા, કરૂણા અને માનવતાની દ્યોતક રહી છે.

સત્ય અહિંસા પરમોધર્મનો ઉલ્લેખ કરી રાજ્યપાલશ્રીએ તેનું મહત્વ સમજાવતાં કહ્યું કે, હિંસા અને અહિંસા બેમાંથી જે ટકી શકે તે ધર્મ અને જે ના ટકી શકે તે અધર્મ, એ જ રીતે સત્ય અને અસત્ય બંનેને એક સાથે વ્યવહારમાં લાવતા સત્ય ટકશે અને અસત્યનો છેદ ઉડી જશે.

જીવસેવા અને માનવસેવા’ સમાજમાં સૌના જીવનનો ભાગ બને તેવું પ્રેરક આહવાન કરતા તેમણે ઉમેર્યું કે, ધરતી પર જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ જીવનકાળમાં પરોપકાર અને જનકલ્યાણની ભાવનાથી માનવસેવા- જીવસેવા કરે છે તે અમરત્વ પ્રાપ્ત કરે છે. લોકોની ભલાઈ અને દરિદ્ર નારાયણની સેવા માટે ગુરુદેવ રાકેશજીના પ્રયાસો સરાહનીય છે એમ જણાવી રાજચંદ્ર મિશને જાત- પાત, ધર્મ અને વાડાબંધીને સ્થાને સમગ્ર સૃષ્ટિના હિતને સેવામંત્ર બનાવ્યો છે.

શ્રીમદ્ રાજચંદ્ર મિશનના વાઈસ પ્રેસિડેન્ટ પૂ.આત્માર્પિત નેમીજીએ સંસ્થાની સેવા અને સાધના કામગીરી, અધ્યાત્મ અને સમાજસેવાના સમન્વયરૂપ રાજચંદ્ર મિશનની ગતિવિધિઓની છણાવટ કરી રાષ્ટ્રપતિશ્રી અને રાજ્યપાલશ્રીને આવકાર્યા હતા. તેમણે ધરમપુર તાલુકાની કોઈ પણ રાષ્ટ્રપતિએ મુલાકાત લીધી હોય એવી આ પ્રથમ ઘટના છે એમ જણાવી દેશના પ્રથમ આદિજાતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને મહિલા સશક્તિકરણના જીવંત ઉદાહરણ ગણાવ્યા હતા. સંસ્થાના સંદીપભાઈ પ્રેસવાલા દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિની માહિતી આપવામાં આવી હતી.

આ વેળાએ પૂ.ગુરૂદેવશ્રી રાકેશજી, ટ્રસ્ટીઓ અને આદિજાતિ મહિલાઓએ રાષ્ટ્રપતિશ્રી, રાજ્યપાલશ્રીનું શાલ, સ્મૃતિ ચિહ્ન અને કલાત્મક ચિત્ર અર્પણ કરી સ્વાગત કર્યું હતું. આદિવાસી યુવા, બાળકોએ પરંપરાગત આદિજાતિ નૃત્ય પ્રસ્તુતિ રજૂ કરી હતી.

વિશેષતઃ શ્રીમદ્ રાજચંદ્ર મિશન સેન્ટર ફોર એક્સલન્સમાં કાર્યરત ૨૫૦ બહેનો દ્વારા સ્વનિર્મિત અલંકારો, ભરત ગૂંથણની સાડી અને પૌષ્ટિક આહારની ટોપલી રાષ્ટ્રપતિશ્રીને અર્પણ કરી હતી. પૂજ્ય ગુરુદેવ દ્વારા પવિત્ર પુસ્તકોનો ગ્રંથ સ્મૃતિભેટ રૂપે રાષ્ટ્રપતિશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે “તો જ ઇશ્વર પ્રસન્ન થશે” ધ્યાન અને સત્સંગ સિરિઝ, ક્ષમા મેડિટેશન પુસ્તિકા અને વિઝ્યુઅલ સિરીઝનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેનો પ્રથમ સેટ રાષ્ટ્રપતિશ્રીને ભેટરૂપે અપાયો હતો. સાધના અને સેવાકાર્ય અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ સૌએ નિહાળી હતી.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોર, ઉદ્યોગ અને સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના પ્રમુખશ્રી અભયભાઈ જસાણી, મહેશભાઈ ખોખાણી અને દેશવિદેશમાંથી પધારેલા અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સેન્ટર ફોર વુમન એક્સેલન્સની બહેનોએ હાથ બનાવટની કલાત્મક ચીજવસ્તુઓ રાષ્ટ્રપતિશ્રીને ભેટ આપી

શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા સંચાલિત સેન્ટર ફોર વુમન એક્સેલન્સમાં હાલ ૨૫૦ બહેનોને મહિલા સશક્તિકરણની દિશામાં સ્વરોજગાર માટે તાલીમ આપી આર્થિક ઉન્નત અને આત્મનિર્ભર બનાવવામાં આવે છે. આ તાલીમાર્થી બહેનો દ્વારા સ્વહસ્તે નિર્મિત ભરત ગૂંથણની કલાત્મક વસ્તુઓ, વાનગી, મેડિટેશન માટેનું આસન, હાર, અલંકાર અને સાડી રાષ્ટ્રપતિશ્રીને સ્મૃતિભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. જે એમના માટે યાદગાર સંભારણું બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર જીવન અને શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા સામાજિક આગેવાનો ભાજપ માં જોડાયા
Next articleપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજીયાત